બિહાર ચૂંટણી - ઔવેસીએ ચૂંટણી માટે એક હિન્દુ સહિત 6 ઉમેદવારોની યાદી જાહેર કરી

બુધવાર, 7 ઑક્ટોબર 2015 (09:15 IST)
ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે છ ઉમેદવારનો યાદી જાહેર કરી હતી. પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ અખતરુલ રહેમાનને પણ ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. મહત્વનુ્ં છે કે, ઓવૈસીની પાર્ટીએ સીમાંચલ ક્ષેત્રમાં મુસ્લિમ બહુમતીવાળા 24 વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી જંગમાં ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવાયો હતો.
 
ઉમેદવારોની યાદી જાહેર કરતા પાર્ટીના નેતા બેલાલ અહેમદે કહ્યું કે, 24 બેઠકોમાંથી છ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જ્યારે બીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.તેમણે કહ્યું કે, અખતરુલ ઇમાનને પાર્ટીએ કોચાધામનના ઉમેદવાર બનાવ્યા છે. કિશનગંજથી તાસીરુદ્દીન, રાનીગંજથી ડૉ.અમિત પાસવાન, બૈસીથી ગુલામ સરવર, અમૌરથી નવાજિસ આલમ અને બલરામપુરથી મોહમ્મદ આદિલ એડવોકેટને ટિકિટ આપવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે, 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી માટે 12 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં મતદાન થનાર છે, જ્યારે મત ગણતરી આઠ નવેમ્બરે થશે. 

વેબદુનિયા પર વાંચો