જય શાહ 35 વર્ષની નાની ઉંમરમાં ક્રિકેટની દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ કેવી રીતે બની ગયા

આનંદ વાસુ

શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (09:14 IST)
જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના નવા અધ્યક્ષ બનવાના છે.
 
માત્ર 35 વર્ષની વયે તેઓ આ પદ પર પહોંચેલા સૌથી યુવા ક્રિકેટ વહીવટકર્તા છે.
 
જોકે, જય શાહ પહેલાં સૌથી નાની વયની કઈ વ્યક્તિ ક્રિકેટ વહીવટકર્તાના પદ પર બિરાજમાન થઈ હતી, એ વાત પર લોકોનું ધ્યાન ગયું નથી.
 
રસપ્રદ વાત એ પણ છે કે 57 વર્ષથી ઓછી વયની કોઈ વ્યક્તિ આઈસીસીની અધ્યક્ષ બની રહી હોય તેવી આ પહેલી ઘટના છે.
 
આઈસીસીના સૌપ્રથમ અધ્યક્ષ કૉલિન કાઉડ્રે 1989માં એ પદભાર સંભાળ્યો ત્યારે તેઓ 57 વર્ષના હતા. તેમના પછી 11 લોકો આઈસીસીના અધ્યક્ષ બન્યા છે.
 
2014માં એન. શ્રીનિવાસન આઈસીસીના પ્રમુખ બન્યા ત્યારથી આ પદને આઈસીસી ચેરમૅનપદ કહેવાનું શરૂ થયું હતું. એ પછી ત્રણ અન્ય લોકો ચૅરમૅન બન્યા છે અને જય શાહ ચોથા ચૅરમૅન હશે.
 
જય શાહ આ પદે પહોંચેલા પાંચમા ભારતીય છે. તેમની પહેલાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર આઈસીસીને અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
 
જય શાહ તેમની નવી જવાબદારી આ વર્ષે પહેલી ડિસેમ્બરથી સંભાળશે.
 
જય શાહના આઈસીસી અધ્યક્ષ બનવાની જાહેરાત પછી સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ જોવા મળી છે.
 
તેમાં આ ક્રિકેટ સંસ્થામાં તેમના સર્વોચ્ચ પદે પહોંચવાને તેમના પિતા તથા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ સાથે સાંકળવામાં આવી રહ્યુ છે.
 
ક્રિકેટમાં ભારતનો દબદબો
જોકે, જય શાહના આઈસીસીના અધ્યક્ષપદ સુધી પહોંચવાનું કારણ ક્રિકેટવિશ્વમાં ભારતીય ક્રિકેટ બૉર્ડનો દબદબો છે.
 
જય શાહ ભારતીય ક્રિકેટ બૉર્ડના સેક્રેટરી હતા. હાલ જેની ધાક હોય તે બધું ભારતીય ક્રિકેટ બૉર્ડ પાસે છે.
 
ભારતીય ક્રિકેટ બૉર્ડ પાસે દર્શકોનો સૌથી મોટો સમૂહ અને કૉર્પોરેટ ગૃહોનો સાથ છે.
 
એટલું જ નહીં, ભારતીય ક્રિકેટ ટીમ સતત વિજય મેળવી રહી છે.
 
આ બધાની વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી સફળ ટુર્નામેન્ટ પણ છે. આ બધું દુનિયાના કોઈ અન્ય ક્રિકેટ બૉર્ડ પાસે નથી.
 
ક્રિકેટ વહીવટકર્તા તરીકે જય શાહનો કૅરિયર ગ્રાફ પણ ઘણો શાનદાર રહ્યો છે.
 
તેમણે 2009માં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન હેઠળ ક્રિકેટ વહીવટકર્તા તરીકે શરૂઆત કરી હતી.
 
2013માં તેઓ ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી બન્યા હતા અને એ પછી તેમણે પાછું વાળીને જોયું નથી.
 
2019માં તેઓ બીસીસીઆઈના સેક્રેટરી બન્યા ત્યારે તેમની પાસે બહુ અનુભવ ન હતો, પરંતુ અત્યાર સુધીની તેમની કાર્યશૈલી એવી રહી છે કે તેઓ અન્ય હોદ્દેદારો સાથે સલાહ-મસલત કરે છે.
 
તેમની સમક્ષ આઈસીસી કે બીસીસીઆઈ સંબંધી કોઈ સમસ્યા આવી ત્યારે તેમણે ભૂતપૂર્વ ક્રિકેટ વહીવટકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે.
 
તેમણે વિરોધી જૂથના ગણાતા એન. શ્રીનિવાસનની સલાહ સુદ્ધાં લીધી છે.
 
ક્રિકેટ સંબંધી બાબતોમાં તેઓ ઘણા અંશે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ પર ભરોસો કરે છે.
 
જય શાહ સામે કેટલા પડકારો?
અત્યારે આ કહેવું વિચિત્ર લાગશે, પરંતુ આઈસીસીના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા પછી તેઓ ભારતીય ક્રિકેટના સૌથી શક્તિશાળી પદ પર વાપસી કરી શકે છે.
 
આઈસીસીના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ બાદ તેમની પાસે બીજા કાર્યકાળ માટે દાવેદારી રજૂ કરવાની તક હશે અથવા તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે પાછા ફરી શકે છે.
 
વર્તમાન સમયમાં તમામ વ્યવહારુ હેતુ માટે ભારતીય ક્રિકેટ બૉર્ડની ભૂમિકા આઈસીસીના અધ્યક્ષ કરતાં વધારે પ્રભાવશાળી ગણી શકાય તેમ છે.
 
અલબત, આઈસીસીના અધ્યક્ષ સામે અનેક પડકારો હશે. આઈસીસી ક્રિકેટનો દુનિયાના અન્ય દેશોમાં ઝડપથી પ્રસાર કરવા ઈચ્છે છે. તેના માટે આઈસીસીએ આક્રમક વ્યૂહરચના ઘડી છે.
 
આ સંદર્ભે ગત વર્લ્ડ ટી-20 સ્પર્ધાનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું હતું. તે મોંઘું આયોજન હતું, પરંતુ તેમાં સફળતા પણ મળી હતી.
 
એ ઉપરાંત ક્રિકેટને ઑલિમ્પિક્સમાં સામેલ કરવાનો મામલો પણ છે.
 
2028ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવશે તે નક્કી છે.
 
જોકે, જય શાહનો કાર્યકાળ એ પહેલાં પૂર્ણ થઈ જશે, પરંતુ ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સામેલ કરવાની બાબતને તેમના કાર્યકાળ દરમિયાન જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
 
ઑલિમ્પિક્સના ક્યા ફોર્મેટમાં ક્રિકેટમાં સામેલ કરવામાં આવશે, ટીમની પસંદગીના માપદંડ શું હશે, કેટલી ટીમો ભાગ લેશે વગેરે જેવા સવાલોના જવાબ જય શાહે શોધવાના રહેશે.
 
આઈસીસી ટુર્નામેન્ટમાં સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર ટીવી સાથેનો બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સ સંબંધી મુદ્દો પણ જય શાહની સામે હશે.
 
સ્ટાર ટીવીએ આઈસીસી પાસે લગભગ 10 કરોડ ડૉલર એટલે કે અંદાજે 830 કરોડ રૂપિયાની છૂટની માગ કરી છે. સ્ટાર ટીવીનો દાવો છે કે તેમને આ ઇવેન્ટ્સમાંથી વધારે કમાણી થતી નથી.
 
નવા વિચાર અને નવા પ્રયોગો પર વિશ્વાસ
આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જય શાહે જણાવ્યું હતું કે આઈસીસીના અધ્યક્ષ તરીકેની નિમણૂક થવાથી તેઓ અભિભૂત છે.
 
તેમણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટના પ્રસાર માટે આઈસીસીની ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
 
જય શાહે કહ્યું હતું, “આપણે મહત્ત્વના એક એવા વળાંક પર છીએ, જ્યાં ક્રિકેટના બહુવિધ ફોર્મેટમાં ટકાવી રાખવાનું, અદ્યતન ટૅક્નોલૉજીના વપરાશને પ્રોત્સાહિત કરવાનું અને નવા માર્કેટ્સમાં ફ્લેગશિપ ઇવેન્ટ્સને પ્રસ્તુત કરવા વચ્ચે સંતુલન જાળવવાનું મહત્ત્વપૂર્ણ છે.”
 
જય શાહનું કહેવું છે કે તેમનું લક્ષ્ય ક્રિકેટને પહેલાં કરતાં અનેકગણું વધારે સર્વસમાવેશક અને લોકપ્રિય બનાવવાનું છે.
 
ઑલિમ્પિક્સમાં ક્રિકેટના મુદ્દે તેમણે આ નિવેદનમાં જણાવ્યુ હતું કે અત્યાર સુધી ભણેલા પાઠ મુજબ તો કામ કરીશું જ, એ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વધારવા માટે નવા વિચાર અને નવા પ્રયોગો કરવા પડશે.
 
જય શાહે કહ્યું હતું, “લૉસ ઍન્જેલસમાં ઑલિમ્પિક્સ – 2028માં અમારી ભાગીદારી ક્રિકેટના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક છે અને મને ખાતરી છે કે તેનાથી આ સ્પોર્ટ્સ અભૂતપૂર્વ પ્રગતિ કરશે.”
 
આઈસીસીના વર્તમાન અધ્યક્ષ, ન્યૂઝીલૅન્ડના ગ્રેગ બાર્કલેએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે આઈસીસી તેના વર્તમાન સ્વરૂપમાં “હેતુ માટે યોગ્ય” નથી.
 
આ એક મોટી અને ગંભીર સ્વીકૃતિ છે. આ સમસ્યાના નિવારણ માટે જય શાહ શું કરે છે તેના પર બધાની નજર રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર