ગોવિંદાની થપ્પડ પડી લાખોમાં

બોલિવુડ અભિનેતા તેમજ રાજકારણી ગોવિંદાએ ફિલ્મીસ્તાન સ્ટુડિયો ખાતે ગત બુધવારે "મની હૈ તો હની હૈ" ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર આડી અવડી કોમેન્ટ કરતા એક લુખ્ખાને જાહેરમાં સણસણતો તમાચો ચોડી દીધો હતો. આ સમયે સેટ પર સેલિના જેટલી અને હંસિકા મોટવાની પણ હાજર હતી. આ લુખ્ખો બધાને હેરાન કરતો હતો, તે હિરો જોઇ ના શકતા જાહેરમાં તેને થપ્પડ ચોડી દીધી. જેના પરિણામે નિર્માતાને ફિલ્મનું શૂટિંગ બંધ રાખવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના બન્યા બાદ ગોવિંદા બે દિવસથી ફિલ્મના સેટ પર આવ્યો નથી. જેના પરિણામે ફિલ્મ નિર્માતા કુમાર મંગતને રૂ. 15 લાખનું નુકશાન વેઠવું પડયું છે. આમ, એક થપડ 15 લાખમાં પડી.

આ અંગે ફિલ્મ યુનિટના એક સભ્યે જણાવ્યું હતું કે, "બુધવારે બપોર પછી બનેલી આ ઘટના બાદ અમે ફિલ્મનું શુટિંગ થોડો સમય માટે બંધ રાખ્યું હતું. જો કે ગોવિંદા મોડી રાત્રે ફિલ્મના શુટિંગ પર પાછો ફર્યો હતો, જેના પરિણામે અમે પુરા દિવસમાં માત્ર ચારજ શોટનું શૂટિંગ કરી શક્યા હતા. જ્યારે ગોવિંદા ત્યાર બાદ બીજા દિવસે પણ ફિલ્મના સેટ પર આવ્યો ન હતો. જેના પરિણામે શૂટિંગનું બધુજ આયોજન પડી ભાંગ્યું હતું. આથી નિર્માતાએ 15 લાખ જેટલા રૂપિયાનું નુકશાન થયું છે".

ફિલ્મ નિર્માતાએ ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં ખુબજ ખર્ચાળ સેટ બનાવ્યો છે. બનાવ પહેલા સેટ પર એક ભવ્ય ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પરંતુ ગોવિંદાની ગેરહાજરીના કારણે ફિલ્મ યુનિટના બધા સભ્યોએ એક પણ શોટનું શૂટિંગ કર્યા વીના પેક અપ કરવું પડ્યું હતું. અન્ય માહિતગાર મુજબ "ફિલ્મ માટે બનાવવામાં આવેલો સેટ ખૂજબ કિંમતી છે, તેમજ દરરોજ ફિલ્મના શૂટિંગ માટે અંદાજે આઠથી નવ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ગોવિંદાના શૂટિંગ પર ન આવવાને કારણે ફિલ્મના સેટ પર હાજર રહેલા 100 જેટલા ડાન્સરો, ટેકનિકલ સ્ટાફ અને અન્ય કલાકારોનો પુરો દિવસ વ્યર્થ ગયો હતો''.

ફિલ્મના નિર્દેશક ગણેશ આચાર્ય ગોવિંદાના આવા વર્તનને પરિણામે ખૂજબ નારાજ છે. જ્યારે બીજી તરફ ગોવિંદાએ જણાવ્યું હતું કે, "તેની તબિયત સારી ન હોવાને કારણે તે સેટ પર હાજર રહી શક્યો નથી". સાથે સાથે તેણે એવો પણ દાવો કર્યો હતો કે આ અંગે તેણે ફિલ્મ નિર્દેશકને અગાઉથી જાણ કરી હતી.

વેબદુનિયા પર વાંચો