વીરેન્દ્ર સહેવાગે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, આઈપીએલ પણ નહી રમે

મંગળવાર, 20 ઑક્ટોબર 2015 (15:39 IST)
પોતાની વિસ્ફોટક બેટિંગથી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ પર રાજ કરનારા ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે આજે છેવટે પોતાના સંન્યાસનુ એલાન કરી જ દીધુ. સહેવાગે ટ્વીટ કરી તેનુ એલાન કર્યુ. સહેવાગે ઝડપી બોલર ઝહીર ખાનના સંન્યાસ લેવાની જાહેરાતના બે દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કહેવાનો નિર્ણય કર્યો. વેટરન્સ 2020 લીગની લોંચ માટે દુબઈ ગયેલા સહેવાગને પૂછવામાં આવ્યુ કે તેઓ સંન્યાસ લઈ ચુકેલ ખેલાડીઓની લીગમાં કેવી રીતે રમી શકે છે. તેમણે કહ્યુ કે જો હુ સંન્યાસ નહી લઉ તો નહી રમુ. હુ ભારત જઈને સંન્યાસની જાહેરાત કરીશ. 
 
આઈપીએલ રમવાની પણ ના પાડી 
 
સહેવાગે એ પણ કહ્યુ કે રિટાયરમેંટ પછી તે આઈપીએલમાં પણ નહી રમે. તો બીજી બાજુ તેમના રિટાયરમેંટના સમાચાર આવતા જ ઈંડિયામાં ટ્વિટર પર #ThankYouSehwag ટોપ ટ્રેંડ થઈ ગયુ. વીરુ માટે આજ ખાસ દિવસ પણ છે. આજે તેમનો 37મો જન્મદિવસ છે. 
 
સહેવાગ છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી ભારતીય ટીમમાંથી બહાર હતા. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ માર્ચ 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈદરાબાદમાં રમી હતી. 
 
સહેવાગે ભારત તરફથી પ્રથમ એકદિવસીય મેચ 1999માં અને પ્રથમ ટેસ્ટ મેચ 2001માં રમી હતી. એપ્રિલ 2009માં સહેવાગને 'વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ ઈયર'નો એવોર્ડ મળ્યો. આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ ઈંડિયન ક્રિકેટર છે. 
 
શુ ફેયરવેલ ટેસ્ટ રમવા માંગતા હતા સહેવાગ ? 
 
એવુ કહેવાય છે કે સહેવાગ એક ફેયરવેલ ટેસ્ટ રમવા માંગતા હતા. આ વિશે બીસીસીઆઈ સાથે વાતચીત પણ થઈ પણ બોર્ડ રાજી ન થયુ.  તેથી આ વાતથી નારાજ સહેવાગે ઉતાવળમાં રિટાયરમેંટનુ એલાન કરી દીધુ. 
 
ટેસ્ટમાં બે વાર લગાવી ટ્રિપલ સેંચુરી 
 
સર ડોનાલ્ડ બ્રેડમૈન અને બ્રાયન લારા પછી સહેવાગ દુનિયાનો ત્રીજો એવો બેટ્સમેન છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં બે વાર ટ્રિપલ સેંચુરી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. આ ત્રણ દિગ્ગજો પછી ક્રિસ ગેલ આ કારનામુ કરનારા ચોથા ક્રિકેટર બન્યા. વનડેમાં ડબલ સેંચુરી લગાવનારા તેઓ દુનિયા અને ભારતના બીજા ક્રિકેટર છે. સહેવાગે ઈન્દોરમાં 8 સપ્ટેમ્બર 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 219 રનની રમત રમી હતી. 
 
રસપ્રદ વાત એ છે કે સહેવાગની આક્રમક રમત શૈલી વનડે ક્રિકેટને અનુકૂળ છે પણ તેમણે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સફળતા મેળવી છે. તેમણે 72 ટેસ્ટમાં 52.50ની સરેરાશથી 17 સદી અને 19 હાફસેંચુરી સહિત 6248 રન બનાવ્યા છે. 
 
- સહેવાગનુ ક્રિકેટ કેરિયર... 
 
- 251 વનડેમાં 8273 રન બનાવ્યા. 15 સેંચુરી અને 38 હાફ સેંચુરી 
- 104 ટેસ્ટમાં 8586 રન બનાવ્યા. 23 સેંચુરી અને 32 હાફ સેંચુરી 
- આ સાથે જ વીરુએ 19 ટી-20 મેચોમાં 394 રન બનાવ્યા. 

વેબદુનિયા પર વાંચો