ભાજપમાં 'ઘરનાં છોકરા ઘંટી ચાટેને પાડોશીને આંટો' જેવો ઘાટ

બુધવાર, 19 માર્ચ 2014 (12:14 IST)
P.R
ભાજપ દ્વારા પોતાના પક્ષના વર્ષો જુના સંનિષ્ઠ કાર્યકરોની ક્ષમતા પર ભરોસો રાખીને ચૂંટણી જંગ જીતવાને બદલે કોંગ્રેસના પક્ષપલ્ટુ નેતાઓનો સાથ લઈને ચૂંટણી જીતવાનો વ્યુહ ગોઠવાતા અને આ આયાતી ઉમેદવારોને ટિકીટ આપીને પક્ષમાં લેઉઆ-કડવા પટેલ જ્ઞાતિનું પલડુ સમતોલ થઈ ગયાનું ચિત્ર ઉભું કરાઈ રહ્યાનું બહાર આવ્યું છે. આ કારણે સ્થાનિક ભાજપમાં કચવાટ જન્મ્યાની રાજકીય વર્તુળોમાં ચર્ચા વચ્ચે આજે ભાજપના પ્રદેશ મોવડીઓએ રાજકોટ જિલ્લાના લેઉઆ પટેલ સમાજના આગેવાનોને ગાંધીનગર બોલાવ્યા હતા અને લેઉઆ પટેલ સિવાયના ઉમેદવારને સ્વીકારી લેવા સમજાવાયાનું જાણવા મળ્યું છે.

પિતા-પુત્રને ખુદ મુખ્યમંત્રીએ જ ભાજપમાં સમાવાયા પછી ભાજપે આ પક્ષપલ્ટુઓની શરતનો પણ સ્વીકાર કરવો પડયો છે જેમાં એકને ધારાસભાની ટિકીટ આપીને મંત્રી બનાવાયા તો બીજાને હવે પોરબંદર લોકસભાની ટિકીટ આપવામા આવી રહી છે. બન્ને અગાઉ કોંગ્રેસમાં હતા અને હવે ભાજપના સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ આગેવાન તરીકે ટિકીટ અપાઈ જતા આ જ જ્ઞાાતિના રાજકોટ, જેતપુર સહિતના સ્થળોએ રહેલા ડઝનેક આગેવાનોના પત્તા ધારાસભા પછી હવે સંસદની ચૂંટણી માટે પણ કપાઈ રહ્યાના એંધાણ મળ્યા છે. આમ, ભાજપમાં જ ટિકીટના દાવેદાર નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણ થઈ છે અને શિસ્તનો અંચળો ઓઢેલો રાખીને આંતરકલહ જુદી જુદી રીતે ડોકિયા કરવા લાગ્યો છે.

અગાઉ ભાજપે રાજકોટ બેઠક માટે સેન્સ લીધી ત્યારે ચાર લેઉઆ પટેલ અને ચાર કડવા પટેલ દાવેદારોમાં આજે માત્ર કડવા પટેલના ત્રણ દાવેદારોના નામો જ સપાટી પર આવ્યા છે. આ અન્વયે એવું જાણવા મળે છે કે પ્રદેશના નેતાઓએ રાજકોટ શહેર જિલ્લાના નેતાઓને આ મુદ્દે 'સમજાવ્યા' છે અને સમજાવવા માટે કડક વલણ પણ અખત્યાર કર્યાનું ચર્ચાય છે.

બીજી તરફ શહેરના બીનપટેલ આગેવાનોએ જણાવ્યું કે જિલ્લામાં ૧૬ લાખ મતદારોમાં ૬૬ ટકા તો બીનપટેલ છે અને જ્ઞાતિવાદનો મુદ્દો અમુક નેતાઓ કે જે દર વખતે મહાપાલિકા હોય કે ધારાસભા હોય કે સંસદ, દરેક જગ્યાએ પોતાનું મહત્વ વધારવા દાવેદારી કરતા હોય છે પણ સામાન્ય કાર્યકરો માટે આવા મુદ્દા મહત્વના નથી. એકંદરે રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે નામ ગમે તેનું જાહેર થાય પણ વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો