અભિષેક દુધૈયાની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડઑફ ઇન્ડિયા 13 ઓગસ્ટે રિલીઝ થઈ
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (08:14 IST)
અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, ઓમી વિર્ક, શરદ કેલકર, ઇહાના ઢિલ્લોં, પ્રણિતા સુભાષ સહિત અનેક દિગ્ગજ કલાકારો દ્વારા અભિનીત ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા 13 ઓગસ્ટ 2021ના ડિઝની હૉટસ્ટાર પર રિલીઝ થઈ. જેને ટી સિરીઝ અને અજય દેવગણ ફિલ્મ્સે પ્રસ્તુત કરી છે. જેના નિર્માતા છે
ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, ગિન્ની ખાનૂજા, વજીર સિંહ, બન્ની સંઘવી અને અભિષેક દુધૈયા.
આ ફિલ્મના સહ નિર્માતા, લેખક અને દિગ્દર્શક અભિષેક દુધૈયા છે. આ અગાઉ અભિષેક દુધૈયા ગુજરાતના અંજાર, રાપર, જામનગર વગેરે શહેરોમાં અભ્યાસ પૂરો કરી મુંબઈ આવ્યા અને મુકુલ એસ. આનંદની ફિલ્મ ત્રિમૂર્તિ, રમણ કુમારની ફિલ્મ રાજા ભૈયા, વાહ વાહ રામજી, સરહદ પારમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. ઉપરાંત તારા, સંસાર, દીવાર, સુહાગ, એહસાસ, અગ્નિપથ, સિંદૂર તેરે નામ કા, લાઇફ કા રીચાર્જ વગેરેનું દિગ્દર્શન કર્યું હતું.
દિગ્દર્શક તરીકે તેમની પહેલી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા ભારતના 1971ના યુદ્ધની એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણે સ્ક્વૉડ્રન લીડર વિજય કુમાર કર્ણિકનું પાત્ર ભજવ્યું છે, જે એ સમયે ભુજ અરબેઝના ઇન્ચાર્જ હતા અને તેમને હીરો માનવામાં આવે છે. એ અંગે અજય દેવગણે કહ્યું કે, જ્યારે વિંગ કમાન્ડર વિજય કર્ણિકને પૂછવામાં આવ્યું કે તેમણે ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાને તેમની મંજૂરી શું કામ આપી? વિજય કર્ણિકે જણાવ્યું કે દિગ્દર્શક અભિષેક દુધૈયા આ ઘટના પર એક ફિલ્મ બનાવવા માગે છે, તો તેમણે મને કહ્યું કે આ અંગે ઘણું સંશોધન કર્યુ છે અને ટીમે માધાપરની 50-60 મહિલાઓ સાથે વાત પણ કરી છે, એટલું જ નહીં, અભિષેકની નાની પણ રનવે બનાવવાવાળી મહિલાઓમાં સામેલ હતી. ત્યારે મેં આ પ્રોજેક્ટને મંજૂરી આપવાનો નિર્ણય લીધો અને મેં આ ફિલ્મ કરી.