અમુક બેઠકો ઉપર કોંગ્રેસવાળા જ કોંગ્રેસવાળાને હરાવશે

ગુરુવાર, 24 એપ્રિલ 2014 (15:23 IST)
ગુજરાતમાં કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણીમાં ઉપરછલ્લી રીતે દેખાય છે તેટલી સરળ બાજી નથી. પ્રદેશના નેતાઓ જાહેરમાં ભલે કહેતા કે આ વખતે તો ઉમેદવારોની પસંદગી સામે કોઈ ખાસ મોટો વાંધો- વિરોધ થયો નથી એટલે વાતાવરણ યોગ્ય છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે કોંગી ઉમેદવારો સબળ અને સદ્ધર હરીફ સામે મજબૂત ટક્કર આપતા ઝઝૂમી રહ્યા છે ત્યારે ઘણી જગ્યાએ એમની જ પાર્ટીના આગેવાનો એમને નડી રહ્યા છે. ચાર લોકસભા બેઠકો એવી છે કે જ્યાં પાર્ટીના જ આગેવાનો વિલનના રૃપમાં ભૂમિકા ભજવી રહ્યા છે અથવા તો નિષ્ક્રિય થઈ ગયા છે, જેના કારણે કશ્મકશ ધરાવતી આ બેઠકો ઉપર કોંગ્રેસના ચાન્સ ઘટી રહ્યા છે. આ બેઠકો છે ઃ દાહોદ, મહેસાણા, પાટણ અને અમરેલી.

દાહોદમાં સીટિંગ સાંસદ ડો. પ્રભાબહેન તાવિયાડને પૂર્વ કોંગી ધારાસભ્ય દીતા મછાર નડી રહ્યા હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. ઝાલોદમાં બે ટર્મ ધારાસભ્ય રહેલા મછાર ૨૦૧૨ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ફતેપુરા સીટ ઉપરથી ૬૨૬૪ મતોથી હાર્યા હતા. તાજેતરમાં ભાજપે કોંગી આગેવાનોને ખેંચી જવાના પ્રયત્નો કર્યા ત્યારે કહે છે કે, આ ધારાસભ્ય મોદીને મળી પણ આવેલા. કોંગી વર્તુળો કબૂલે છે કે દીતા મછાર પક્ષવિરોધી પ્રવૃત્તિ હાથ ધરીને પોતાને હરાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાની ફરિયાદ ખુદ ડો. તાવિયાડે પક્ષના મોવડીઓને કરી છે.

મહેસાણામાં પહેલેથી જ કોંગી ઉમેદવાર જીવાભાઈ પટેલ વિરૃદ્ધ પક્ષમાંથી ગોઠવાયેલો મોરચો હજી આજે ય યથાવત્ છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પડતી કલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હોવા છતાં મહેસાણામાં જિલ્લા પ્રમુખનો હોદ્દો સંભાળતા બળદેવ ઠાકોર સામે ખુદ જીવાભાઈએ ચૂંટણી પ્રક્રિયા અગાઉ રજૂઆત કરી હતી અને તે સંબંધે મહેસાણામાં નવા જિલ્લા પ્રમુખ નીમવા પૂર્વ પ્રભારી ગુરૃદાસ કામતે કડક સૂચના આપી હતી આમ છતાં મુંબઈમાં ઉમેદવારીને કારણે કામતે પ્રભારીપદ છોડતાં હાઇકમાન્ડની સૂચનાને ધોઈ પી જવામાં આવી છે. પરિણામ સ્વરૃપે જીવાભાઈ જો હારશે તો આંતરિક ટાંટિયાખેંચ જ જવાબદાર હશે તેમ મહેસાણાના કોંગી વર્તુળો જણાવે છે.

પાટણમાં પણ આવી જ હાલત છે મહેસાણાના એક આગેવાન કહે છે કે, સીટીંગ સાંસદ જગદીશ ઠાકોર હજી યે કોંગી ઉમેદવાર ભાવસિંહ રાઠોડને જોઈએ તેવો સાથ આપતા નથી, મીટીંગ હોય ત્યારે એ એમના સાથીઓ સાથે હાજર થાય છે, બાકી પ્રચારમાં નજરે ચઢતા નથી. કહે છે કે, રાધનપુર, વડગામ, સિદ્ધપુરમાં મોટી લીડની આશા ધરાવતા ભાવસિંહને જેટલો ડર ભાજપી ઉમેદવાર એવા પ્રધાન લીલાધર વાઘેલાનો નથી લાગતો એથી વિશેષ ડર જગદીશ ઠાકરનો સતાવે છે.

અમરેલીમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમરને ફરી એકવાર પાર્ટીની ટિકીટ મળી એના કારણે શરુઆતથી જ ધારાસભ્ય પરેશ ધાનાણી નારાજ છે. ઉમેદવાર અગે સત્તાવાર જાહેરા પહેલા ગુરૃદાસ કામતના ફોનના પગલે ઠુમરના કાર્યકરોએ સરઘસ કાઢી ફટાકડા ફોડયા એ સામે વિરોધ પણ ધાનાણીએ વ્યક્ત કરેલો છે. કહે છે કે અમરેલી ભાજપમાં યાદવાસ્થળીનો લાભ કોંગ્રેસને મળી શકે એમ છે, પણ કોંગી ઉમેદવારને ય છૂપી નારજગી ડંખી રહી છે.
જો કોંગી નેતાગીરી આ નારાજ અને વિલનની ભૂમિકા ભજવતા આગેવાનો સામે સખ્ત હાથે કામ લે તો હજી ય આ બેઠકો ઉપર પક્ષ માટે ઉજળી તકની આશા છે, એમ સૂત્રો ઉમેરે છે.

 

વેબદુનિયા પર વાંચો