ગુજરાતમાં અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધારે 20 પ્રકારો સક્રિય

બુધવાર, 17 જૂન 2020 (18:53 IST)
કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા તમામ સંશોધનોમાં વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના માટે સમય અને સ્થળ સહિતની ક્ષેત્રીય પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. ગુજરાતમાં બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ના અભ્યાસમાં કરાયેલા દાવા પ્રમાણે માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાના 20થી વધારે પ્રકારો (વેરિએન્ટ્સ) ઉપસ્થિત છે. રાજ્ય સરકાર દ્વારા ફંડ મેળવતી આ સંસ્થાએ ગુજરાતના 21 જેટલા શહેરો અને ગામમાંથી કોરોનાના 227 જેટલા વાયરસના સેમ્પલ એકત્રિત કર્યા હતા.
રાજ્યના અનેક પ્રમુખ શહેરોના નમૂનાઓના આધારે કરવામાં આવેલા આ સર્વેમાં અમદાવાદમાં સૌથી વધારે કોરોના વેરિએન્ટ્સ ઉપસ્થિત હોવાનું સામે આવ્યું હતું. દેશ, કાળ અને ક્ષેત્રના પરિવર્તન પ્રમાણે વાયરસ પર જે પ્રભાવો પડે છે તેનો અભ્યાસ કરવા માટે ગુજરાતના કોરોના વાયરસના સેમ્પલ્સની તુલના વુહાનના કોરોના વાયરસના સેમ્પલ્સ સાથે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ચીનના વુહાન શહેરથી જ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો હતો.
અગાઉ એવું સામે આવ્યું હતું કે માણસના શરીરમાં પ્રવેશેલો આ વાયરસ દર બે મહીને પોતાનામાં ફેરફાર કરી રહ્યો છે. સ્થાનિક આબોહવા અને તેને ધારણ કરનાર હોસ્ટના આધારે ફેરફાર કરીને મ્યુટન્ટ બની રહેલો આ વાયરસ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે.
જીબીઆરસીના અધિકારીઓએ જણાવ્યું કે, જગ્યા બદલાય ત્યારે વાયરસ તો એ જ રહે છે પરંતુ સમય અને ક્ષેત્રીય પરિસ્થિતિઓમાં ફેરફારના કારણે તેમાં થોડું પરિવર્તન દેખાય છે. વિવિધ સેમ્પલ્સનું વિશ્લેષણ કરવામાં આવતા વડોદરા અને સુરત જેવા શહેરોમાં કોરોનાના બેથી ત્રણ પ્રકારો મળી આવ્યા જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોનાના 20 પ્રકારો જોવા મળ્યા. આ કારણે સંશોધકોએ જણાવ્યું કે, વિશ્લેષણ દ્વારા અમદાવાદ લગભગ તમામ પ્રકારના ફેરફારોનું પ્રતિનિધિત્વ કરે છે તે સ્પષ્ટ થાય છે. કુલ સેમ્પલના 51 ટકા સેમ્પલ અમદાવાદ જિલ્લામાંથી લેવામાં આવ્યા હતા.
સંશોધકોએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોનાના સોર્સ તરીકે દેશ અને દુનિયાના વિવિધ ક્ષેત્રોમાંથી લોકો આવ્યા. આ કારણે વિભિન્ન પ્રદેશના કોરોના વેરિએન્ટ્સ અમદાવાદમાં ઉપસ્થિત છે જેમાં આંતરરાષ્ટ્રીય દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં કોરોનાના 17,299થી પણ વધારે કેસ સામે આવ્યા છે અને 1,000 કરતા પણ વધારે લોકોના મોત થયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ કેસ છે તેના 70 ટકા કેસ માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે અને કોવિડ-19ના કારણે રાજ્યના કુલ મૃતકઆંકના 80 ટકા મોત અમદાવાદમાં થયા છે. આ ગંભીર સ્થિતિ પાછળ કોરોનાના 20 જેટલા જુદા જુદા પ્રકારો જવાબદાર છે.  જીબીઆરસીના ડિરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ ગત મે મહીનામાં જણાવ્યું હતું કે, 'અમદાવાદ જિલ્લામાં મળી આવેલા વાયરસમાં 85 ટકા જેટલું મ્યુટેશન જોવા મળી રહ્યું છે. રસી વિકસાવવા માટે મ્યુટેશન બાદ તૈયાર થયેલા વધુ ખતરનાક વાયરસને ઓળખવો મહત્વનો બની જાય છે.'
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર