શું એશિયા કપમાંથી ખસી જશે પાકિસ્તાન? PCB મેચ રેફરીને હટાવવા પર અડગ, સૂર્યાએ PAK ના કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા

સોમવાર, 15 સપ્ટેમ્બર 2025 (22:12 IST)
ભારત સામે હાર્યા બાદ, પાકિસ્તાન  UAE માં યોજાઈ રહેલા એશિયા કપમાંથી ખસી શકે છે. રવિવારે દુબઈમાં રમાયેલી મેચ બાદ, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ટોસ દરમિયાન પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો.
 
પાકિસ્તાને આ અંગે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ફરિયાદ કરી હતી. આરોપ લગાવ્યો હતો કે ભારતીય ટીમે ખેલદિલી ન બતાવી.  PCB નો આરોપ છે કે રેફરીએ બંને કેપ્ટનોને હાથ મિલાવવાની મનાઈ ફરમાવી હતી. પાયક્રોફ્ટનું વર્તન પક્ષપાતી રહ્યું છે અને તેને ટુર્નામેન્ટમાંથી દૂર કરવો જોઈએ.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આવું ન થાય તો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ખસી શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) તરફથી આ મુદ્દે કોઈ નિવેદન આવ્યું નથી.
 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ સોમવારે કહ્યું - પીસીબીએ પાયક્રોફ્ટને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. તેમણે ICC કોડ ઓફ કન્ડટઅને ક્રિકેટની સ્પીરીટ પાલન ન કર્યું.
 
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પણ આ વિવાદમાં કૂદી પડ્યા 
ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પણ આ હાથ મિલાવવાના વિવાદમાં કૂદી પડ્યા છે. ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશિદ લતીફે કહ્યું- જો વાત ફક્ત પહેલગામની હોય, તો ભારતે આપણી સાથે યુદ્ધ લડવું જોઈએ. આ બાબતોને ક્રિકેટમાં ન લાવો.
 
સાથે જ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે ભારતીય ટીમે મેચમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું. પરંતુ, તે ફક્ત એક ક્રિકેટ મેચ હતી. તેમાં રાજકારણ ન લાવવું જોઈએ. ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ કહ્યું- ક્રિકેટને ક્રિકેટ જ રહેવા દો, તેમાં રાજકારણ ન કરો.
 
દાવો- મેચ રેફરીએ હેન્ડસેક કરતા રોક્યા  
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો દાવો છે કે ટોસ સમયે મેચ રેફરીએ બંને ટીમોને હાથ ન મિલાવવાની સૂચના આપી હતી. PCB માને છે કે મેચ રેફરીએ ભારતીય ટીમના દબાણમાં આવું કર્યું છે. રેફરીની આ કાર્યવાહી વાંધાજનક છે અને તેને ટુર્નામેન્ટમાંથી દૂર કરવો જોઈએ.

શું કહે છે ICC કે ACC ના નિયમો 
ક્રિકેટના કોઈપણ નિયમ પુસ્તકમાં એવું લખાયેલું નથી કે મેચ પછી હાથ મિલાવવા ફરજિયાત છે. હાથ મિલાવવા એ નિયમ નથી, પરંતુ તેને રમતગમતનો એક ભાગ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક મેચ પછી બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને મળે છે અને હાથ મિલાવતા હોય છે.
 
ફરિયાદમાં વિલંબ બદલ PCB ના ડિરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
PCB એ ફરિયાદમાં વિલંબ બદલ તેના ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓપરેશન્સ ઉસ્માન વહાલાને સસ્પેન્ડ કર્યા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વહાલાએ ટોસ સમયે જ ફરિયાદ નોંધાવવી જોઈતી હતી. તેમણે આ કામમાં વિલંબ કર્યો અને તેથી PCB ના ચેરમેન મોહસીન નકવીએ વહાલાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો.
 
મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ કોણ છે
એન્ડી જોન પાયક્રોફ્ટ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેમણે 3 ટેસ્ટ અને 20 ODI રમી છે. તેમને 2009 માં ICC મેચ રેફરીઓના એલિટ પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર