Good Friday History and Significance: ગુડ ફ્રાઈડેનો દિવસ ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુડ ફ્રાઈડે દર વર્ષે ઇસ્ટર સન્ડે પહેલા આવે છે. તો ચાલો જાણીએ કે ગુડ ફ્રાઈડે શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે.
ગુડ ફ્રાઈડે કેમ મનાવવામાં આવે છે ?
આ એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા અને તેમને ઘણી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલે ખ્રિસ્તીઓ માટે આ શોકનો દિવસ છે. ગુડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરીને શોક વ્યક્ત કરે છે. આ દિવસે, ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો ચર્ચમાં જાય છે અને ખાસ પ્રાર્થના કરે છે. સાથે જ ઈશુને પોતાનાં પાપોની ક્ષમા માટે પણ પ્રાર્થના કરે છે.
પ્રભુ ઈસુને શા માટે સ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા ?
ખ્રિસ્તી ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ઈસુ ખ્રિસ્ત અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા માટે લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. સાથે જ તેઓ વિશ્વમાં પ્રેમ, જ્ઞાન અને અહિંસાનો સંદેશ ફેલાવી રહ્યા હતા. તે સમયે, કટ્ટરપંથી યહૂદી ધાર્મિક નેતાઓએ ઈસુનો સખત વિરોધ કર્યો. કટ્ટરપંથીઓએ ઈસુ વિશે તત્કાલીન રોમન ગવર્નર પિલાતને ફરિયાદ કરી. રોમનોને હંમેશા ડર રહેતો હતો કે યહૂદીઓ બળવો કરશે. આવી સ્થિતિમાં, કટ્ટરપંથીઓને ખુશ કરવા માટે, પિલાતે ઈસુને ક્રોસ પર લટકાવીને મારી નાખવાનો આદેશ આપ્યો. ક્રૂસ પર ચઢાવવામાં આવ્યા અને ત્રાસ આપ્યા પછી પણ, ભગવાન ઈસુ ખ્રિસ્તે પોતાના છેલ્લા શબ્દોમાં કહ્યું, 'હે ભગવાન, તેમને માફ કરજો, તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે'. એવું કહેવાય છે કે જે દિવસે ભગવાન ઈસુને લાકડાના બનેલા ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા તે શુક્રવાર હતો