..તો મે મહિના અંત સુધી કોરોના મુક્ત બની જશે અમદાવાદ

બુધવાર, 22 એપ્રિલ 2020 (12:09 IST)
અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી વધી રહેલા કોરોનાના કેસો હવે નિયંત્રણમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગત બે દિવસમાં છેલ્લા અઠવાડિયાની સરખામણીમાં ઓછા કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, મે મહિનાના અંત સુધીમાં કોરોના ઉપર કાબુ મેળવી લેવામાં આવશે પરંતુ તેના માટે અમદાવાદીઓનો સાથ અને સહકાર જરૂરી છે. અમારું તંત્ર રાત દિવસ આ રોગને નાથવા અથાગ પ્રયાસ કરી રહ્યું છે.
 
દિવસે દિવસે વધતા જતા કોરોનાના કેર વચ્ચે અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરંતુ જે વિસ્તારમાં કર્ફ્યુ નથી ત્યાં લોકો લોકડાઉનનું પણ પાલન કરી રહ્યા નથી. જેને કારણે આવા વિસ્તારોમાં કેસો નોંધાઈ રહ્યા છે. જેથી લોકો સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરે અને ઘરમાંથી બહાર નહીં નીકળે તો આવનારા દિવસો સુરક્ષિત હશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
 
વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે 3 મે સુધી લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે. તેમજ નીતિન શાહ નામના દર્દીને 10 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસ અને હાયપર ટેન્શન હતા. તેમને વેન્ટીલેટર હટાવ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા અને બેવાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કર્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર