સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

બુધવાર, 14 જૂન 2023 (21:49 IST)
Biporjoy
  ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.
 
સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં ૪૬૦૪, કચ્છમાં ૩૪૩૦૦, જામનગરમાં ૧૦૦૦૦, પોરબંદરમાં ૩૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૫૦૩૫, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૦૮૯ એમ કુલ ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪૩૪૫ જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.
 
કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આવતીકાલ તા.૧૫મી જૂનના રોજ સાંજે કચ્છના જખૌ ખાતે ટકરાશે અને સંભવિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
 
દરિયાકાંઠાના જિલ્લાઓના ગામો-નગરોના લોકોને સંભવિત વાવાઝોડાની અસરો સામે સલામતિ-સાવચેતીના પગલાં અને રાજ્ય સરકારે ગોઠવેલી સ્થળાંતર સહિતની વ્યવસ્થાઓમાં સહયોગ આપવા અંગે મુખ્યમંત્રીશ્રીનો ઓડિયો મેસેજ તથા વોટ્સઅપ વિડીયો મેસેજ પણ માહિતી ખાતા દ્વારા મોકલવામાં આવી રહ્યા છે તેની પણ વિગતો આ સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી. 
 
આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર