ગુજરાતમાં બે પક્ષો વચ્ચે જ મુકાબલો રહ્યો છેઃ અડધી સદી પહેલાંનું ચૂંટણી ચિત્ર

શુક્રવાર, 14 માર્ચ 2014 (17:10 IST)
P.R
ગુજરાતમાં ચૂંટણીઓ ટાણે હમેશાં સીધો જ અર્થાત્ બે પક્ષો વચ્ચેનો મુકાબલો રહ્યો છે. કોંગ્રેસના વ્યાપક પ્રભાવવાળા ૧૯૬૨-૬૭ અને ૧૯૭૧ના વર્ષોમાં ગુજરાતમાં સ્વતંત્ર પક્ષે કોંગ્રેસને મોટો પડકાર ફેંકેલો. એનું અડધી સદી પહેલાંનું ચૂંટણીચિત્ર માણવા જેવું છે.

અલગ બનેલા રાજ્ય ગુજરાતમાં પહેલી લોકસભાની ચૂંટણી ૧૯૬૨માં થઈ હતી. ત્યારે સ્વતંત્ર પક્ષે ૧૪ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. પક્ષે ૨૫ ટકા મત અને ચાર બેઠક કબજે કરી હતી. કચ્છમાંથી ત્યાંના રાજવી પરિવારના હિંમતસિંહજી ચૂંટાયા હતા. આણંદમાં નરેન્દ્રસિંહ મહિડા અને ખેડામાંથી પ્રવીણસિંહ સોલંકી તથા દાહોદની - એસટી અનામત બેઠકમાંથી હીરાભાઈ બારિયા ચૂંટાયેલા.

પ્રજા સમાજવાદી પક્ષે ભાવનગરની બેઠક કબજે કરેલી તેના ઉમેદવાર જશવંત મહેતા હતા. બીજી તરફ ઈન્દુચાચા અમદાવાદની બેઠક પરથી નૂતન મહાગુજરાત જનતા પરિષદ તરફથી લડેલા અને વિજયી બનેલા.
સ્વતંત્ર પક્ષે સૌથી મોટો પડકાર ૧૯૬૭ની ચૂંટણીમાં કોંગ્રેસને આપેલો. પક્ષે ૨૧ ઉમેદવાર ઊભા રાખીને ચૂંટણી મેદાનને ગરમ રાખેલું. ૪૦ ટકા મતદારોએ પણ કોંગ્રેસના વિકલ્પ તરીકે સ્વતંત્ર પક્ષની તરફેણ કરેલી અને ૧૨ સભ્યો ચૂંટી કાઢ્યા હતા.

સ્વતંત્ર પક્ષે ત્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સૌરાષ્ટ્રની ૬ પૈકી ચાર બેઠકો સ્વતંત્ર પક્ષે મેળવી હતી. જેમાં મેઘરાજજી - સુરેન્દ્રનગર, મીનુ મસાણી - રાજકોટ, એન. દાંડેકર - જામનગર, વીરેન જે. શાહ જૂનાગઢનો સમાવેશ થાય છે. ઉપરાંત ધંધુકામાંથી આર.કે. અમીન પણ ચૂંટાયા હતા.

સૌરાષ્ટ્રની માફક ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મતદારોએ સ્વતંત્રપક્ષની ભારે તરફેણ કરી ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા. જેમાં મહેસાણા - આર.જે. અમીન, પાટણ (અનામત-એસસી) ડી.આર. પરમાર, બનાસકાંઠામાં મનુભાઈ અમરશી, સાબરકાંઠામાં સી.સી. દેસાઈ, ગોધરામાં પીલુ મોદી, ખેડામાં પ્રવીણસિંહ સોલંકી અને વડોદરામાં પ્રભુદાસ પટેલનો સમાવેશ થતો હતો.

૧૯૭૧માં ઈન્દિરા કોંગ્રેસ અથવા શાસક કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસનો ગુજરાતમાં સીધો સંઘર્ષ હતો ત્યારેય સ્વતંત્ર પક્ષે ચાર ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અને તેમાંતી બે વિજયી બન્યા હતા. તેમાં એક હતા ગોધરામાંથી ચૂંટાયેલા પીલુ મોદી અને ધંધુકામાંથી ચૂંટાયેલા એચ.એમ. પટેલ હતા.

૧૯૭૭માં કોંગ્રેસ સામેના જનતા સરકારના પ્રયોગ ટાણે જનસંઘ, સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોકદળ એકબીજામાં ભળી ગયા ત્યારે સ્વતંત્ર પક્ષે પણ એમજ કર્યુ હતું. તે પછીથી તેનું કોઈ રાજકીય અસ્તિત્વ રહ્યું નહોતું. ચક્રવર્તી રાજગોપાલાચારીની આગેવાની હેઠળ બનેલા આ પક્ષને ગુજરાતમાં ક્ષત્રિયોનો સારો સાથ મળ્યો હતો. તે ઉપરાંત ભાઈકાકા જેવા સમર્થ નેતા આ પક્ષ સાથે હતા. તેના કારણે ૧૯૬૭માં વિધાનસભામાં સ્વતંત્ર પક્ષે મોટો હિસ્સો હસ્તગત કરેલો એ નોંધનીય છે.

વેબદુનિયા પર વાંચો