IPL : હરાજીમાં સૌથી ઊંચી બેઝ પ્રાઇઝે ગુજરાતના ત્રણ ખેલાડી કયા છે?
ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (13:58 IST)
ટીમ બીબીસી ગુજરાતી
નવી દિલ્હી
આઈપીએલની 13મી સિઝન માટેની હરાજી રસપ્રદ બની રહેશે કારણ કે બે કરોડની બેઝ પ્રાઇઝ સાથે ભારતનો કોઈ ખેલાડી હરાજીમાં નથી.
1.5 કરોડની બેઝ પ્રાઇઝમાં 10 ખેલાડીઓ છે, જેમાં એક માત્ર ભારતીય ખેલાડી રોબિન ઉથપ્પા છે.
મહત્ત્વની વાત એ છે કે એક કરોડની બેઝ પ્રાઇઝમાં 23માંથી માત્ર ત્રણ જ ભારતના ખેલાડીઓ છે. તે તમામ ગુજરાતના છે અથવા ગુજરાતથી રમતાં ખેલાડીઓ છે. યુસુફ પઠાણ, પીયૂષ ચાવલા અને જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇઝ એક કરોડની છે.
આઈપીએલની હરાજીમાં આ વખતે ખર્ચવા માટે સૌથી વધારે રૂપિયા કિંગ્સ ઇલેવન પંજાબ (42.70 કરોડ) પાસે છે. જ્યારે સૌથી ઓછા રૂપિયા મુંબઈ ઇન્ડિયન્સ (13.05 કરોડ) પાસે છે.
આઈપીએલની હરાજીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૌથી વધારે ખેલાડી ખરીદી શકે છે. તેઓ 18 ખેલાડીઓ ખરીદી શકે છે, જેમાં 6 વિદેશી ખેલાડી ખરીદી શકે છે.
ગુજરાતના ક્યાં ખેલાડીઓ છે હરાજીમાં
આ વર્ષે આઈપીએલમાં 1 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવનાર માત્ર ત્રણ જ ખેલાડી છે. જે તમામ ગુજરાતના છે.
ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રણજી ટ્રોફી રમતાં પીયૂષ ચાવલા, બરોડા ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતાં યુસુફ પઠાણ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતાં જયદેવ ઉનડકટનો પણ સમાવેશ કરાયો છે.
જયદેવ ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ પ્રદર્શન સારું ન લાગતાં ટીમે તેમને આ વખતે કરારમુક્ત કર્યા હતા.
યુસુફ પઠાણ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ગત સિઝનમાં રમ્યા હતા. પીયૂષ ચાવલાને કોલકાતા નાઇટ રાઈડર્સે કરારમુક્ત કર્યા છે.
પાર્થિવ પટેલ 1.7 કરોડની કિંમત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં યથાવત્ છે.
ગુજરાતના અન્ય ખેલાડીઓ
ગુજરાત તરફથી રમતાં રૂશ કલેરિયા વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ મિડિયમ બોલરની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
પ્રિયાંક પંચાલ રાઇટ આર્મ બૅટ્સમૅન છે અને તેમની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે અને તેઓએ ફર્સ્ટ ક્લાસ ટી-20માં 43 મેચમાં 125ના સ્ટ્રાઇક રેટથી 1073 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત ગુજરાતના 22 વર્ષના અરઝાન નાગવાસવાલા અને 24 વર્ષીય રીપલ પટેલની બેઝ પ્રાઇઝ 20 લાખ છે.
બરોડાના ખેલાડી
બરોડાના સ્ટાર હાર્દિક પંડ્યા 11 કરોડ અને કૃણાલ પંડ્યા 8.80 કરોડની સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં યથાવત્ છે.
બરોડાથી રમતાં ધમાકેદાર બૅટ્સમૅન યુસુફ પઠાણને સનરાઈઝર્સ હૈદરાબાદે મુક્ત કર્યા છે. તેઓ હરાજીમાં 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ સાથે ઉતરશે.
બરોડાના દીપક હુડ્ડા ગત વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યા હતા. 2018માં હૈદરાબાદે 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
ગત સીઝનમાં તેઓ 11 મેચમાં 64 રન જ બનાવી શક્યા હતા. આ વર્ષે હૈદરાબાદે તેમને મુક્ત કર્યા છે.