વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને સાસરીયાએ અત્યાચાર કર્યો હતો. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'મારા પતિએ ગુપ્તાંગ પર લાત મારતા મને બ્લીડિંગ થયું હતું અને મને બચાવવા માટે વચ્ચે પડેલી મારી દીકરીને પણ માર માર્યો હતો' પરિણીતાએ પતિ અને સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2010માં રાહુલ ચંપકભાઇ સોલંકી (રહે. આઇપીસીએલ રોડ, સુભાનપુરા, વડોદરા) સાથે થયા હતા. લગ્ન જીવનથી તેમને એક પુત્ર અને પુત્રી છે. ગત માર્ચ મહિના પરિણીતા તેમની 11 વર્ષની દીકરીને લઇને આજવા રોજ ખાતે પિયરમાં ભાઇના દિકરાના બર્થ ડેમાં ગયા હતા. જ્યાં દીકરી રોકાઇ હતી. જેથી પરિણીતા ઘરે જતાં સસરા ચંપકભાઇ સોલંકી ગુસ્સે ભરાયા હતા અને મારી મંજૂરી વિના તારા પિયરમાં છોકરીને કેમ રહેવા દીધી? તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી પરિણિતા પતિ સાથે પિયરમાં ગઇ હતી અને દીકરીને પરત લઇ આવી હતી. જેના બીજા દિવસે પતિએ પરિણીતા સાથે ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગત 4 એપ્રિલના રોજ પરિણીતાના સાસુ-સસરા દિયરના ઘરે ગયા હતા. ત્યારે પતિ રાહુલે પત્નીને ઘરમાં પૂરીને ગળુ દબાવી માર માર્યો હતો તેમજ માથું દિવાલમાં અથડાવ્યું હતું. જેથી તેના માથામાં ઇજાઓ થઇ હતી. છતાં પતિએ માર મારવાનું જારી રાખ્યું હતું અને પત્નીના ગુપ્તાંગના ભાગે લાત મારતા તેને બ્લીડિંગ શરૂ થઇ ગયું હતું. માતાને બચાવવા 11 વર્ષની દિકરી વચ્ચે આવતા પિતાએ તેને પણ માર માર્યો હતો.આ ઘટના બાદ પરિણીતાએ પાડોશીના મોબાઇલથી ઘટના અંગે પિયરમાં પિતાને ફોન કરી જાણ કરી હતી. પરિણીતાને થયેલી ઇજાઓને કારણે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેથી પરિણિતાએ પતિ અને સાસુ તેમજ સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં માર મારવા, દહેજ માંગવા સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.