છ હજાર કરોડનું ગાબડું: વેરા ઝીંકાશે કે યોજનાઓ પર કાતર ફરશે?

મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (15:05 IST)
છેલ્લા કેટલાય વર્ષોથી પુરાંતવાળું બજેટ રજૂ કરતા ભાજપ સરકારની આવકમાં વર્ષ 2015-16માં અંદાજીત આવકની સામે છ હજાર કરોડ રૂપિયાથી વધુનું ગાબડું પડયું છે. ડીઝલ-પેટ્રોલ, ગેસ અને અન્ય કોમોડિટીઝના ભાવમાં ઘટાડો થવાના કારણે સરકારની વેટની કુલ અંદાજીત આવક 52,800 કરોડની હતી તેમાં આ ફટકો પડયો છે. જેના કારણે આગામી બજેટમાં બે છેડા કેવી રીતે ભેગા કરવા તે નાણા વિભાગ માટે મુશ્કેલ બની રહેવાનું છે. છ હજાર કરોડનો ઘટાડો સરભર કરવા માટે સરકાર પાસે ચાલાકીપૂર્વક કરબોજ વધારવા કે પછી યોજનાઓ પર કાતર ફેરવવા સિવાય કોઇ વિકલ્પ નથી. કેટલાક અધિકારીઓના મતે આ ગાબડુ માર્ચના અંતે વધીને 10 હજાર કરોડનું થઇ શકે છે. લગભગ એક દાયકા બાદ સર્જાયેલી આ સ્થિતિમાંથી રસ્તો કાઢવા મેરેથોન બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
 
નાણા મંત્રી સૌરભ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ડીઝલ-પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો થતા સરકારને તેની પર જે વેટ મળતો હતો તેમાં પણ ઘટાડો થવા પામ્યો છે જે ચાલુ નાણાકીય વર્ષના અંતે બે હજાર કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. ગેસમાં પણ ભાવ ઘટતા અને દરિયાઇ માર્ગે આવે તેનું સીધું બજારમાં વેચાણ થતાં તેમાં પણ બે હજાર કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. કેમિકલ્સ, પોલીમર સહિતની ભારે વેટ આપતી ચીજ વસ્તુઓની કિંમતમાં પણ નાનો-મોટો ઘટાડો થતા બે હજાર કરોડની આવક ઓછી થવા પામી છે. તેમણે જણાવ્યું હતું કે, દર વખતે વેટનું રિફંડ મોડુ આપવામાં આવે છે તેવી બૂમો પડતી હોય છે તેની સામે ડિસેમ્બરમાં જ 3 હજાર કરોડનું રિફંડ આપી દેવામાં આવ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, આવકમાં ઘટાડો છતાં સરકાર સામાજિક યોજનાઓ ચાલુ રાખવા અને તેમાં પૂરતું ફંડ આપવાની પ્રતિબધ્ધતામાં કોઇ ફેરફાર નહીં કરે. પ્રજા પર ભારણ આવે તેવી રીતે પણ ટેક્સમાં કોઇ વધારો કરવામાં નહીં આવે.
 

વેબદુનિયા પર વાંચો