ભીલોડાના ધારાસભ્યના ઘરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ઘરમાં કામ કરતો નોકર જ બાતમીદાર નીકળ્યો

સોમવાર, 9 ઑક્ટોબર 2023 (13:06 IST)
bhiloda news
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વતન શામળાજી નજીક આવેલા વાંકાટીંબા ગામમાં ઘરે થોડાં દિવસ અગાઉ રાત્રીના સુમારે ત્રાટકી તેમના પત્નીને બંધક બનાવી બે બુકાનીધારી લૂંટારુઓએ ઘરની તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ધારાસભ્યની પત્નીને તુમકો નુકસાન નહીં કિયા ઔર કમા લેના કહીં રફુચક્કર થઇ જતા ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા SP શૈફાલી બારવાલ સહીત જિલ્લા પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ, એફએસલની ટીમ ઉતરી પડી હતી.

શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધાયા બાદ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપી હતી. જેમાં સાબરકાંઠા પોલીસ પણ જોતરાઈ હતી.ધારાસભ્યના ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટાઈ હતી.પોલીસે લૂંટ કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

આ ગુનામાં ધારાસભ્યના ઘરમાં કામ કરતાં નોકરની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે. અરવલ્લી જિલ્લાના એસપી શેફાલી બરવાલે મીડિયાને કહ્યું હતું કે,  ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લૂંટની ઘટનામાં ઘણા દિવસોથી LCB દ્વારા તપાસ ચાલુ હતી. આ દરમિયાન બાતમીને આધારે વીરપુર બોર્ડર પરથી લૂંટનો માલ વેચવા માટે આવી રહેલા બે લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. જેમાં રાજુ વેલજી અને કાંતિલાલની પુછપરછ કરતાં તેમણે ધારાસભ્યના ઘરના નોકર નંદુનું નામ આપ્યું હતું. નંદુએ બંનેને બાતમી આપી હતી કે, શેઠના ઘરમાં બહુ પૈસા છે. તમે જાઓ અને લૂંટમાંથી થોડી રકમ મને પણ આપી દેજો. લૂંટનો બનાવ બન્યો તે દિવસે ધારાસભ્યના પત્ની ઘરમાં એકલા હોવાથી નોકર નંદુએ દરવાજાની કડી ખુલ્લી રાખી હતી. ત્યાર બાદ અડધી રાત્રે લૂંટારાઓ આવ્યા હતાં અને મહિલાને બંધક બનાવીને ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટીને ફરાર થઈ ગયા હતાં. હાલમાં આ લૂંટની ઘટનામાં લાલાભાઈ નામનો આરોપી ફરાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર