VIDEO: હારવા છતા પાકિસ્તાનની હેકડી ગઈ નથી ? સ્ટોક્સ સાથે કરી શરમજનક હરકત

સોમવાર, 12 ડિસેમ્બર 2022 (18:52 IST)
PAK vs ENG:ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષના લાંબા ગાળા બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ દુનિયાભરની ટીમોએ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે પાકિસ્તાન તરફથી સતત આશ્વાસન મળ્યા બાદ હવે ટીમોએ ફરી પાકિસ્તાનની મુલાકાત શરૂ કરી છે. આ જ કારણ છે કે ઈંગ્લેન્ડે પણ પહેલા સીમિત ઓવરોની સિરીઝ અને પછી ટેસ્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો નિર્ણય લીધો હતો.

 
ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ સાત મેચની T20 શ્રેણીમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને હવે સતત બે ટેસ્ટ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મુલતાનમાં રમાયેલી શ્રેણીની બીજી મેચના ચોથા દિવસે બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડે ફરી એકવાર પાકિસ્તાનની મુઠ્ઠીમાંથી જીત છીનવી લીધી અને પાકિસ્તાનમાં 22 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી.
 
પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ઐતિહાસિક જીત કદાચ કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ માટે સારી ન રહી હોય, કારણ કે તેમના એક ખેલાડીએ મેચ હારી ગયા બાદ મુલાકાતી કેપ્ટન બેન સ્ટોક્સ સાથે હાથ મિલાવવાનો ઈન્કાર કર્યો હતો.
 
વાત એમ હતી કે ચોથા દિવસે પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડના 355 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 6 વિકેટ ગુમાવીને 290 રન બનાવી લીધા હતા, પરંતુ માર્ક વૂડની ખતરનાક બોલિંગ સામે તેણે 319ના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મોહમ્મદ અલીએ ઓલી રોબિન્સનની બોલ પર ઓલી પોપને સ્લિપમાં કેચ કરાવ્યો. બેટની કિનાર અડી ગઈ હતી છતાં, અલીએ રિવ્યુ લેવાનુ નક્કી કર્યું.
 
થર્ડ અમ્પાયર પોતાનો નિર્ણય સંભળાવે તે પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જીતની ઉજવણી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન, સ્ટોક્સ હાથ મિલાવવા માટે અલી પાસે પહોંચ્યો પરંતુ પાકિસ્તાની બોલરે ના પાડી અને કદાચ તેને અમ્પાયરના નિર્ણયની રાહ જોવાનું કહ્યું. સ્ટોક્સે પણ તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો, થોડેવાર રાહ જોઈ અને પછી આઉટ થવાના નિર્ણય પછી બધા સાથે હાથ મિલાવ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર