નરેન્દ્ર મોદીએ RCEPમાં જોડાવાનો ઇનકાર કેમ કરી દીધો?

આદર્શ રાઠોર

મંગળવાર, 5 નવેમ્બર 2019 (10:57 IST)
ભારતે આસિયાન દેશોની પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર સમજૂતી આરસીઈપી એટલે કે રિજનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે.
 
સરકારનું કહેવું છે કે આરસીઈપીમાં સામેલ થવાને લઈને કેટલાક મુદ્દાઓ પર ચિંતા હતી. જેને લઈને કોઈ સ્પષ્ટતા ન થતાં દેશના હિતમાં આ પગલું ભરવામાં આવ્યું છે.
 
વડા પ્રધાન મોદીએ તેમને પોતાના આત્માના અવાજ પર લીધેલો નિર્ણય ગણાવ્યો છે. જ્યારે કૉંગ્રેસ આ નિર્ણયને પોતાની જીતના રૂપમાં દર્શાવી રહી છે.
 
સોમવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આરસીઈપી સંમેલનમાં ભાગ લીધો તો બધાની નજર એ વાત પર હતી કે તેઓ ભારતને આ સમજૂતીનો ભાગ બનાવશે કે નહીં.
 
એવું માનવામાં આવતું હતું કે ભારત આ કરાર પર સહી કરી દેશે અને એ વાતને લઈને ખેડૂતો અને વેપારી સંગઠનો વિરોધ કરી રહ્યાં હતાં.
 
જોકે, આરસીઈપી સંમેલન બાદ સાંજે ભારતના વિદેશમંત્રાલયના સચિવ વિજય ઠાકુર સિંહે કહ્યું કે શરતો અનુકૂળ ન હોવાને કારણે રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખતા ભારતે આરસીઈપીમાં સામેલ ન થવાનો ફેંસલો કર્યો છે.
 
તેમણે કહ્યું કે આરસીઈપીને લઈને ભારતના મુદ્દાઓ અને ચિંતાઓ પર સમાધાન ન થવા પર તેમાં સામેલ થવું સંભવ નથી.
 
વિજય ઠાકુર સિંહે કહ્યું, "આ વિષય પર ટિપ્પણી કરતા વડા પ્રધાને કહ્યું કે ભારતીયો અને ખાસ કરીને સમાજના કમજોર વર્ગો અને તેમની આજીવિકા પર થનારા પ્રભાવ અંગે વિચારતાં તેમણે આ નિર્ણય લીધો છે."
 
"તેમને મહાત્મા ગાંધીની એ સલાહનો પણ ખ્યાલ આવ્યો જેમાં ગાંધીજીએ કહ્યું હતું કે સૌથી કમજોર અને ગરીબ શખ્સનો ચહેરો યાદ કરો અને વિચારો કે જે પગલું તમે ભરવા જઈ રહ્યા છો, તેનો કોઈ ફાયદો તેમને પહોંચશે કે નહીં."
 
"ભારત આરસીઈપીની ચર્ચાઓમાં સામેલ થયું અને તેમણે પોતાનાં હિતો સામે રાખતાં મજબૂતીથી ચર્ચા કરી. હાલની સ્થિતિમાં અમને લાગે છે કે સમજૂતીમાં સામેલ ન થવું જ ભારત માટે યોગ્ય નિર્ણય છે. અમે આ ક્ષેત્ર સાથે વેપાર, રોકાણ અને લોકોના સંબંધોને ગાઢ બનાવવાનું કામ કરતા રહીશું."
 
આ સમજૂતીમાં શું હતું?
 
આરસીઈપી એક વેપાર સમજૂતી છે, જે તેના સભ્ય દેશો માટે એકબીજા સાથે વેપાર કરવાનું સરળ બનાવે છે.
 
આ સમજૂતી અંતર્ગત સભ્ય દેશોમાં આયાત-નિકાસ પર લાગનારા ટૅક્સ કાં તો ભરવાના નથી હોતા અથવા ખૂબ જ ઓછા ભરવાના થાય છે.
 
આરસીઈપીમાં 10 આસિયાન દેશો સિવાય ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડને સામેલ થવાની જોગવાઈ હતી. હવે ભારત તેનાથી દૂર રહેશે.
 
આરસીઈપીને લઈને ભારતમાં લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
 
ખેડૂતો અને વેપારી સંગઠનો તેનો એવું કહીને વિરોધ કરીને કરતા હતા કે જો ભારત તેમાં સામેલ થયું તો નાના ખેડૂતો અને વેપારીઓ તબાહ થઈ જશે.
 
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ સાથે જોડાયેલા સ્વરાજ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે આરસીઈપીથી બહાર રહેવાના ભારતના નિર્ણયને મહત્ત્વનો ગણાવતા કહ્યું કે વડા પ્રધાને જનમત સંગ્રહનું સન્માન કર્યું છે.
સમજૂતીથી શું નુકસાન થતું?
 
યોગેન્દ્ર યાદવે કહ્યું કે દેશમાં તમામ ખેડૂત સંગઠનોએ એક સૂરમાં આ સમજૂતીનો વિરોધ કર્યો હતો. ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલાં ખેડૂત સંગઠનો પણ વિરોધમાં સામેલ થયાં હતાં.
 
યોગેન્દ્ર યાદવ કહે છે, "ત્યાં સુધી કે સરકારની સૌથી નજીક માનવામાં આવતી અમૂલ ડેરીએ પણ આ સમજૂતીનો વિરોધ કર્યો હતો."
 
"ભાજપના મંત્રીઓ ખુદ દબાયેલા અવાજે આની ટીકા કરી ચૂક્યા હતા. ઘણી રાજ્ય સરકારો આના પર સવાલો ઉઠાવી ચૂકી હતી."
 
"કેટલાક દિવસો પહેલાં કૉંગ્રેસે પોતાની નીતિ બદલતાં યૂટર્ન લઈને આનો વિરોધ કર્યો હતો. આ વાતો ક્યાંક વડા પ્રધાનના મનમાં હશે અને તેમને અહેસાસ હશે કે પરત આવીને આ સમજૂતીને દેશની જનતા સામે રાખવી કોઈ સરળ કામ નહીં હોય."
 
યાદવ કહે છે કે બે-ત્રણ વર્ગો પર આ સમજૂતીનાં વિનાશકારી પરિણામો આવત. તેમના પ્રમાણે ભારત જો આ સમજૂતીમાં સામેલ થાત તો ન્યૂઝીલૅન્ડથી દૂધના પાવડરની આયાતના પગલે ભારતનો ડેરીઉદ્યોગ ઠપ થઈ જતો.
 
તેઓ કહે છે ખેડૂતો અને ખેતીની વાત કરીએ તો સમજૂતી બાદ નારિયળ, મરી, રબર, ઘઉં અને તલના ભાવ ઘટી જવાનો ખતરો હતો. નાના વેપારીઓના ધંધા પર ખતરો ઊભો થવાની શક્યતા હતી.
 
સામેલ થવાની સલાહ આપવામાં આવી હતી
 
આરસીઈપીને લઈને કેન્દ્ર સરકારને ઉચ્ચ-સ્તરીય સલાહકાર સમૂહે પોતાનો મત આપતા કહ્યું હતું કે ભારતે આમાં સામેલ થવું જોઈએ.
 
આ સમૂહનું કહેવું હતું કે જો ભારત આરસીઈપીથી બહાર રહેશે તો તે એક મોટા બજારથી બહાર થઈ જશે.
 
બીજી તરફ ભારતના ઉત્પાદકો અને ખેડૂતોને ચિંતા હતી કે મુક્ત વેપાર સમજૂતીને લઈને ભારતનો અનુભવ પહેલાં પણ સારો રહ્યો નથી.
 
આરસીઈપીમાં ભારત જે દેશો સાથે સામેલ થવાનું હતું એ દેશોમાંથી ભારત આયાત વધારે કરે છે અને નિકાસ ઓછી.
 
સાથે જ ચીન આરસીઈપીનું વધારે સમર્થન કરી રહ્યું છે, જેની સાથે ભારતની વેપારી ખાધ પહેલાંથી જ વધારે છે. આવામાં આરસીઈપીને કારણે ભારતની સ્થિતિને વધારે ખરાબ થઈ જતી.
 
ક્રિસિલના અર્થશાસ્ત્રી સુનીલ સિંહાએ બીબીસીને જણાવ્યું કે ઘણા દિવસોથી આરસીઈપીને લઈને ચર્ચા થઈ રહી હતી. જોકે, ભારતે એ જોઈને તેનાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો કે તેનાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે થઈ શકે છે.
 
સુનિલ સિંહાએ કહ્યું, "આવા પ્રકારના કરારોમાં મહત્ત્વપૂર્ણ વાત હોય છે કે કોઈ દેશ માટે આ પ્રકારના સહયોગથી ફાયદો છે કે નહીં."
 
"જોકે, આરસીઈપીનો દેશની અંદર જ વિરોધ થઈ રહ્યો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે ભારત માટે આ વધારે ફાયદાકારક નથી."
 
"મને લાગે છે કે જ્યારે આના પર વાતચીત થઈ તો ભારતના અધિકારીઓને લાગ્યું કે ભારતને જેટલો ફાયદો થશે તેના કરતાં ઘણું વધારે નુકસાન થશે. આ કારણે ભારતે આ સમજૂતીમાં આગળ વધવાની ના પાડી દીધી.
ચીનને લઈને ભારતની ચિંતા?
 
સુનીલ સિંહા કહે છે કે જ્યાં સુધી ચીનનો સવાલ છે, તે પહેલાંથી આર્થિક રીતે વધારે સમૃદ્ધ દેશ છે અને પૂર્વ એશિયાઈ દેશોમાં તેની પહોંચ ભારત કરતાં વધારે છે.
 
તેમણે કહ્યું, "જ્યારે પણ આ પ્રકારની વ્યાપારિક વાતચીત થશે તો ચીન અહીં ફાયદાની સ્થિતિમાં હશે. જ્યારે ભારત પાસે આ ફાયદો નહીં હોય."
 
"પૂર્વ એશિયાઈ દેશો સાથે આપણા એ પ્રકારના સંબંધો નથી. ભારત એ ક્ષેત્રના દેશો સાથે સહયોગ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. જ્યારે ચીન પહેલાંથી જ ત્યાં પહોંચી ચૂક્યું છે."
 
આર્થિક મામલાથી અલગ આ મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપ જ્યારે વડા પ્રધાનની દૂરદેશી દૃષ્ટિ સાથેનો નિર્ણય ગણાવી રહી છે, ત્યાં કૉંગ્રેસ તેને પોતાની જીત ગણાવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર