બિપોરજોય વાવાઝોડાને લઈ પોરબંદર, જખૌ અને દ્વારકામાં 10 નંબરનું સિગ્નલ, જાણો કેમ લગાવાય છે આ સિગ્નલ

સોમવાર, 12 જૂન 2023 (14:26 IST)
રાજ્યના 9 જેટલા પોર્ટ પર ચાર નંબરનું અને 11 પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવાયું 
જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ, શાળા કોલેજો 15મી સુધી બંધ રાખવા આદેશ
 
અમદાવાદઃ હાલ 'બિપરજોય' વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે. વાવાઝોડાની તિવ્રતાને જોતાં દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 
 
સૌથી વધુ ભય સૂચક 11 નંબરનું સિગ્નલ 
જ્યારે કોઈ વાવાઝોડુ દરિયાકાંટે ટકરાવાનું હોય છે ત્યારે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવે છે. હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈને સોરાષ્ટ્ર અને કચ્છના તમામ બંદરો પર 9 અને 10 નંબરનાં સિગ્નલો લગાવી દેવામાં આવ્યાં છે. દરિયા કાંઠે લગાવવામાં આવતાં 10 નંબરના સિગ્નલનો અર્થ શું છે એવો સવાલ થતો હોય છે. ત્યારે દરિયા કાંઠે 10 નંબરનું સિગ્નલ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા હોય છે આથી બંદરને ભારે તોફાની પવનોનો સામનો કરવો પડે છે. ત્યાર બાદ સૌથી વધુ ભય સૂચક 11 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. 
પોરબંદર અને દ્વારકાને એલર્ટ કરી દેવામાં આવ્યું
બીપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના 9 જેટલા પોર્ટ પર ચાર નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે 11 પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાઝોડાને લઈને કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકાને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા જખૌ, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.  
 
કચ્છમાં સ્કૂલો અને કોલેજો બંધ રાખવા આદેશ
કચ્છમાં કોટેશ્વર મંદિર દરિયા નજીક હોવાથી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે. કચ્છના જખૌ બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લાગવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય તમામ શાળાઓ અને કોલેજ બંધ. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.પોરબંદર બાદ હવે કચ્છમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર