કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો ગુજરાતના ઉદ્યોગોને કેવી રીતે મદદ કરશે?

ડૉ. જય નારાયણ વ્યાસ

મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (14:13 IST)

ભારતમાં કૉર્પોરેટ કરવેરાઓ ખૂબ ઊંચા છે એવી ફરિયાદ સામે જે તે સમયની સરકારોએ કૉર્પોરેટ કરવેરાઓ ઘટાડીને 25 ટકા સુધી લઈ આવવાનું લક્ષ્યાંક રાખ્યું હતું.

નિર્મલા સીતારમણના તારીખ 5 મેના રોજ રજૂ થયેલ બજેટમાં આ માંગ સંતોષવાનો અધકચરો પ્રયાસ થયો હતો.

250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને કૉર્પોરેટ ટૅક્સમાં રાહત આપવાની જોગવાઈઓ નાણામંત્રીએ પોતાની પ્રથમ બજેટ સ્પીચમાં જાહેર કરી હતી.

આમ છતાંય બજેટ બાદ પણ વેપાર-ઉદ્યોગજગતનો મૂડ બગડતો જ ગયો. એક યા બીજા કારણે સાર્વત્રિક મંદીનું વાતાવરણ જોર પકડતું ગયું.

છ વરસનો સૌથી ઓછો આર્થિક વિકાસ દર અને તેમાં પણ ચાલુ રહેલો ઘસારો, 45 વરસનો સૌથી ઊંચો બેકારીનો દર, જાણે કે અર્થવ્યવસ્થાની કમર તોડી રહ્યો હતો.

બજેટ રજૂ કર્યા બાદ પણ સરકાર આ પરિસ્થિતિથી ચિંતિત થઈ નાનાં-મોટાં પ્રોત્સાહનો જાહેર કરતી રહી.

અર્થવ્યસ્થા હાલત હાલ કેવી છે?
કોઈ પણ નાણામંત્રીએ પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યાના માત્ર અઢી મહિના જેટલા સમયમાં અર્થવ્યવસ્થાને ઉગારવા ચાર-ચાર પ્રોત્સાહક પૅકેજ જાહેર કરવાં પડ્યાં હોય તેવો આ પહેલો કિસ્સો છે.

આ પહેલાંનાં ત્રણ પૅકેજને એફઆઈઆઈ, બજાર અને કૉર્પોરેટ ઇન્ડિયાનો સાનુકૂળ પ્રત્યાઘાત નહોતો સાંપડ્યો.

દરમિયાનમાં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનું સ્થાન પણ ગુમાવી બેઠી અને 6 ટકાના જીડીપી વૃદ્ધિદર સાથે ચીને એ સ્થાન કબજે કર્યું.

પાંચ વરસ પહેલાં ભારત દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા હતી, બજેટ બાદની પરિસ્થિતિએ વિશ્વ બૅંકની જાહેરાત મુજબ આપણે સાતમા સ્થાને આવી અટકી ગયા.

ઑટોમોબાઇલ સૅક્ટર, બાંધકામ ઉદ્યોગ અને કાપડ તેમજ હીરાઉદ્યોગ જેવાં ક્ષેત્રમાં મંદીની મોટી અસર વરતાવા લાગી અને મોટા પાયે કારીગરોની છટણી થઈ.

બાંધકામ ક્ષેત્રની જ વાત કરીએ તો લગભગ 12 લાખ જેટલાં મકાનો એક અંદાજ મુજબ બજારમાં ગ્રાહકની રાહ જુએ છે. 1000 કરોડ રૂપિયા કરતાં વધુ રોકાણ આમાં ફસાઈ ગયું છે.

મારુતિ જેવી ઑટોમોબાઇલ ક્ષેત્રની ફ્લૅગશિપ કંપનીએ પોતાનું ઉત્પાદન ઘટાડયું છે. ઑટોમોબાઇલના 200 જેટલા ડીલર પાસે આજે કોઈ ઑર્ડર નથી એટલે શટર બંધ કરીને બેઠા છે.

આ જ સ્થિતિ ટેક્સટાઇલની અને હીરાઉદ્યોગની છે જેમણે એકલા સુરતમાં હજારો કાર્યકરો છૂટા કર્યા છે.

ઇન્ડિયા ટુડે હિંદીના સંપાદક અંશુમાન તિવારીના મત મુજબ અર્થવ્યવસ્થા ખાડામાં પડી છે અને વિકાસ તેમ જ બચત બંનેમાં ઘટાડો થયો છે.

તિવારીના મત મુજબ છેલ્લા દોઢ વરસથી મંદીનો દોર ચાલી રહ્યો છે. મંદી અને વિકાસ કોઈ પણ અર્થવ્યવસ્થાનો સ્વાભાવિક ભાગ છે.

જોકે, 2006 બાદ ભારતમાં અઢાર મહિનાનો આ લાંબો મંદીનો દોર ચિંતાજનક બની રહ્યો છે.

આ મંદી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા મોટા ખેલાડીઓને પણ નિપટાવી દેશે. વોડાફોન જેવી કંપનીઓ ખતમ થવા જઈ રહી છે અને માત્ર એરટેલ અને જીઓ એકાધિકાર જમાવે તે સ્થિતિ છે.


સીતારમણનું આ પગલું કેવી રીતે ફાયદો કરશે?
 

આ પરિસ્થિતિમાં નિર્મલા સીતારમણે જે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવાનું પૅકેજ રજૂ કર્યું તે ખરેખર આવકારદાયક અને દાદ માંગી લે તેવું છે.

સરકારે કંપનીઓ પરનો કૉર્પોરેટ ટૅક્સ 10 ટકા ઘટાડીને 25.17 ટકા કરવાની જાહેરાત કરી છે.

આ થવાથી ભારતનો કૉર્પોરેટ ટૅક્સનો દર ચીન અને દક્ષિણ કોરિયા જેટલો થઈ ગયો છે.

આ ટૅક્સ ઘટાડાને કારણે હાલમાં જે દર સરચાર્જ સાથે 34.97 ટકા હતો તે હવે 25.17 ટકા થયો અને આવી કંપનીઓને મિનિમમ ઓલ્ટરનેટિવ ટૅક્સ (MAT) પણ ચૂકવવો નહીં પડે.

આ થઈ હાલમાં કાર્યરત કૉર્પોરેટ સૅક્ટરની કંપનીની વાત.
 

પહેલી ઑક્ટોબર 2019 પછી રચાનારી નવી કંપની જો મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરમાં રોકાણ કરે તો હાલમાં જે 25.17 ટકાના દરે ટૅક્સ ચૂકવવાની જોગવાઈ છે તેને બદલે માત્ર 15 ટકા અને સેસ તથા સરચાર્જ સાથે અગાઉ જે ભારણ 19.12 ટકા હતું તે સીધું ઘટીને 17.01 ટકા થઈ જશે.

આની સાથે જ ઇક્વિટી શૅરના વેચાણના કૅપિટલ ગેઈન પર લાગતો સુપર રિચ ટૅક્સ પણ નહીં લાગે.

આ બજેટમાં વધારવામાં આવેલ સરચાર્જ ફોરેન પૉર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) ને પોતાના શૅરોના વેચાણ પર થતા કૅપિટલ ગેઇન પર લાગુ પડશે નહીં.

પાંચમી જુલાઈ 2019 અગાઉ બાયબૅકની જાહેરાત કરનાર કંપનીઓને શૅર બાયબૅક કરવા ઉપર કોઈ ટૅક્સ લાગશે નહીં. ઘટાડેલા કૉર્પોરેટ ટૅક્સના દર 1લી એપ્રિલ 2019થી અમલમાં આવશે.


શૅરબજારમાં ઉછાળો શું સૂચવે છે?
 

મંદીને બિછાને પડેલા અર્થતંત્રની વાત કરીએ. કહેવાય છે કે શૅરબજાર એ અર્થતંત્રનું બેરોમીટર છે.
 
નિર્મલા સીતારમણની આ જાહેરાતથી નિફટી અને સેન્સેકસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો.
 
નિફ્ટીની માર્કેટકૅપ એકાએક ચાર લાખ કરોડ વધી ગઈ. સેન્સેક્સમાં ઇન્ટ્રાડે 2,285 પૉઇન્ટનો ઉછાળો આવ્યો, જે આ પહેલાં 12 મે 2009ના રોજ મારેલ 2,111 પૉઇન્ટની સરખામણીમાં ચાલુ વર્ષનો સૌથી મોટો 1,921 પૉઇન્ટનો ઉછાળો હતો.
 
જેને કારણે રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડ વધી ગયા! અદ્ભુત લાગે છે, નહીં?
 
એ સમજવું જોઈએ કે જેમ શૅરબજારને અર્થતંત્રનું બેરોમીટર કહેવાયું છે તે જ પ્રમાણે શૅરબજાર માટે બીજી પણ એક ઉક્તિ છે - 'અ સ્ટૉકમાર્કેટ રીએક્ટ ઑન હોપ ઓર ડિસપેર' અર્થાત શેરબજાર આશા અથવા નિરાશા ઉપર વધે-ઘટે છે.

5મી જુલાઈ 2019ના રોજ જ્યારે બજેટ રજૂ થયું ત્યારે સારું થવાના આશાવાદે BSE સેન્સેક્સ 39,5113.38 હતો તે 20મી સપ્ટેમ્બરે ઘટતો ઘટતો 36,171.12 પર ખૂલ્યો અને 38,014.64 એટલે કે લગભગ 2,000ના વધારા સાથે બંધ થયો હતો.

જેનો અર્થ 7 લાખ કરોડ રૂપિયાનું વૅલ્યૂએશન શૅરબજારમાં રોકાણ કરવાવાળાનું વધી ગયું એવો કરવો હોય તો 39,513થી હજુ પણ આ સેન્સેકસ લગભગ 1500 પૉઇન્ટ નીચો છે.

એટલે બજેટ રજૂ થાય તે દિવસથી 20 સપ્ટેમ્બર 2019ના રોજ નિર્મલા સીતારમણે આર્થિક પૅકેજ રજૂ કર્યું ત્યાં સુધી સેન્સેક્સ કુલ 3342 પૉઇન્ટ ઘસાયો. એટલે કે રોકાણકારોના 11,697 કરોડનું ધોવાણ થયું.

એમાંથી આ જાહેરાત બાદ શેરબજારે જે ઉછાળો માર્યો તેને કારણે રોકાણકારોની ધોવાયેલી મૂડીના 59 ટકા એક જ દિવસમાં વધી ગયા.

હવે શેરબજાર આ ઉછાળો કઈ રીતે પચાવે છે અને બાકી રહેતા 41 ટકા કઈ રીતે પાછા વાળે છે તે જોવાનું રહેશે.

જો આમ થવાનું હોય તો શેરબજારે 39,513.38ની સપાટી તોડીને 40,000ની સપાટીને આંબવું પડશે. આ અશક્ય નથી.
 

 
ઘટાડાનો ઉદ્યોગો કેવી રીતે લાભ લેશે?

સરકારે જે પૅકેજ જાહેર કર્યું છે તેના થકી રોકાણકારોનો લાંબાગાળાનો વિશ્વાસ સ્થિર થાય અને નફાનું માર્જિન વધે તો આ શક્ય બને. એટલે અર્થવ્યવસ્થા પૂરેપૂરી રિપેર થાય તે માટે શૅરબજારના માપદંડથી આપણે હજુ માંડ અડધા રસ્તે આવ્યા છીએ.

અત્યારે સવાલ માંગને પ્રોત્સાહિત કરવાનો છે. આ પૅકેજે સેન્ટિમેન્ટ એટલે કે આશાવાદને પ્રોત્સાહિત કર્યો છે. માંગ તોજ થાય જો બજારમાં લિક્વિડિટી એટલે કે તરલતા વધે.

સરકાર દ્વારા અપાયેલી રાહત નાની નથી. ખાસ્સી 1 લાખ 45 હજાર કરોડ રૂપિયાનો બોજ આજની સ્થિતિમાં છે. જ્યારે સરકાર આવકનાં સાધનો વધારવા માટે અનેક મોરચે ઝઝૂમી રહી છે.

ત્યારે એની તિજોરી પર પડેલો વધારાનો બોજ ફિસ્કલ ડેફિસિટ વધારવાથી માંડી કરવેરાની આવક ઘટાડવા સુધીનાં પરિણામો ઊભાં કરશે.

કૉર્પોરેટ સૅક્ટરને જે વધારાનો નફો પોતાની પાસે રાખવા મળવાનો તેનો ઉપયોગ કરવાના તેમની પાસે એક કરતાં વધુ રસ્તા છે.

પહેલો રસ્તો છે, વર્કિંગ કૅપિટલ એટલે કે ચાલુ મૂડી તરીકે આ વધારાનાં નાણાં વાપરવાં.

બીજો રસ્તો છે, રિઝર્વ પેટે આ નાણાં જમા લઈ કંપનીની સદ્ધરતા વધારવી.

ત્રીજો રસ્તો છે દેવાની ચૂકવણી કરી વ્યાજનું ભારણ ઘટાડી નફાકારકતા વધારવી અને ચોથો રસ્તો છે પોતાના શેરધારકોને ડિવિડન્ડ આપવું.

આમ આ 1 લાખ 45 હજાર કરોડનો નફો જ્યારે થાય અને તેમના હાથમાં આવે ત્યારે બધો જ બજારમાં ફરતા નાણાંના જથ્થાને વધારવામાં વપરાતો નથી. એટલે માંગમાં પણ સેન્સેક્સની માફક નાટકીય વધારો થશે એવી કોઈ શક્યતા નથી.




 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર