સેનાનાં આધુનિકીકરણનાં અભિયાનને મજબૂતી આપવા માટે નાણા મંત્રી પી. ચિદમબરમે રક્ષા બજેટમાં દસ ટકાનો વધારો કરવાની ઘોષણા કરીને, આઝાદ ભારતનાં ઈતિહાસમાં પ્રથમવાર બજેટ રૂ.એક લાખ કરોડનાં આંકડાને પાર લઈ ગયા છે.
નાણા મંત્રીએ જણાવ્યું હતું કે 208-09માં રક્ષા બજેટ માટે રૂ.1,05,600 કરોડની જોગવાઈ કરી રહ્યાં છે. જે ગયા વર્ષે96 હજાર કરોડ હતું. તેમ તેમણે 10 ટકાનો વધારો કર્યો છે.
આ બજેટમાં વધારો કરવા પાછળ સેનાની ત્રણેય પાંખોની શસ્ત્રોની ખરીદીનું લીસ્ટ છે. જેમાં સેના માટે રૂ.8000 કરોડનાં ખર્ચે ટેન્ક, રૂ.12 હજાર કરોડનાં ખર્ચે તોપ તેમજ એક અબજ ડોલરનાં ખર્ચે હેલીકોપ્ટર ખરીદવાની માંગ સામેલ છે.
2001-02માં રક્ષા બજેટ માટે રૂ.65 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે આજે એક લાખ કરોડને પાર પહોચી ગયું છે.
જો કે પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન પોતાનાં કુલ જીડીપીનાં પાંચ ટકા રક્ષા બજેટ પાછળ ખર્ચે છે. જ્યારે ભારત ફ્કત 2.5 ટકા ખર્ચે છે.
નાણા મંત્રી સૈનિક સ્કુલોની દશા પર સૈન્ય અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું. તેમજ 22 સૈનિક સ્કુલોની હાલત સુધારવા રૂ.44 કરોડની ફાળવણી કરવાની ઘોષણા કરી હતી .