મોંઘવારી વિરુદ્ધ ભાજપ હવે આક્રમક થઈ ચૂક્યું છે. જે અંતર્ગત હવે એક માર્ચથી દેશભરમાં હસ્તાક્ષર અભિયાન હાથમાં લેવામાં આવશે અને 21 એપ્રિલથી સંસદ ભવન નજીક ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે. ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી તેની જાહેરાત આજે પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રમાં કરી.
એક માર્ચથી હસ્તાક્ષર ચલાવવાના અભિયાનની જાહેરાત કરતા ગડકરીએ કાર્યકર્તાઓને ઓછામાં ઓછા પાંચ કરોડ હસ્તાક્ષર એકત્ર કરવાની અપીલ કરી છે. આ આંદોલનને યશસ્વિ બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને તેમજ ઓફિસોમાં અને જાહેર માર્ગો પર ઉભા રહીને હસ્તાક્ષર એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરવાનો આદેશ તેમણે આપ્યો છે.
આ સાથે જ મોંઘવારીના મુદ્દા પર 21 એપ્રિલના રોજ દેશભરમાંથી કાર્યકર્તા દિલ્હીમાં જમા થઈને સંસદ ભવન પર ઘેરો નાખશે. આ આંદોલનના મહત્વને લોકો સુધી પહોંચાડવા માટે દરેક ઘર સુધી જવાની અપીલ તેમણે કરી છે.
વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ આ આંદોલનમાં મહિલાઓને સહભાગી થવા પર જોર આપ્યું છે.