બન્ને એક બીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા
પ્રવિણભાઇના પ્રેમ લગ્ન 15 વર્ષ પહેલા અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે થયા હતા. પ્રવિણભાઇને 13 વર્ષનો દિકરો છે. પ્રવિણભાઇ પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા તે સમયે દિનેશ આહિર નામના યુવકના સંપર્કમાં તે આવ્યા હતા. દિનેશ આહીર પણ હીરા ઘસવાનું કામ કરતો હતો. તેણે પ્રવિણભાઇને નિકોલ ખાતે આવેલા ખોડીયાર એપાર્ટમેન્ટમાં મકાન વેચાણ આપાવ્યુ હતું. દિનેશ આહિર પણ ખોડીયાર ફ્લેટમાં રહેતો હતો. જેથી પ્રવિણભાઇનો સંપર્ક આરોપીની પત્ની સાથે થયો હતો. જોત જોતામાં દિનેશની પત્ની અને પ્રવિણભાઇ વચ્ચે મિત્રતા થઇ હતી અને બાદમાં બન્ને એક બીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા.
પતિને પત્નીના પ્રેમ સંબંધની જાણ થઈ હતી
બન્નેના પ્રેમસંબંધની જાણ થયાના એક વર્ષ સુધી ખોડીયાર એપાર્ટમેન્ટમાં રહ્યા હતા. બાદમાં તે પરિવાર સાથે સુરત રહેવા જતા રહ્યા હતા. છ વર્ષ પહેલા દિનેશ આહિરે જ્યારે મકાન ખાલી કર્યુ ત્યારે તેણે પ્રવિણભાઇને ધમકી આપી હતી કે, મારી પત્ની સાથેના આડાસંબંધ બંધ કરી દેજો. સુરત ગયા બાદ દિનેશે પ્રવિણભાઇને બે વખત ફોન કર્યો હતો. જોકે બન્ને વચ્ચે અનૈતિક સંબંધને લઇને કોઇ ચર્ચા થઇ નહીં. ગઇકાલે રાતે પ્રવિણભાઇ જમીને પોતાના ઘર પાસે આવેલા વીસત પાન પાર્લર ખાતે મસાલો ખાવા માટે ગયા હતા.
પોલીસે રાતો રાત આરોપીની ધરપકડ કરી લીધી
પ્રવિણભાઇને ફાયરિંગનો અવાજ આવ્યો હતો અને તેમની પીઠ પર ગોળી વાગી હતી. પ્રવિણભાઇએ ફરીને જોયું તો દિનેશ ચાર ફૂટ દૂર ઉભો હતો અને તેણે રિવોલ્વર વડે ફાયરિંગ કર્યું હતું. ઇજાગ્રસ્ત પ્રવિણભાઇ જમીન પર ઢળી પડ્યા હતા. જ્યારે દિનેશ ત્યાંથી નાસી ગયો હતો. રાહુલ પ્રવિણભાઇને બાઇક પર બેસાડીને હોસ્પિટલમાં લાવ્યો હતો. ફાયરિંગની જાણ નિકોલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નિકોલ પોલીસે પ્રવિણભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે રાતો રાત આરોપીની ધરપકડ કરી લીધી છે.