વડા પ્રધાન મોદીની બાયૉપિકની કહાણી કેટલી સાચી?

કેવિન પોન્નઈયા

બુધવાર, 3 એપ્રિલ 2019 (16:45 IST)
"હિંદુસ્તાન આતંકથી નહીં, આતંક હિંદુસ્તાનથી ડરશે."
 
કાશ્મીરના બરફીલા પહાડોમાં સૈનિકોની ટુકડી સાથે પુલ પર સૌથી આગળ એક વ્યક્તિ હાથમાં તિરંગો લઈને ચાલી રહી છે, આ ડાયલૉગ બોલતાં પહેલાં જ તે વ્યક્તિ પર ઉગ્રવાદીઓ ગોળીબાર કરે છે. સૈનિકો તેના જવાબમાં કાર્યવાહી કરે છે, તે વ્યક્તિ ઘૂંટણ પર બેસી જાય છે, પણ તિરંગાને ઝૂકવા દેતી નથી.
 
આ અઢી મિનિટના ફિલ્મી ટ્રેલરનો સૌથી દમદાર સીન છે. હાથમાં ધ્વજ ઉઠાવેલી તે વ્યક્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. સામાન્ય ચૂંટણી પહેલાં જ આ ફિલ્મે દેશમાં રાજનૈતિક તોફાન મચાવી દીધું છે. લોકસભાની ચૂંટણીઓના પ્રથમ ચરણના મતદાન પહેલાં જ વડા પ્રધાન મોદીની બાયૉપિક 'પીએમ નરેન્દ્ર મોદી' સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. 5 એપ્રિલે તેની રિલીઝ ડેટ રાખવામાં આવી છે. આ પહેલાં વિપક્ષ કૉંગ્રેસે ફિલ્મ રિલીઝ પર આકરો વિરોધ નોંધાવ્યો છે. પાર્ટીનો આક્ષેપ છે કે તેનું નિર્માણ ભાજપે કરાવ્યું છે અને તે પાર્ટીની છીછરી રાજનીતિ દર્શાવે છે.
 
જો કે, ફિલ્મ સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ સંબંધ નથી પણ તેમાં મોદીનું પાત્ર ભજવી રહેલા વિવેક ઓબેરૉય ભાજપના સમર્થક રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં ટ્રેલર લૉંચ કરવાના પ્રસંગે એક સવાલના જવાબમાં તેમણે ભાજપના ચૂંટણીના નારા 'મોદી હે તો મુમકીન હે' દોહરાવ્યા હતા. ફિલ્મ પ્રમોશન સાથે સંકળાયેલા ઘણા કાર્યક્રમોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજરી આપતા જણાયા.
ચૂંટણીપંચ તપાસ કરી રહ્યું હતું કે ફિલ્મ રિલીઝથી આચારસંહિતાનું ઉલ્લંઘન તો નથી થતું ને, આજે ચૂંટણીપંચે જાહેરાત કરી છે કે અમે ફિલ્મની રિલીઝની તારીખોને અટકાવી ન શકીએ. ફિલ્મના પ્રોડ્યૂસરે પંચને કહ્યું છે કે તેમાં તેમનું પોતાનું જ રોકાણ છે.
 
લેખક અને નિર્માતા સંદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ "એક મહાન વ્યક્તિત્વ"ની કહાણી દેશને કહેવા માગે છે જેથી લોકોને તેમાંથી "પ્રેરણા મળે".
તેમણે બીબીસીને કહ્યું, "મારે રાજનીતિ, રાજનેતાઓ કે કોઈ જ પક્ષ સાથે કોઈ લેવા-દેવા નથી. જો (વિપક્ષી)તેઓ એક ફિલ્મથી ડરતા હોય તેઓએ પોતાના દેશ અને રાજ્યોમાં કરેલા પોતાના કામ પર ભરોસો નથી."
 
પ્રૉપેગૅન્ડા મૂવી
 
હજી તો ફિલ્મનું ટ્રેલર જ લૉંચ થયું છે, સિનેમાઘરોમાં ફિલ્મની રિલીઝ બાકી છે, આ પહેલાં જ કેટલાક લોકો તેને પ્રૉપેગૅંડા મૂવી ગણાવી ચૂક્યા છે. હિંદુસ્તાન ટાઇમ્સના ફિલ્મ વિવેચક રાજા સેને બીબીસીને કહ્યું, "ફિલ્મ રિલીઝનો સમય તેને શંકાસ્પદ બનાવે છે. જાન્યુઆરીમાં તેનું શૂટિંગ શરૂ થયું. એપ્રિલમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે."
 
"ચૂંટણીઓ પહેલાં આ રિલીઝ કરવું એ (મોદીની) છબિનો લાભ ખાટવાની કોશિશ છે અને ફિલ્મની કોશિશ રહેશે કે તેઓ ઇચ્છે છે તેવી છબિનો પ્રચાર કરે."
 
વડા પ્રધાન મોદી અંગે દાવો કરવામાં આવે છે કે તેઓ બાળપણમાં રેલગાડીઓમાં ચા વેચતા અને ત્યાંથી તેમણે દેશના વડા પ્રધાન સુધીની સફર ખેડી હતી.
તેઓ દક્ષિણપંથી હિંદુ સંગઠન આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે અને 13 વર્ષ સુધી ગુજરાતમાં મુખ્ય મંત્રી રહ્યા છે. તેમની વ્યક્તિગત અપીલ અને કડક હિંદુવાદી નેતાની છબિએ પાર્ટીને લોકપ્રિયતા અપાવી છે. નરેન્દ્ર મોદી 2002ના કોમી રમખાણો બાદ પરેશાન અને દુઃખી દેખાય છે. આ રમખાણોમાં મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો મુસ્લિમ હતા. ઘણા વિવેચકોને ટ્રેલરનું આ દૃશ્ય ચોંકાવનારું લાગે છે.
 
તોફાનો વખતે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય મંત્રી હતા અને તેમના પર આક્ષેપ છે કે તેમણે રમખાણો રોકવા જરૂરી પગલાં ન ઉઠાવ્યાં. ત્યારબાદ અમેરિકાએ તેમને વિઝા આપવાથી ઇનકાર કરી દીધો હતો. જો કે, 68 વર્ષના મોદી આ આક્ષેપોને હંમેશાં નકારતા રહ્યા છે.
 
કાલ્પનિક ઘટનાક્રમ
પત્રકાર અને 2013માં મોદીની આત્મકથા લખનાર નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "આ મોદીના જીવનની એક કાલ્પનિક કહાણી છે."
 
નીલાંજન મુખોપાધ્યાયે મોદી પર જે પુસ્તક લખ્યું છે તેનું નામ છે, "નરેન્દ્ર મોદી : ધ મૅન, ધ ટાઇમ્સ."
 
તેઓ કહે છે કે જે દૃશ્યમાં મોદી હાથમાં તિરંગો લઈને ઉગ્રવાદીઓનો સામનો કરે છે, તે પાર્ટીની હાલની રાજકીય ભાવના સાથે તેમના ભૂતકાળને જોડવાની કોશિશ કરી રહ્યું છે.
તેઓ કહે છે, "તેનાથી ઊલટું તેમના પર આક્ષેપ થયા હતા કે રમખાણો દરમિયાન મુખ્ય મંત્રી કાર્યાલયે મુશ્કેલીના સમયમાં યોગ્ય પગલાં લીધાં નહીં."
1992માં મોદી ભાજપના કાર્યકર્તા તરીકે પાર્ટી અધ્યક્ષ મુરલી મનોહર જોશી સાથે દક્ષિણથી ઉત્તર સુધી ચાલેલી યાત્રામાં સામેલ થયા હતા. તેની પૂર્ણાહુતિ કાશ્મીર ઘાટીમાં તિરંગો ફરકાવા સાથે થઈ હતી.
મુખોપાધ્યાયે કહ્યું કે તે કાફલા પર ફાયરિંગ તો થયું હતું પણ પંજાબમાં, શીખ ઉગ્રવાદીઓ દ્વારા. તેઓ કહે છે કે પાકિસ્તાન વિરોધી ભાવના અને કઠોર કાશ્મીર નીતિ મોદી અને ભાજપના ચૂંટણી અભિયાનના કેન્દ્રમાં છે. ત્યારે વડા પ્રધાનને કાશ્મીરમાં ઉગ્રવાદની વિરુદ્ધ જંગમાં આગળ ઊભેલા બતાવીને દેશમાં ઘણા લોકો પર અસર થશે.
 
"વર્તમાન સ્થિતિમાં ઢાળવા માટે તેમના ઇતિહાસને બદલવામાં આવી રહ્યો છે."
 
નિર્માતા સંદીપ સિંહ માને છે કે ભલે આ ફિલ્મનો ઘટનાક્રમ સત્ય ઘટનાઓ પર આધારિત છે, પરંતુ તેને થોડું કાલ્પનિક સ્વરુપ આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "અમારો હેતુ હતો કે લોકોને પરિસ્થિતિ, દૃશ્ય, ફિલ્મ અને કૅરેક્ટર બધું જ પસંદ પડે."
 
કૉંગ્રેસ અને અન્ય પક્ષોની દલીલ છે કે ફિલ્મને ચૂંટણી દરમિયાન રિલીઝ ન કરવી જોઈએ. આ ફિલ્મ ઉપરાંત 10 ઍપિસોડવાળી વેબ સિરીઝ 'મોદી: જર્ની ઑફ અ કૉમનમૅન' ઇરોઝ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે. વેબ સિરીઝ અને ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી જ માત્ર આ પ્રકારની કૃતિઓ નથી. એવી ઘણી ફિલ્મો બની છે જે સ્પષ્ટ રીતે રાજનૈતિક છે અને મતો પર અસર કરી શકે છે.
 
મોદી પહેલાં વડા પ્રધાન રહેલા મનમોહન સિંહના જીવન પર આધારિત 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ' આ જ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. તેની આકરી ટીકા થઈ હતી. તેને કેટલાક લોકો કૉંગ્રેસની છબિ પર પ્રહાર ગણાવ્યો હતો. વધુ એક ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતમાં આર્મી બેઝ પર હુમલા બાદ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભારતના એ કહેવાતા સૈન્ય અભિયાનનું નાટ્ય રૂપાંરણ દર્શાવાયું.
 
આ દેશભક્તિવાળી ફિલ્મનો હેતુ પણ મોદીની રાષ્ટ્રવાદી છબિમાં વધારો કરવાનો હતો. આ ફિલ્મ રિલીઝ થયાના છ અઠવાડિયાં બાદ ભારતે કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો પર હુમલો થયા બાદ પાકિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. હવે ભાજપના સમર્થકો વચ્ચે સર્જિકલ સ્ટ્રાઇક એક નારો બની ગયો છે. ગયા ગુરુવારે પોતાની સભામાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેમની અંદર જ "જમીન, હવા અને અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિમ્મત હતી."
 
પરંતુ ફિલ્મ નિર્માતા સત્તાધારી સરકારની ખુશામતમાં લાગ્યા છે. 'માય નેમ ઇઝ રાગા' એક એવી ફિલ્મ છે જે મોદીના મુખ્ય પ્રતિસ્પર્ધિ અને કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન પર છે. ફિલ્મના નિર્દેશક તેનો "કમબૅક" એટલે કે શાનદાર રીતે પરત ફરવાની એક પ્રેરક કહાણી સ્વરૂપે પ્રચાર કરી રહ્યા છે. શક્તિશાળી સ્થાનિક રાજનેતાઓ પર પણ આ વર્ષે ફિલ્મો બની છે. દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર સેન્સર બોર્ડનું નિયંત્રણ હતું. જેમાં રાજકીય હેતુ ધરાવતી ફિલ્મો ઓછી બનતી હતી.
પરંતુ સેન કહે છે કે હાલના મહિનાઓમાં જે રીતે અચાનક આ પ્રકારની ફિલ્મો આવી છે તે બિલકુલ અનોખી વાત છે.
 
સેન જણાવે છે કે તેમની નજરમાં પીએમ નરેન્દ્ર મોદી જેવી ફિલ્મોની શહેરી લોકો ભલે મજાક ઉડાવે અને મીડિયા તેની ટીકા કરે પણ ટ્વિટર પર માત્ર એ લોકો જ નથી જે તેમને મત આપશે. તેઓ કહે છે, "મુખ્ય વાત એ છે કે શહેરોથી બહારના અથવા દેશમાં ઓછું ભણેલા લોકો છે તે વિસ્તારોમાં લોકો અતિશ્યોક્તિ ભર્યા ફિલ્મી દૃષ્યોથી પ્રભાવિત થઈ શકે છે." 
 
"કારણ કે લોકોમાં એ ધારણા છે કે જે વાત સાચી ન હોય, તે ફિલ્મમાં ન બતાવી શકાય."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર