દિલ્હીના પોલીસ કર્મચારીઓને કિરણ બેદી કેમ યાદ આવ્યાં?

બુધવાર, 6 નવેમ્બર 2019 (11:23 IST)
દિલ્હીની તીસ હજારી કોર્ટની બહાર વકીલો અને પોલીસકર્મીઓના સંઘર્ષ બાદ તણાવ પેદા થયો છે.
આ મામલાથી નારાજ પોલીસકર્મીઓએ મંગળવારે દિલ્હીમાં આઈટીઓ સ્થિતિ પોલીસ હેડ ક્વાર્ટરની બહાર પ્રદર્શન કર્યાં હતાં.
વરિષ્ઠ અધિકારીઓએ પોલીસકર્મીઓને સમજાવવાની કોશિશ પણ કરી પરંતુ તેઓ 'વી વૉન્ટ જસ્ટિસ'ના નારા લગાવતા રહ્યા.
હાથ પર કાળી પટ્ટી બાંધીને આવેલા પોલીસકર્મીઓ પોતાના વરિષ્ઠ અધિકારીઓથી નારાજ દેખાતા હતા.
જ્યારે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક ત્યાં આવ્યા તો 'દિલ્હી પોલીસ કમિશનર કેવા હોય, કિરણ બેદી જેવા હોય'ના નારા સંભળાયા હતા.
હાલમાં પુડ્ડુચેરીનાં લેફ્ટન્ટ ગવર્નર કિરણ બેદી 1972માં દેશનાં પ્રથમ પોલીસ અધિકારી બન્યાં હતાં અને તેમનું પ્રથમ પોસ્ટિંગ દિલ્હીમાં થયું હતું.
દિલ્હી પોલીસમાં ટ્રાફિકથી લઈને જેલ સુધીની અનેક જવાબદારીઓ સંભાળ્યા બાદ કિરણ બેદીએ 2007માં ડાયરેક્ટર જનરલ (બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ)ના પદ પરથી રાજીનામું આપી પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી.
કિરણ બેદી ક્યારેય દિલ્હીનાં કમિશનર રહ્યાં નથી, તો પછી એ સવાલ થાય છે કે કેમ કેટલાક પોલીસકર્મીઓ દિલ્હી પોલીસ કમિશનર કિરણ બેદી જેવા હોય એવા નારા લગાવતા હતા?
 
32 વર્ષ પહેલાંની એ ઘટના
પોલીસકર્મીઓના આ નારાનો સંબંધ 32 વર્ષ પહેલાં બનેલી એક ઘટના સાથે છે. જ્યારે કિરણ બેદી નોર્થ ડિસ્ટ્રિક્ટનાં ડીસીપી હતાં.
એ સમયે પણ પોલીસ અને વકીલો વચ્ચે મોટા પ્રમાણમાં સંઘર્ષ થયો હતો.
એ જ કારણ છે કે 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કિરણ બેદીને મુખ્ય મંત્રીનાં ઉમેદવાર બનાવ્યાં હતાં. ત્યારે પણ વકીલોએ 1988ના ઘટનાક્રમનો હવાલો આપતા મોટા પ્રમાણમાં કિરણ બેદી સામે પ્રદર્શનો કર્યાં હતાં.
1998માં જ્યારે કિરણ બેદી ઉત્તર દિલ્હીનાં ડેપ્યુટી કમિશનર હતાં ત્યારે પોલીસે તેમની ઓફિસની બહાર એકઠા થયેલા દિલ્હી બાર ઍસોસિયેશનના સભ્યો પર લાઠીચાર્જ કરી દીધો હતો.
આ વકીલો પોતાના એક સાથીને ચોરીના આરોપસર પોલીસ દ્વારા હાથકડી પહેરાવવાનો વિરોધ કરી રહ્યા હતા.
લાઠીચાર્જમાં કેટલાક વકીલો ઘાયલ થયા હતા. જોકે, આ પ્રથમ આટલી મોટી ઘટના હતી અને કેટલાક સપ્તાહો બાદ તેમાં નવો વળાંક આવ્યો.
 
1988માં શું થયું હતું?
1988માં શું થયું હતું આ અંગે જાણકારી માટે બીબીસી સંવાદદાતા આદર્શ રાઠોરે વરિષ્ઠ પત્રકાર અજય સૂરી સાથે વાત કરી. જેમણે 'ધ સ્ટેટ્સમૅન' અખબાર માટે સમગ્ર ઘટનાક્રમને કવર કર્યો હતો.
આગળ વાંચો અજય સૂરી તરફથી વર્ણવામાં આવેલો ઘટનાક્રમ તેમના જ શબ્દોમાં
1988ની આ ઘટના બે ભાગમાં છે. પ્રથમ કિરણ બેદી ડીસીપી ટ્રાફિક હતાં પરંતુ બાદમાં ડીસીપી નોર્થ ડિસ્ટ્રિક્ટ બન્યાં હતાં.
પહેલાં એવું થયું કે જાન્યુઆરીમાં વકીલોનો એક સમૂહ કિરણ બેદીની ઓફિસની બહાર એકઠો થઈને પ્રદર્શન કરી રહ્યો હતો. પોલીસે તેના પર લાઠીચાર્જ કરી દીધો.
બાદમાં કિરણ બેદીએ એવું નિવેદન આપ્યું હતું કે એ લોકો ખૂબ જ આક્રમક હતા અને હુમલો કરી શકતા હતા. એટલા માટે પોલીસે કાર્યવાહી કરવી પડી.
વકીલો પર પોલીસે લાઠીચાર્જ કર્યાની ઘટનાના કેટલાક સપ્તાહ બાદ તીસ હજારી કોર્ટના પરિસરમાં લગભગ ત્રણથી ચાર હજાર લોકોની ભીડે વકીલો પર હુમલો કરી દીધો.
વકીલોએ આરોપ લગાવ્યો કે હુમલો કરનારા પોલીસના લોકો હતા પરંતુ પોલીસે આ આરોપને નકારી દીધો.
બાદમાં વકીલોએ એવો દાવો કર્યો કે હુમલો કરવા માટે આવેલા લોકો પોલીસના ઇશારે આવ્યા હતા.
 
એ સમયનો હાઈપ્રોફાઇલ મામલો
એ સમયે પણ આ મામલાની ખૂબ ચર્ચા થઈ હતી. કેટલાય સમય સુધી કોર્ટમાં કામ થઈ શક્યું ન હતું.
મામલાને આગળ વધતો જોઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે તપાસ માટે જસ્ટિસ એન. એન. ગોસ્વામી અને જસ્ટિસ ડી. પી. વાધવાની કમિટી બનાવી. આ કમિટીની સુનાવણીઓને મીડિયાએ પણ બહુ કવર કરી હતી.
એ સમયે બંને પક્ષો તરફથી ખૂબ મોટા વકીલોએ સુનાવણીમાં ભાગ લીધો હતો. જેમાં ભારતના ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ પણ સામેલ હતા.
લગભગ એક વર્ષથી વધારે સમય સુધી સુનાવણી ચાલતી રહી પરંતુ આનો કોઈ નિષ્કર્ષ ના નીકળ્યો.
 
આ વખતની ઘટના અલગ
1988માં પ્રથમ વખત એવું થયું કે જ્યારે વકીલો અને પોલીસ વચ્ચેના સંબંધોમાં આ રીતે તણાવ ઊભરીને આવ્યો.
હાલ થયેલી ઘટના પણ એ પ્રકારની છે પરંતુ બંને વચ્ચે તુલના ના કરી શકાય.
એનું કારણ એ છે કે 1988માં જે થયું તે ભીડ દ્વારા પૂર્વઆયોજિત હુમલો હતો, જ્યારે આ વખતે પાર્કિંગને લઈને થયેલી નાની ઘટનાએ બાદમાં મોટું સ્વરૂપ લઈ લીધું.
હવે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ પણ નિવેદન જારી કરીને કહ્યું છે કે હુમલો કરનારા વકીલોને શોધવા જોઈએ જેથી તેમના કારણે સમગ્ર બારની છબિ ખરાબ ના થાય.
સાથે જ પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે સેંકડોની સંખ્યામાં પોલીસકર્મીઓએ ઇન્ડિયા ગેટ અને પોલીસ મુખ્યાલયની બહાર પ્રદર્શન કર્યાં હોય.
તેઓ કહી રહ્યા છે કે કિરણ બેદી જેવા પોલીસકર્મી હોવા જોઈએ. પોલીસની અંદર આવો માહોલ પેદા થઈ જવો આ મામલાનું સૌથી ગંભીર પાસું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર