ગુજરાત: વાવાઝોડાં સામે પણ ટકી રહે એવાં કેળાંની આ નવી જાત કઈ છે?

રુચિતા

ગુરુવાર, 7 માર્ચ 2024 (17:26 IST)
ગુજરાતના ખેડૂતો મબલક પાક લઈ શકે એવી કેળાની એક નવી જાત ગુજરાત રાજ્યના જબુગામ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે.
 
ગુજરાત કેળ-1 "આણંદ વામન" એ ગુજરાતની પ્રથમ સંશોધિત જાત છે, જેને કૃષિ યુનિવર્સિટીની રિસર્ચ કાઉન્સિલ અને રાજ્યની બીજ સબ કમિટી દ્વારા પાસ કરવામાં આવેલ છે.
 
આણંદ વામન પ્રતિ હેક્ટર વિસ્તારમાંથી 70.16 ટન કેળાંનું ઉત્પાદન આપે છે, જે અંકુશ જાત નેન્દ્રન કરતાં 93.4 ટકા વધારે છે.
 
આણંદ કૃષિ યુનિવર્સિટીના જબુગામ કેન્દ્ર ખાતે કેળની વિવિધ 70 જેટલી જાતોનું જતન કરવામાં આવે છે.
variety of banana- ગુજરાત રાજ્યમાં હાલમાં ગ્રાન્ડ નૈન જાત વધુ પ્રચલિત છે, જોડે જોડે રોબસ્તા, વિલિયમ તથા મહાલક્ષ્મી જેવી જાતોનું પણ વાવેતર જોવા મળે છે.
 
આ નવી જાતની ખાસિયત શું છે?
જબુગામ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા "આણંદ વામન" પર સંધોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનના મુખ્ય સંશોધનક છે, ડૉ. એચ. સી. પરમાર જે સહ સંશોધન વૈજ્ઞાનિક અને ડૉ. વિનોદ બી. મોર મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક.
 
કેળાની આ જાત વિશે જાણવા બીબીસીએ આ જાતના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. વિનોદ મોર સાથે વાત કરી. તેઓ કહે છે કે, "આમ તો કેળાં બારેમાસનો પાક છે, પરંતુ કેળાં વાવવાનો શ્રેષ્ઠ સમય જૂન, જુલાઈ, ઑગસ્ટ છે. જ્યારે સતત વરસાદ પડ્યા કરે અને ભેજવાળું હવામાન હોય છે ત્યારે કેળાનો પાક સારો થાય છે."
 
તે વધુમાં જણાવે છે કે, ગુજરાતમાં ગ્રાન્ડ નૈન જાત વધારે વવાય છે. પરંતુ તેની ઊંચાઈ વધારે છે. એટલે જયારે વધારે પડતો પવન અથવા વાવાઝુડું આવે ત્યારે તે ભાંગી પડે છે. પરંતુ આણંદ વામનની ઊંચાઈ પાંચથી સાડા પાંચ ફૂટની રહે છે, આ ગ્રાન્ડ નૈન કરતાં 1.5-2 ફુટ નીચો પાક છે. ઓછી ઊંચાઈના કારણે તે વધારે પવનમાં પણ ટકી રહે છે.
 
"એક છોડના ટેકા પાછળ ખેડૂત 20-30 રૂપિયા ખર્ચે, એટલે તે ખર્ચ બચી જાય છે, જે બહુ મોટો ખર્ચ છે. અને ખેડૂતોની ટેકા પાછળની મજૂરીનો ખર્ચ, મેહનત, અને સમય પણ બચી જશે."
 
તે વધુમાં જણાવે છે કે, બીજું, આણંદ વામન ગ્રાન્ડ નૈન કરતા 1.5-2 મહિના વહેલો પાકે છે. ગ્રાન્ડ નૈન કેળાને પાકતા 380 દિવસ જેટલો સમય લાગતો હોય છે, પરંતુ આણંદ વામનને પાકવામાં 325 દિવસ લાગશે.
 
જયારે એક જ વર્ષમાં આખો પાક પૂરો થાય ત્યારે ખેડૂતને બીજા વર્ષે કયો પાક લેવો તે અસમંજસ ના રહે અને નવેસરથી ચોમાસામાં ખેતી શરૂ કરી શકે. જયારે ગ્રાન્ડ નૈન 13 મહિને લે છે ત્યારે બીજા વર્ષે નવો પાક લેવાનો નિર્ણય કરવો મુશ્કેલ રહે છે.
 
તે કહે છે કે, “ગ્રાન્ડ નૈન અને આણંદ વામનનું ઉત્પાદન તો સરખું જ છે. પરંતુ, આ પાક 50-55 દિવસ વહેલો પાકે છે, એટલે વર્ષે દિવસ દીઠ ઉત્પાદકતા પણ વધી જાય.”
 
આમ આ જાત એટલા માટે મહત્ત્વની છે કેમકે, તે હાલમાં વાવવામાં આવતી જાતો કરતાં 1.5-2 ફુટ નીચી છે જેને કારણે તે વાવાઝોડાં સામે બચી શકશે અને તેની લણણી 1.5-2 મહિના વહેલી કરી શકાશે.
 
 
આણંદ વામન બીજી જાતથી કેવી રીતે વધારે સારી છે?
 
આણંદ કૃષિ યુનિવર્સિટીના આ કેળાની જાત પર બાર પાડેલા સંશોધનપત્ર મુજબ, આણંદ વામન જાતની વિશેષતા એ છે કે, આ જાત એક દિવસમાં 215.9 કિ.ગ્રા. ફળ પ્રતિ હેક્ટર વિસ્તારમાંથી આપે છે, જે પ્રચલિત જાત ગ્રાન્ડ નૈન કરતાં 8.9 ટકા વધારે છે.
 
આ ગ્રાન્ડ નૈન આણંદ વામન કરતાં ઊંચી છે, જેથી તે પવનમાં ભાંગી પડે છે અને તેના ટેકા માટે ખર્ચો પણ વધારે થાય છે. આ ઉપરાંત તે તૈયાર થવામાં 380 દિવસ લે છે, તેથી તેમાં સમય પણ વધારે જાય છે.
 
આણંદ વામન જાત ગ્રાન્ડ નૈન કરતાં 55 દિવસ વહેલી એટલે કે, માત્ર 325 દિવસમાં તૈયાર થઈ જાય છે, તે નીચી છે એટલે પવન અને વાવાઝોડાં સામે પણ ટકી રહે છે અને તેને ટેકો પણ નથી આપવો પાડો એટલે એ ખર્ચ બચી જાય છે.
 
ગુજરાતમાં જ્યાં જ્યાં કેળાંનું વાવેતર થાય છે ત્યાં હાલમાં 90 ટકા વિસ્તારમાં ગ્રાન્ડ નૈન જાત ઉપયોગમાં લેવાય છે.
 
 
કેળાંની આ નવી જાતનાં ફળ કેવાં દેખાશે?
આ જાતનાં બિયારણ 2023માં મંજૂર થયાં હતાં. તેથી તેનો પહેલો પાક હજી પાક્યો નથી પરંતુ આણંદ કૃષિ યુનિવર્સિટીના દસ્તાવેજ મુજબ, આ જાતની લૂમ શંકુ આકારમાં અને ભરાવદાર હોય છે.
 
પાકતાં પહેલાં કેળાંની આ જાતનાં ફળની છાલનો રંગ લીલો અને પાક્યા બાદ ફળની છાલ આછી પીળી તથા માવો સફેદ રંગનો હોય છે.
 
આ જાતમાં ફળનું વજન 176 ગ્રામ, ફળદીઠ માવાનું વજન 128 ગ્રામ, છાલનું વજન પ્રતિ ફળ 48 ગ્રામ અને માવા: છાલનો રેશીયો (2.68) હોય છે.
 
આ જાતમાં એન્ટી-ઓક્સિડન્ટની માત્રા 5.26 મિ.ગ્રા./100 ગ્રામ અને ફ્લેવેનોઈડ 9.68 મિ.ગ્રા./100 ગ્રામ જોવા મળે છે, જે અંકુશ જાતો નેન્દ્રન અને ગ્રાન્ડ નૈન કરતાં વધારે છે.
 
આ જાતમાં કૅલ્શિયમ,પોટેશિયમ , લોહતત્વ, મૅંગેનીઝ, ઝિંક અને કૉપરનું પ્રમાણ ગ્રાન્ડ નૈન કરતાં વધારે હોય છે.
 
 
કેળાંના પાકને કેવું હવામાન જોઈએ?
કેળાંનો ઉપયોગ મોટેભાગે ફળાહારમાં થાય છે, પરંતુ કેળની વિવિધ જાતોને વેફર બનાવવા, શાકભાજી તરીકે, બેબી ફૂડ બનાવવા, કેન્ડી બનાવવા વગેરે ઉપયોગ થતો હોય છે.
 
કેળાના પાક માટે, 6.5 અને 7.5 ની વચ્ચેનું pH સ્તર આદર્શ છે. તેને માટે માટી ઊંડી, ગોરાડુ જમીન યોગ્ય છે. કેળાની જમીનમાં પૂરતો વરસાદ, ફળદ્રુપતા અને પાણીનો નિકાલ હોવો જરૂરી છે.
 
કેળાં ઉગાડવા માટે ચૂર્ણ, સૂકી અને ખારાશવાળી જમીન સારી નથી. તેના માટે એવી જમીન જોઈએ જે વધારે એસિડિક પણ ન હોવી જોઈએ અને વધારે ક્ષારયુક્ત પણ ના હોવી જોઈએ.
 
ગુજરાતમાં કેળાનું ઉત્પાદન
 
કેળાં એ ભારતમાં ઉગાડવામાં આવતા સૌથી મહત્ત્વપૂર્ણ ફળના પાકોમાંથી એક છે. વિસ્તારની દૃષ્ટિએ ઉત્પાદનમાં કેળાં દેશમાં કેરી પછી બીજા ક્રમે છે.
 
કેળાં ગુજરાતમાં લેવાતાં ફળોના પાકમાં મુખ્ય છે જે ફળોની ખેતી હેઠળના કુલ વિસ્તારનો 17% હિસ્સો ધરાવે છે અને રાજ્યનાં કુલ ફળ ઉત્પાદનમાં લગભગ 53% હિસ્સો ધરાવે છે.
 
કેળાંનો પાક ગુજરાતમાં સુરત, વડોદરા, આણંદ, ખેડા, જૂનાગઢ, નર્મદા અને ભરૂચમાં થાય છે.
 
ગુજરાત રાજ્યમાં હાલમાં ગ્રાન્ડ નૈન જાત વધુ પ્રચલિત છે, જોડે જોડે રોબસ્તા, વિલિયમ તથા મહાલક્ષ્મી જેવી જાતોનું પણ વાવેતર જોવા મળે છે.
 
રાષ્ટ્રીય સ્તરે, લગભગ 1.42 કરોડ ટનના વાર્ષિક ઉત્પાદન સાથે ભારત કેળાનાં ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે છે. અન્ય અગ્રણી ઉત્પાદકો બ્રાઝિલ, યુકેડોર, ચીન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, કોસ્ટારિકા, મેક્સિકો, થાઇલૅન્ડ અને કોલંબિયા છે.
 
ભારતના કુલ વિસ્તારના 13% અને ફળોનાં ઉત્પાદનમાં 33% હિસ્સો કેળાં ધરાવે છે. તેનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં છે, ત્યારબાદ તમિલનાડુ છે. અન્ય કેળા ઉત્પાદક રાજ્યોમાં કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ અને આસામ છે.
 
કેળાંનો ઇતિહાસ
કેળાંનો વિકાસ દક્ષિણ પૂર્વ એશિયાના ભેજવાળા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયો છે અને ભારત તેનાં મૂળ કેન્દ્રોમાંનું એક છે.
 
સાતમી સદી દરમિયાન તેની ખેતી ઇજિપ્ત અને આફ્રિકામાં ફેલાઈ હતી.
 
હાલમાં કેળાંની ખેતી વિષુવવૃત્તના/ ઇક્વેટરના 300 N અને 300 S વચ્ચે વિશ્વના ગરમ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં કરવામાં આવે છે.
 
ગ્રાન્ડ નૈનન જાતને ઇઝરાયલથી આયાત કરવામાં આવી હતી. તેની ખાસિયત એ છે કે ઉચ્ચ ગુણવત્તાની લૂમનું ઉત્પાદન કરે છે. તે એકસમાન, આકર્ષક સોનેરી રંગની લૂમ વિકસાવે છે અને અન્ય જાતો કરતાં વધુ લાંબી શેલ્ફ લાઇફ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.
 
નવી જાતોને માન્યતા કેવી રીતે મળે છે?
આ વિશે સમજાવતા ડૉક્ટર મોર કહે છે કે, "2011માં કેળાંની આ જાત પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ છેલ્લા ચાર વર્ષથી તેનું ટ્રાયલ ચાલતું હતું.
 
પછી ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટી ભેગી થઈ તે સંશોધનને માન્યતા આપે. ત્યારબાદ ગુજરાત રાજ્યની સબ-સીડ સમિતિમાંથી પાસ થાય. જો રાજ્યની આ સમિતિમાંથી પાસ થઈ જાય એટલે એને ગુજરાતના બજારમાં બિયારણ વેચવાની પરવાનગી મળી જાય.
 
ત્યારબાદ તે કેન્દ્ર સરકારની સમિતિમાં માન્યતા માટે મોકલવામાં આવે. જો તે પણ માન્યતા આપી દે તો તે જાતનું બિયારણ રાષ્ટ્રીય સ્તરે વેચી શકાય.
 
હાલમાં, આણંદ વામનને ગુજરાતના રાજ્યસ્તરે માન્યતા મળી ગઈ છે તેથી તેના બિયારણ બજારમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
 
"હાલમાં અમે ટીશ્યૂ કલ્ચર દ્વારા ઉગાડવામાં આવેલ છોડ કુંડામાં ખેડૂતોને આપી રહ્યા છીએ."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર