ICC Test Rankingsમાં મોટો ફેરફાર, વિરાટ કોહલી આ નંબરે પહોંચ્યો, બાબરને છોડ્યો પાછળ

મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (23:26 IST)
ICC Test Rankings: ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી બાદ ભારતીય બેટ્સમેનોને આ રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરની રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ કરતાં પણ આગળ નીકળી ગયો છે.
 
ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને થયો ફાયદો   
ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં કોહલી 6ઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. તે 775 રેટિંગ સાથે 9મા નંબરથી સીધા છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમસન ટોચ પર કાયમ છે. જો રૂટ બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા નંબર પર સ્ટીવ સ્મિથ છે. કોહલી ઉપરાંત રોહિત શર્મા પણ ટોપ-10માં પહોંચી ગયો છે. બીજી તરફ બાબર આઝમને નુકસાન થયું છે. તે 768 રેટિંગ સાથે 8માં નંબર પર આવી ગયો છે.
 
દક્ષિણ આફ્રિકામાં કર્યું સારું પ્રદર્શન 
સાઉથ આફ્રિકા સામે રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બીજા નંબર પર હતો. વિરાટ કોહલીએ 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 43.00ની એવરેજથી 172 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ 1 અડધી સદી પણ ફટકારી હતી. બીજી તરફ બાબર આઝમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો.
 
ટોપ-5માં પહોચ્યા માર્નસ લેબુશેન 
આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને ફાયદો થયો છે. તે ટોપ-5 બેટ્સમેનોમાં આવી ગયો છે. તે 802 રેટિંગ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ ઈંગ્લેન્ડનો હેરી બ્રુક પણ 1 સ્થાનના ફાયદા સાથે 7મા નંબરે પહોંચી ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર