એશિયા કપ બ્રેકિંગ ન્યુઝ - ધોની ઈજાગ્રસ્ત થતા પાર્થિવ પટેલનો ટીમમા સમાવેશ

મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (12:17 IST)
ગુજરાતના વિકેટકિપર અને બેટ્સમેન પાર્થિવ પટેલ ટી-20 એશિયા કપ માટે ભારતની ટીમમાં જોડાશે. બીસીસીઆઈની પ્રેસ રીલીઝમાં જણાવ્યા પ્રમાણે એશિયા કપ માટેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈજાગ્રસ્ત થતા પાર્થિવ પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સોમવારે ઢાકામાં પ્રેકટીસ સેશન દરમિયાન ધોનીની પીઠના મસલ ખેંચાઈ જવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
ટી 20 એશિયા કપની ભારત તેની પહેલી મેચ બુઘવારે બાંગ્લાદેશ સામે રમશે. આ મેચમાં ઈજાગ્રસ્ત ધોનીનું રમવુ અનિશ્ચિત છે. જેના કારણે બેક અપ તરીકે પાર્થિવનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
30 વર્ષના પાર્થિવ પટેલ છેલ્લે 2012માં ભારતની ટીમ વતી ઓસ્ટ્રેલિયામાં વનડે રમ્યો હતો. છેલ્લી ડોમેસ્ટીક સીઝનમાં પાર્થિવનું સારુ પ્રદર્શન જોતા એશિયા કપ માટે ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિજય હઝારે ટ્રોફીની મેચોમાં પાર્થિવે એક સદી અને એક અડધી સદીની મદદથી 259 રન ફટકારતા ગુજરાત આ ટ્રોફી જીતી શક્યુ હતુ. ગત મહિને કાનપુરમાં દેવધર ટ્રોફીમાં ઈંડિયા એ વિરુદ્ધ પાર્થિવે સદી ફટકારી હતી. 

વેબદુનિયા પર વાંચો