વારાણસીમાં મુખ્તાર અંસારીએ મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

શુક્રવાર, 11 એપ્રિલ 2014 (10:03 IST)
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુધ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરનારા પૂર્વાંચલનાં બાહુબલી મુખ્તાર અંસારી હવે વારાણસી બેઠક પરથી ચૂંટણી નહીં લડે. મુખ્તારનાં ભાઇ અને કોમી એકતા દળનાં અધ્યક્ષ અફઝલ અંસારીએ આ માહિતી આપી. નોંધનીય છે કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ વારાણસી બેઠક પરથી અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે.
 
અજય રાયનાં કટ્ટર મનાતા મુખ્તાર અંસારીએ હવે વારાણસી બેઠક પરથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે તેમની પાર્ટી વારાણસી બેઠક પરથી અન્ય કોઇને ઉમેદવાર બનાવશે કે પછી કોઇ મોટી પાર્ટીને સમર્થન જાહેર કરશે.
 
સૂત્રોનાં જણાવ્યા મુજબ અફઝલ અંસારી હાલ દિલ્હીમાં છે, અને કેજરીવાલનાં નજીકનાં લોકોનાં સંપર્કમાં છે. માનવામાં આવે છે કે મોદીને હરાવવા માટે મુખ્તાર અંસારી કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી શકે છે.
 
નોંધનીય છે કે અગાઉ કોમી એકતા દળે વારાણસી બેઠક પરથી મુખ્તારની પત્ની આશમાને ઉમેદવાર જાહેર કર્યા હતા, પણ મોદી સાથે મુકાબલો જોઇને પાર્ટીએ પોતાની રણનિતીમાં ફેરફાર કર્યો, અને મુખ્તારને ઉમેદવાર જાહેર કર્યા  હતા.
 
2009માં મુખ્તાર બીએસપીની ટિકીટ પર વારાણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. મુખ્તાર અને ભાજપનાં દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જોશીએ મુખ્યારને અંદાજે 17 હજાર વોટથી હાર આપી હતી.
 

વેબદુનિયા પર વાંચો