ભારત અને પાક ટીમ કોલકત્તામાં

બુધવાર, 28 નવેમ્બર 2007 (16:51 IST)
કોલકત્તા (ભાષા) કોલકત્તામાં આવેલા વિશ્વ વિખ્યાત ઇડન ગાર્ડન્સ ખાતે 30મી નવેમ્બરથી રમાનારી બીજી ટેસ્ટ માટે ભારત અને પાકિસ્તાનની ટીમો ગઇકાલ મંગળવારે અહીંના નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાનીમથકે આગમન કર્યું હતું અને ખેલાડીઓને તાત્કાલિક બે લકઝરી દ્વારા દક્ષિણ કોલકાતાની એક ફાઇવસ્ટાર હોટેલમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હેઠળ લઇ જવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ખૂબજ સ્ટ્રોંગ સુરક્ષા વ્યવસ્થાના કારણે મીડિયાકર્મીઓને અને સમર્થકોને ખેલાડીઓની ફકત ઝલક જોવા મળી હતી. ભારત અને પાકિસ્તાનની ટીમો માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પાકિસ્તાની ટીમની સુરક્ષા અંગે મળેલા એક ઇ-મેલને ઘ્યાનમાં રાખીને પિશ્ચમ બંગાળની સરકાર ખેલાડીઓની સુરક્ષા અંગે કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી. બંને ટીમોએ જયારે વિમાનીમથકે આગમન કર્યું ત્યારે તેમની સલામતી માટે કમાન્ડોથી લઇને સ્નિફર ડોગ્સ પણ હાજર રાખવામાં આવ્યા હતા.

ઇડન ગાર્ડન્સ મેદાનને પણ અભેદ કિલ્લા જેવું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે.
સોમવાર રાતથી ઉચ્ચ અધિકારીઓ ગ્રાઉન્ડ તથા હોટેલની આસપાસ સંભવિત હુમલાને ખાળવા માટે સતત ચકાસણી કરી રહ્યા છે. આ ઉપરાંત સ્ટેડિયમના દરેક ભાગને અત્યંત ઝીણવટપૂર્વક ચકાસવામાં આવ્યો છે.

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સચિન તેંડુલકર, યુવરાજસિંઘ, દિનેશ કાર્તિક, મુરલી કાર્તિક અને વીવીએસ લક્ષ્મણ સહિત ફિલ્ડિંગ કોચ રોબિનસિંઘ અહીં આજે બુધવારે આવી પહોચયા હતાં. જયારે ઇજાગ્રસ્ત શ્રીસંત અને આરપી સિંઘ 30મીએ આવશે. જેમાં શ્રીસંત આવવાની શક્યતા ખૂબજ ઓછી છે. પાકિસ્તાનની ટીમ મોહમ્મદ યુસુફ અને કનેરિયા સિવાય અહીં આવી પહોંચી છે.

વેબદુનિયા પર વાંચો