વધુ ટેસ્ટથી કુલ વસ્તીના 70 ટકા લોકો પોઝિટીવ આવી શકેઃ રાજ્ય સરકારની હાઇકોર્ટમાં રજૂઆત

મંગળવાર, 26 મે 2020 (16:13 IST)
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે વધુને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના 70 ટકા જેટલા લોકો કરોના પોઝિટિવ નીકળશે. જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે. આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આ પ્રકારની આશંકાના પગલે કોરોનાના ટેસ્ટિંગ રોકવાનું પગલું હિતાવહ નથી.
હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેનીની મંજૂરી આપો. ડિસ્ચાર્જ સમયે દર્દીના ટેસ્ટિંગ કરો. કોરોના પોઝિટિવ દર્દી કે જેને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા તો તેનું મૃત્યુ થયું છે, આ દર્દીઓનાં પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો. આ ઉપરાંત ડૉક્ટરે જે દર્દીને પ્રિસ્ક્રિપ્શન લખી આપી છે, તેનો ટેસ્ટ પણ કરાવો. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જે ખાનગી લેબોરેટરીમાં આંતર માળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે અને જરૂરી તમામ શરતો તે પૂર્ણ કરે છે, તો તેને RT-PCR ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપો.
ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ માટેનો ભાવ Rs. 4500 છે.કોરોનાના દર્દીઓના ટેસ્ટિંગ માટે સમગ્ર રાજ્યમાં કુલ 19 સરકારી અને 12 ખાનગી લેબોરેટરીઓ છે, શું તે પૂરતી છે? ICMRની માર્ગદર્શિકા મુજબ જે લેબોરેટરીમાં સુવિધાઓ છે તેમને મંજૂરી કેમ અપાઈ નથી? નોંધનીય છે કે ICMR નાના ટેસ્ટિંગ માટે જે લેબોરેટરીની મંજૂરી આપી છે, તેને રાજ્ય સરકારનો આદેશ છે કે ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં જ કરાવવો.
સરકારની આ પ્રકારની કામગીરી કોરોનાના કેસના આંકડાને અંકુશ કરવા જેવી છે. આ સાથે હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટેની ICMRની નવી માર્ગદર્શિકા તેની જૂની માર્ગદર્શિકાથી વિપરીત છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલાં તેનો ટેસ્ટ કરાવો. જો કોઈ પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કરો તો તેના ઘર પર આઈસોલેશનના સમયગાળા સુધી બોર્ડ લગાવો. આ દર્દીના કાંડા પર માર્ક પણ કરો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર