Raj Kundra: હવે અભિનેતા બનવા જઈ રહ્યા છે રાજ કુંદ્રા, પોર્નોગ્રાફી કેસ પર બની રહી છે ફિલ્મ

ગુરુવાર, 20 જુલાઈ 2023 (18:05 IST)
બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોતાની પત્નીને કારણે જ નહી પરંતુ તેમના પર લાગેલા આરોપોને કારણે પણ ચર્ચામાં રહે છે.   રાજ કુન્દ્રાનુ નામ પોર્નોગ્રાફીમાં ફસાય ચુક્યુ છે. જેના હેઠળ તેમના પર અનેક અભિનેત્રીઓએ જુદા જુદા આરોપ લગાવ્યા હતા. આ કેસમાં તેમને બે મહિના સુધી જેલ્માં રહેવુ પડ્યુ હતુ. જોકે પછી તેમને જામીન મળી ગયા હતા.  રાજ કુંદ્રા સાથે જોડાયેલ આ હાઈ પ્રોફાઈલ મામલાએ ખૂબ ચર્ચા મેળવી. જેના કારણે તેમની ખૂબ બદનામી થઈ હતી. પણ હવે જાણવા મળ્યુ છે કે આ સમગ્ર મામલાને રંગીન પડદા પર બતાવાશે. જેમા મુખ્ય ભૂમિકા ખુદ રાજ કુંદ્રા પોતે જ ભજવશે. 
 
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફીના કેસમાં સજા તરીકે 63 દિવસ જેલમાં વિતાવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ રાજ કુન્દ્રાએ લોકોની સામે આવવાનું ટાળ્યું હતું, પરંતુ હવે કેટલાક એવા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2021માં બનેલા આ સમગ્ર એપિસોડ પર ફિલ્મ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.  સૂત્રોનુ માનીએ તો રાજ કુન્દ્રાની આ જેલ મુલાકાત પર ટૂંક સમયમાં એક ફિલ્મ બનાવવામાં આવશે.  કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, નિર્માતા રાજના જીવનના આસપાસની ઘટનાઓ તેમજ રાજના જીવનની આસપાસના વિવાદો પર એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે.
 
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી ફિલ્મ દર્શકો સમક્ષ રાજ કુન્દ્રાના આર્થર રોડ જેલમાં કેદ દરમિયાનના અનુભવો લાવશે. હકીકતમાં, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ પોતે ફિલ્મમાં અભિનય કરશે અને પ્રોડક્શનથી લઈને સ્ક્રિપ્ટિંગમાં યોગદાન આપશે. આ સમાચારમાં બિઝનેસમેન અભિનેતા બનવાની વાત છે, પરંતુ હજુ સુધી એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે ફિલ્મના નિર્દેશનની કમાન કોને આપવામાં આવશે. અહેવાલ મુજબ, ફિલ્મ હાલમાં પોસ્ટ પ્રોડક્શનમાં છે અને ટૂંક સમયમાં ફ્લોર પર આવશે.
 
ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાની જુલાઈ 2021માં અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બરમાં તેને જામીન આપવામાં આવ્યા હતા. તેમની સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો, મહિલાનું અશોભનીય પ્રતિનિધિત્વ (નિવારણ) અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આટલું જ નહીં શર્લિન ચોપરાથી લઈને ફ્લોરા સૈની જેવી ઘણી અભિનેત્રીઓએ પણ રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યા હતા. જુલાઈ 2021માં ધરપકડ થયા બાદ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા હતા. બાદમાં તેને જામીન મળી ગયા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર