લોકસભા ચૂંટણીની યાદીમાં ગુજરાતમાંથી કોણ ?

ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (18:34 IST)
P.R
ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓ માટે આવતા સપ્તાહમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ રહી છે ત્યારે તેમાં ગુજરાતના કયા ઉમેદવારોનો સમાવેશ હશે તેની અટકળો વહેતી થઇ છે. ખાસ કરીને મોદીની ઇચ્છા વિરુદ્ધ રાજ્યસભાની ટીકીટ ઠુકરાવનાર અને પોતે લોકસભાની ચૂંટણી જ લડશે એવી જાહેરાત કરનાર એલ કે અડવાણીનું નામ આ યાદીમાં કે પછી ગુજરાતના 26 ઉમેદવારોમાં હશે કે કેમ તે અંગે પણ રાજકીય અટકળો શરૂ થઇ છે.

ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થાય ત્યાર બાદ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થાય તે તબક્કો હવે કોઇ રાજકીય પક્ષોમાં જોવા મળતો નથી. આગામી ચૂંટણીઓ સમગ્ર દેશ માટે નિર્ણાયક હોવાથી ભાજપ, કોંગ્રેસ વગેરે પક્ષોએ ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા ઉમેદવારો જાહેર કરવાની એક નવી પરંપરા અપનાવી છે જેમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી આવતા સપ્તાહના પ્રથમ દિવસે જાહેર થશે ત્યારે ગુજરાતનો સમાવેશ હશે કે કેમ એ પણ જોવું રહ્યું.

સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કાર્યકરો સાથે વાત કરીને સમગ્ર દેશમાં 15 બેઠકો મતવિસ્તારના સામાન્યમાં સામાન્ય સક્રિય કાર્યકરને આપવાનો નિર્ણય કર્યો છે તેમાં ગુજરાતની ભાવનગર અને વડોદરા બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતમાંથી કોણ કોણ હશે તે અંગે વિવિધ નામો ચર્ચાઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો