Crime News - સુરેન્દ્રનગરમાં માતાએ 500 રૂપિયા ના આપ્યા તો પુત્રએ આખું ઘર સળગાવ્યું

સોમવાર, 20 મે 2024 (13:54 IST)
crime news
 પાટડી પંથકમાં એક પુત્રએ માત્ર 500 રૂપિયા માટે તમામ હદ વટાવી દીધી છે. પુત્ર સાથેના અવારનવારના ઝઘડાથી ત્રાસી માતા-પિતા પાક્કુ મકાન છોડી કાચા મકાનમાં રહેવા ગયાં હતાં. પુત્રએ ત્યાં આવીને પૈસાની માંગ કરી મકાનને આંગ ચાંપી હતી. આ દરમિયાન ગેસનું સિલેન્ડ ફાટતાં આગની જવાળાઓ ફેલાઈ હતી. જેમાં ઘરમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવીને ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સગો પુત્ર માતા પિતાને જીવતા સળગાવી દેવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ મામલે પિતાએ સગા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 
crime news
તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો
પાટડી તાલુકાના કઠાડા ગામે 25 વર્ષના મયુર ખેમાભાઈ મકવાણાએ પોતાની માતા નંદુબેન પાસે ઘરે આવીને 500 રૂપિયાની માંગણી કરી હતી. માતાએ પૈસા આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા નરાધમ પુત્ર મયુરે ઘરમાં ગેસનો બાટલો પડ્યો હોવા છતાં આખુ ઘર સળગાવી દીધું હતું. જેમાં ગેસનો બાટલો ફાટતા આગની જવાળાઓ ફેલાઈ હતી અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ પાણીનો જોરદાર મારો ચલાવીને અંદાજે ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ઘરમાં રાખેલા ઘરવખરીનો તમામ  સામાન  બળીને ખાખ થઇ ગયો હતો. 
 
પિતાએ સગા નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ કરી
આ નરાધમ પુત્રએ પોતાના સગા માતા-પિતાને કહ્યું હતું કે, એ તો સારુ હતું કે તમે બંને ઘરમાં નહોતા નહીંતર તમને બંનેને પણ જીવતા સળગાવી દેવાના હતા. આજ પછી મારી કોઈ વાત નહીં માનો તો તમને બંનેને આ રીતે જ જીવતા સળગાવી દેવાનું કહીને ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં લાચાર પિતા ખેમાભાઈ મકવાણાએ પોતાના જ નરાધમ પુત્ર મયુર મકવાણા વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા આરોપી પુત્ર મયુર મકવાણાને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર