ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8,9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે. આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ અલગ પ્રવૃતિઓ સાથે યોજાશે.અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં 8મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર, 2023 દરમિયાન અમારી સાથે જોડાઓ. દરેક ઇચ્છુકે ફેસ્ટિવલમાં ફ્રી એન્ટ્રી માટે AMA ડેસ્ક પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8મી ડિસેમ્બરે ઓપનિંગ દિવસથી શરૂ કરીને ઓપનિંગ ફિલ્મ, રેડ કાર્પેટ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે. બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં માસ્ટર ક્લાસ, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, લેખકો અને દુનિયાભરના ફિલ્મના સર્જકો મોટી સંખ્યામાં હાજરી આપશે. ત્રીજો દિવસ કલોઝિંગ ફિલ્મ, એવોર્ડ નાઇટ અને સમાપન સમારોહ સાથે પૂર્ણ થશે. આ ફેસ્ટિવલ એક સ્પર્ધાના ફોર્મેટમાં છે તેથી છેલ્લા દિવસે દુનિયાભરની પ્રતિભાઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે.જ્યુરી સભ્યો આરતી પટેલ, ગિરીશ મકવાણા તથા શિલાદિત્ય બોરા છે અને જાણીતા નિર્દેશક નિર્માતા અભિષેક જૈન આ વર્ષે સલાહકાર તરીકે જોડાયા છે.ફેસ્ટિવલના સ્થાપક ચેતન ચૌહાણ કહે છે કે, AICFF એ આપણી આગામી પેઢી માટે અમે શરૂ કરેલ પહેલમાની એક છે. અમે દૃઢપણે માનીએ છીએ કે દરેક વ્યક્તિની એક વાર્તા હોય છે, ખાસ કરીને અમારી નવી પેઢી પાસે અને એક વાર્તાનાયક તરીકે દરેક બાળકને સાંભળવા જોઈએ અને સમાજ તરીકે આપણે તેમને તેમની પ્રતિભા કેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ.
24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ
AICFFને 2019, 2020, 2021 અને 2022 માં AICFFને વિશ્વભરમાંથી લગભગ 500 થી વધુ ફિલ્મો મળી. આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે.
આ વર્ષની વિવિધ કેટેગરી અને એવોર્ડ્સ
બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એનિમેશન ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ એક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને ગોલ્ડન કાઈટ એવોર્ડ, સિલ્વર કાઈટ એવોર્ડ અને બ્રોન્ઝ કાઈટ એવોર્ડ તરીકે વિશેષ એવોર્ડ્સ છે.