ચીનમાંથી જન્મેલો કોરોના વાયરસ હવે વિશ્વના ઘણા દેશોમાં પહોંચ્યો છે. ચીનમાં આ વાયરસે હજારો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે અને 550 કરતા વધારે લોકોના જીવને આ વાયરસ ભરખી ગયો છે. ભારતમાં આ વાયરસ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ખૂબ જ ચોક્સાઈ રાખવામાં આવી રહી છે અને જરુરી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનો ટેસ્ટ શરુ કરી દેવામાં આવ્યો છે. અહીંયા એક સ્પેશિયલ લેબ તૈયાર કરવામાં આવી છે કે જેમાં લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.
આ અંગે એએમસીના હેલ્થ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં બે શંકાસ્પદો દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ 2 ફેબ્રુઆરીથી આવેલી જેતપુરની યુવતિમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તેના બ્લ્ડ સેમ્પલને પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે.
ચીનથી આવેલા બંને વ્યક્તિઓમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે, તો તેમને આઇસોલેશન વોર્ડમાં ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવી છે. રવિવારે બપોરે ત્રણ વાગે બંનેના બ્લડ સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બંનેમાંથી એક વ્યક્તિ અહીં ઘણા લોકોના સંપર્કમાં હોવાની ચર્ચામાં છે. તેનો રિપોર્ટ પોઝિટીવ હોવાની સંભાવના છે. જો આમ થશે તો આ રોગ અન્ય લોકોમાં ફેલાઇ શકે છે.