સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિત સાથે મિત્રતા કરનારા લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિત સાથે મિત્રતા કરવામાં જૂનાગઢના માણાવદર તાલુકાના એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. એક યુવતી સહિત પાંચ લોકોએ મળી યુવકનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઈલીંગ કરતા યુવકે કંટાળી આત્મહત્યા કરી લીધાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
ઠગ ટોળકી દ્વારા જે રીતે યુવકને ફસાવવામાં આવ્યો તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે હાલ અજાણી પાંચ વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢના માણાવદરના દડવા ગામમાં રહેતા અમિત રાઠોડ નામના યુવકનો એક મહિના પહેલા સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો. ત્યારબાદ યુવક અને યુવતી વચ્ચે વાતો થઈ હતી. યુવતીએ વીડિયો કોલ કરી યુવકને પોતાની વાતોમાં ફસાવ્યો હતો અને પોતાના કપડા કાઢી યુવકના પણ કપડા કઢાવી નાખ્યા હતા અને બંનેનો ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો અને પછી શરૂ થયો હતો બ્લેકમેઈલીંગનો ખેલ.
યુવકનો ન્યૂડ વીડિયો બનાવી લીધા બાદ યુવકના ફોન પર મેસેજ અને ફોન આવવાનું શરૂ થયું હતું અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. વીડિયો વાઈરલ ન કરવા બદલ યુવક પાસે પૈસાની માગણી કરવામાં આવતી હતી. જેથી યુવક કટકે કટકે ગુગલ પે પર રૂપિયા ટ્રાન્સફર કરવા લાગ્યો હતો અને 48,500 રૂપિયા જેવી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પરંતુ, સામેથી પૈસાની માગણી ચાલુ જ રહી હતી.અમિત રાઠોડ પાસેથી વધુ પૈસા પડાવવા માટે સામેના વ્યકિતએ પોતાની ઓળખ દિલ્હી એસપી તરીકે આપી હતી અને યુવકને પૈસા આપવા માટે ધમકાવ્યો હતો. યુવતી દ્વારા અમિત સામે દિલ્હીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને અમિતના વોટ્સએપ પર FIRની બોગસ કોપી પણ મોકલાવી હતી. જેથી અમિત ખૂબજ ગભરાઈ ગયો હતો.