સફળ પરીક્ષણ બાદ પણ ગર્ભનિરોધક ગોળીઓ પુરુષો માટે કેમ નથી બની?

મંગળવાર, 23 એપ્રિલ 2019 (18:40 IST)
મિશેલ રોબર્ટ્સ
હાલમાં એક મેડિકલ કૉન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળીનું પરીક્ષણ થઈ ગયું છે. રોજની એક લેખે લેવાની આ ગોળીમાં એવા હોર્મોન છે, જે લેવાથી પુરુષોના શુક્રાણુનું ઉત્પાદન અટકાવી શકાય છે. પુરુષો માટે અત્યારે કોન્ડૉમ અને નસબંધી એ જ ઉપાયો છે, તેની સામે આ ત્રીજો ગર્ભનિરોધક વિકલ્પ આવકારદાયક બની શકે છે. જોકે, એન્ડોક્રાઇન સોસાયટીની વાર્ષિક બેઠકમાં આ વિશેની જાહેરાત સાથે એ પણ જણાવાયું હતું કે આવી ગોળીને બજારમાં આવતા હજુ કદાચ દાયકો લાગી શકે છે.
 
જાતીય ઇચ્છા
 
સ્ત્રીઓ માટેની ગર્ભનિરોધક ગોળીઓ યૂકેમાં 50 વર્ષથી પણ પહેલાં બજારમાં આવી હતી. તો પછી પુરુષો માટેની દવામાં આટલી વાર કેમ લાગી રહી છે? અમુક લોકો કહે છે કે સામાજિક અને વ્યાપારિક કારણોસર પુરુષોની દવા તૈયાર કરવામાં કોઈને રસ નથી. જોકે, કેટલાક જનમતમાં એવું જાણવા મળ્યું હતું કે આવી ગોળી મળતી હોય તો ઘણા પુરુષો લેવા તૈયાર થઈ શકે છે.
 
જોકે, પુરુષો ગોળી નિયમિત લેશે એવો વિશ્વાસ સ્ત્રીઓ કેળવી શકે કે કેમ તે જુદો જ વિષય છે. એન્ગ્લિયા રસ્કીન યુનિવર્સિટીએ 2011માં યૂકેમાં કરેલા એક સરવેમાં 134માંથી 70 મહિલાઓએ એવું જણાવ્યું હતું કે સાથી પુરુષ ગોળી લેવાનું ભૂલી ગયા હશે તેવી ચિંતા રહેવાની જ. જૈવિક રીતે એ પણ એક પડકાર છે કે ગર્ભનિરોધક ગોળીના કારણે પુરુષોની જાતીય ઇચ્છાઓ કે ઉત્થાન ઓછું ન થવું જોઈએ.
 
શુક્રાણુનું ઉત્પાદન
 
ફર્ટાઇલ પુરુષના ટેસ્ટિકલ્સમાં હોર્મોનના કારણે સતત શુક્રાણુનું ઉત્પાદન થતું રહે છે. હોર્મોનનું પ્રમાણ ઘટાડ્યા વિના અને કોઈ આડઅસર ન થાય તે રીતે શુક્રાણુનું ઉત્પાદન થોડા સમય માટે કેવી રીતે અટકાવવું તે એક મહત્ત્વની સમસ્યા છે. જોકે, સંશોધકો કહે છે કે આ સમસ્યાનો ઉકેલ હાલમાં જેનું પરીક્ષણ થઈ રહ્યું છે તે ગોળીથી મળી શકે છે.
 
લા બાયોમેડ અને વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકો હાલમાં આવી એક પીલની તપાસ કરી રહ્યા છે. ન્યૂ ઓર્લિન્સ ખાતે યોજાયેલી એન્ડોક્રાઇન 2019 પરિષદમાં જણાવાયું હતું કે 40 પુરુષો પર 'ફેઝ વન' તબક્કાની સેફ્ટી ટેસ્ટ કરવામાં આવી તેમાં હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયાં છે.
 
28 દિવસ માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો, તેમાંથી 10 પુરુષોને નકલી એટલે કે પ્લેસીબો ગોળી આપવામાં આવી હતી.30 પુરુષોને પ્રયોગ માટેની પીલ-11-beta-MNTDC આપવામાં આવી હતી.
 
નકલી ગોળીની જગ્યાએ એન્ડ્રોજન સાથેની ગોળીઓ જે પુરુષોએ લીધી હતી, તેમાં શુક્રાણુ પેદા કરવા માટે જરૂરી હોર્મોનમાં ઘટાડો જોવા મળ્યો હતો. પ્લેસીબો લેનારા પુરુષોની સરખામણીએ આ ઘટાડો નોંધપાત્ર હતો અને ટ્રાયલ પૂરી થયા પછી હોર્મોનનું લેવલ રાબેતામુજબનું પણ થઈ ગયું હતું.
 
 
ઉત્થાનની સમસ્યા
 
આ પ્રયોગમાં આડઅસરો બહુ ઓછી અને હળવી માત્રામાં જ દેખાઈ હતી. ગોળી લેનારામાંથી પાંચ પુરુષોએ સેક્સ માટે ઓછી ઇચ્છા થતી હોવાનું જણાવ્યું હતું. બે પુરુષોએ ઉત્થાનમાં થોડી સમસ્યા હોવાની વાત કરી હતી. જોકે, જાતીય પ્રવૃત્તિઓમાં કોઈ ઘટાડો થયો નહોતો. આડઅસરને કારણે કોઈ પુરુષે ગોળી લેવાનું બંધ કર્યું નહોતું અને બધા પુરુષો સેફ્ટી ટેસ્ટમાં પાસ થયા હતા.
 
પરીક્ષણ કરનારાં પ્રોફેસર ક્રિસ્ટિના વોંગ અને તેમના સંશોધક સાથીઓ સફળ પરીક્ષણથી ખુશ છે, પણ સાથેસાથે પોતાની શોધ માટે હજી સાવચેતી પણ રાખી રહ્યાં છે.
તેઓ કહે છે, "અમારું પરીક્ષણ દર્શાવે છે બે પ્રકારની હોર્મોનલ ઍક્ટિવિટી ધરાવતી આ એક ગોળીના કારણે શુક્રાણુનું ઉત્પાદન ઓછું થઈ શકે છે, જ્યારે સેક્સ માટેની ઇચ્છાઓ જળવાઈ રહે છે."
 
જોકે, ગર્ભનિરોધક તરીકે આ ગોળી ખરેખર કામ કરે છે કે કેમ તેની ચકાસણી માટે લાંબા સમય માટે વધુ પરિક્ષણો કરવાં જરૂરી છે.
 
બૉડી જૅલ
 
હોર્મોન આધારિત પુરુષોની અન્ય સૂચિત ગર્ભનિરોધકોની પણ પ્રોફેસર વોંગ ચકાસણી કરી રહ્યાં છે. સાથી સંશોધકો સાથે મળીને તેમણે યૂકેમાં પુરુષો માટેની જૅલ પણ તૈયાર કરી છે અને તેના પર પણ પરીક્ષણ કરવાનાં છે. આ જૅલ પુરુષે પોતાના ખભા તથા પીઠમાં રોજ લગાવવાની હોય છે, જે ત્વચા મારફત શરીરની અંદર ઊતરી જાય છે.
જૅલમાં રહેલું પ્રોજેસ્ટિન હોર્મોન ટેસ્ટિકલ્સમાં કુદરતી ટેસ્ટોટેરોનનું ઉત્પાદન થતું અટકાવે છે. તેના કારણે શુક્રાણુનું ઉત્પાદન બહુ ઓછું થઈ જાય છે અથવા અટકી પડે છે.
 
જોકે, જૅલમાં કુદરતી ટેસ્ટોટેરોનને રિપ્લેસ કરવા માટેનું હોર્મોન હોય છે, તેથી પુરુષની જાતીય ઇચ્છાઓ અને અન્ય ક્રિયાઓ પર કોઈ અસર થતી નથી. પ્રોફેસર વોંગ, ડૉ. સ્ટેફાઇન પેજ અને વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનના અન્ય સાથીઓ અન્ય એક પદાર્થ-DMAUની પણ ચકાસણી કરી રહ્યાં છે. આ પદાર્થ પણ ગર્ભનિરોધક ગોળી તરીકે પુરુષો રોજ લઈ શકે છે.
 
100 પુરુષો પર આ પદાર્થનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે સલામત જણાયો છે. તેથી હવે બીજા તબક્કાનું પરીક્ષણ તેના પર થઈ શકે તેમ છે. સેક્સથી થનારી ચાર નવી ખતરનાક બીમારીઓ
 
મૂડ પર અસરો
 
અન્ય વિજ્ઞાનીઓ એવા ઉપાયો પણ શોધી રહ્યા છે કે મહિને એક વાર હોર્મોનને નિયંત્રણ માટેની દવા લેવામાં આવે અને તે લાંબો સમય કામ કરતી રહે.  ઇન્જેક્શનથી આપતી આ માસિક દવાનો બીજા તબક્કાનો અભ્યાસ ચાલી રહ્યો હતો તે હાલમાં અટકાવાયો છે. અગાઉનાં પરીક્ષણોમાં કેટલાક સ્વયંસેવકોએ મૂડમાં ફેરફાર તથા ડિપ્રેશન સહિતની આડઅસરોની ફરિયાદ કરી તે પછી હાલ સુરક્ષાના કારણોસર પરીક્ષણ અટક્યું છે.
 
હોર્મોન ન લેવા માગતા પુરુષો માટે સંશોધકો અન્ય ઉપાયો શોધીને શુક્રાણુને બહાર નીકળતા અટકાવવા માટેના પ્રયોગો કરી રહ્યા છે. તેમાં એક ઉપાય એવો વિચારાયો છે કે શુક્રાણુ ગુપ્તાંગ સુધી પહોંચે જ નહીં. ડાબી અને જમણી બંને ટેસ્ટિકલ્સમાંથી ગુપ્તાંગ સુધી શુક્રાણુનું વહન કરતા માર્ગને અવરોધવાનો આ ઉપાય છે.
 
નોન-સર્જિકલ રીતે, પોલિમર ઇન્જેક્ટ કરીને આ માર્ગને બ્લૉક કરી દેવામાં આવે, જે એક પ્રકારની કામચલાઉ નસબંધી તરીકે કામ કરે. બાદમાં તેને દૂર પણ કરી શકાય છે.
આ પ્રકારે શુક્રાણુને અટકાવી રાખવા માટેના આ પ્રયોગો હજી માત્ર પશુઓમાં જ થયા છે. હાલમાં જ આ સંશોધન કરનારાને પુરુષોમાં પણ તેની ટ્રાયલ કરવા માટેનું ફંડિંગ મળ્યું છે.
 
વેચાણની તક
 
યૂકેમાં એડિનબરા યુનિવર્સિટીના પ્રોફેસર રિચાર્ડ ઍન્ડરસનની આગેવાનીમાં પુરુષો માટેની અન્ય એક ગર્ભનિરોધક બૉડીજૅલનું પરીક્ષણ થવાનું છે. તેઓ કહે છે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પુરુષો માટેનાં ગર્ભનિરોધક સાધનોનાં સંશોધનમાં બહુ રસ લેતી નથી. સ્ત્રીઓ અને પુરુષો બંનેને ગર્ભનિરોધના વધુ વિકલ્પ ઉપલબ્ધ હોય તેમાં રસ પડશે તેવા પુરાવા હોવા છતાં દવા ઉદ્યોગને રસ પડી રહ્યો નથી.
 
તેઓ કહે છે, "મને લાગે છે કે સંભવિત વેચાણ કેટલું થઈ શકે તે બાબતમાં ઉદ્યોગને ખાતરી થઈ લાગતી નથી. આ બાબતમાં ખાસ રોકાણ પણ થઈ રહ્યું નથી."
 
ઉતાર-ચઢાવનો ઇતિહાસ
 
 
તેઓ ઉમેરે છે કે દવા ઉદ્યોગને બહુ રસ ન હોવાથી આ પ્રકારના સંશોધન માટે સ્વયંસેવી અને શૈક્ષણિક સંસ્થાઓ પર જ આધાર રાખવો પડે છે. તેમાં ઘણો સમય લાગી જતો હોય છે. શેફિલ્ડ યુનિવર્સિટીના એન્ડ્રોલૉજીના પ્રોફેસર એલેને પેસી કહે છે : "પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળી કે ઇન્જેક્શન વિશે સંશોધનના ઇતિહાસમાં ચઢાવ-ઉતાર આવતા રહ્યા છે. તેમાં અત્યાર સુધીમાં ખાસ સફળતા મળી નથી અને તેથી નવી રીતો માટે પરીક્ષણો થઈ રહ્યાં છે તે આનંદની બાબત છે.
 
"અહીં મહત્ત્વનો મુદ્દો એ જ રહેવાનો કે પરીક્ષણની સફળતા પછી પણ દવા ઉદ્યોગની કંપનીઓને આવી પ્રૉડક્ટ બજારમાં મૂકવામાં રસ પડશે કે કેમ."
 
"કમનસીબે અત્યાર સુધી પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળીઓ બજારમાં મૂકવામાં દવા કંપનીઓને બહુ રસ પડ્યો નથી. તેના માટેનાં જે કારણો છે તે મને પૂરાં સમજાતાં નથી, પણ મને લાગે છે અહીં મુદ્દો વિજ્ઞાનનો નથી, પણ વેપારનો છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર