શું હોય છે બુરખો અને નકાબ?

મંગળવાર, 7 મે 2019 (16:48 IST)
ભારત સહિત વિશ્વભરમાં મહિલાઓ દ્વારા ચહેરા તથા શરીરને ઢાંકવા માટે અલગ-અલગ વસ્ત્રો પહેરવામાં આવે છે, જે હિજાબ, નકાબ, બુરખા જેવાં નામોથી ઓળખાય છે.
હિજાબ : હિજાબનો મતલબ ઢાંકવું એવો થાય છે. જોકે, મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા હેડસ્કાર્ફને પણ હિજાબ તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્કાર્ફ અલગ-અલગ સ્ટાઇલ કે આકારના હોય છે. મોટાભાગે પ્રચલિત હિજાબમાં માથું ઢંકાય છે પરંતુ ચહેરો સ્પષ્ટ દેખાય છે.
નકાબ: તેમાં મહિલાનો ચહેરો ઢંકાય છે, પરંતુ તેની આંખો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેને હેડસ્કાર્ફ સાથે કે અલગથી પણ પહેરવામાં આવે છે.
બુરખો: બુરખામાં મહિલા સૌથી વધુ ઢંકાય રહે છે. તે સિંગલ પીસ હોય છે અને તેમાં ચહેરો તથા શરીર ઢંકાય છે. તેમાં આંખો સ્પષ્ટ રીતે દેખાતી નથી
અલ-અમીર: તે ટુ-પીસ પડદો છે. તેમાં એક ટોપી હોય છે, જે કોટન કે પૉલિયેસ્ટરની બનેલી હોય છે. તેની સાથે ટ્યૂબ જેવો સ્કાર્ફ હોય છે.
શાયલા : સ્કાર્ફનો આ પ્રકાર ખાડી દેશોમાં વ્યાપક રીતે પ્રચલિત છે. તેમાં લંબચોરસ સ્કાર્ફની મદદથી માથું ઢાંકવામાં આવે છે. બાદમાં તેને ખભ્ભા પર પીન કરી દેવામાં આવે છે. ક્યારેક હૂકનો પણ ઉપયોગ થાય છે.
ખીમાર : આ પ્રકારનો પડદો લાંબો અને ટોપી જેવો હોય છે. તેનાથી વાળ, ગરદન અને ખભ્ભો સંપૂર્ણપણે ઢંકાય જાય છે, તે કમરસુધીનો જ હોય છે અને ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
ચદોર : આ પ્રકારનો પડદો મહદઅંશે ઈરાનની મહિલાઓ દ્વારા ઘરની બહાર નીકળતી વખતે પહેરવામાં આવે છે. તે સમગ્ર શરીરને ઢાંકે છે. તેની સાથે નાનકડો હેડસ્કાર્ફ પણ પહેરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર