કોરોના વાઇરસ : ગુજરાતમાં મૃત્યુદર મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ કરતાં પણ વધારે

સોમવાર, 30 માર્ચ 2020 (15:36 IST)
કોરોના વાઇરસનું સંક્રમણ વિશ્વના 177 દેશમાં પ્રસરી ચૂક્યું છે. 30,800 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 6,69,000ને પાર પહોંચી ગઈ છે. વિશ્વમાં આ સ્થિતિ છે ત્યારે રવિવાર, 29 માર્ચે બપોર સુધી પ્રાપ્ત આંકડા અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
 
જોકે ગુજરાત કરતાં વધારે પૉઝિટિવ કેસો ધરાવતાં મોટાભાગનાં રાજ્યોમાં ગુજરાતની તુલનામાં મૃતકાંક ઓછો નોંધાયો છે.  આ ઉપરાંત ગુજરાતમાં પૉઝિટિવ કેસોની તુલનામાં થઈ રહેલાં મૃત્યુનો દર પણ ઊંચો છે. 
 
રાજ્ય પ્રમાણે મૃત્યુ દર
(29 માર્ચ બપોર સુધીના આંકડા મુજબ)




 

 
 
ઉપરના આંકડાઓના આધારે સૌથી વધારે મૃત્યુના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જોકે પૉઝિટિવ કેસોની તુલનામાં મૃત્યુદર તપાસીએ તો સૌથી ઊંચો દર હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. ટકાવારીની દૃષ્ટિએ આ યાદીમાં ત્રીજા ક્રમે ગુજરાત છે, એટલે કે ઊંચો મૃત્યુદર ધરાવતાં ભારતનાં રાજ્યોની યાદીમાં હિમાચલ પ્રદેશ અને બિહાર બાદ ગુજરાત ત્રીજા ક્રમે છે.
 
મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સાથે તુલના
 
ગુજરાતની સ્થિતિની એ રાજ્યો સાથે તુલના કરીએ જ્યાં ગુજરાતની તુલનામાં વધારે પૉઝિટિવ કેસ નોંધાયા છે.
 
ગુજરાતમાં અત્યાર સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે 58 પૉઝિટિવ કેસ નોંધાયા છે.
 
જ્યારે મહારાષ્ટ્રમાં 193, કેરળમાં 182, કર્ણાટકમાં 81, ઉત્તર પ્રદેશમાં 69 અને તેલંગણામાં 67 પૉઝિટિવ કેસ નોંધાયા છે.
 
ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકો પૈકી પાંચનાં મૃત્યુ થયાં છે.
 
જ્યારે મહારાષ્ટ્રમાં સાત, કેરળમાં એક, કર્ણાટકમાં ત્રણ, તેલંગણામાં એક મૃત્યુ થયાં છે.
 
જ્યારે ઉત્તર પ્રદેશમાં મૃત્યુનો એક પણ કિસ્સો અહેવાલ લખાઈ રહ્યો છે, ત્યાર સુધીમાં નોંધાયો નથી.
 
જોકે મૃત્યુદરની દૃષ્ટિએ તુલના કરીએ તો આ તમામ રાજ્યો કરતાં ગુજરાતમાં મૃત્યુદર ઊંચો છે.
 
મહારાષ્ટ્રમાં મૃત્યુદર 3.63 ટકા છે, જ્યારે કેરળમાં 0.55 ટકા, કર્ણાટકમાં 3.70 ટકા અને તેલંગણામાં 1.49 ટકા છે.
 
જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 8.62 ટકા છે.
આ મામલે બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાની સાથે વાત કરી હતી.
 
તેમણે કહ્યું, "કોરોના સંક્રમિત જે લોકોના ગુજરાતમાં મૃત્યુ થયાં છે, એ પૈકી મોટાભાગના મોટી ઉંમરના હતા."
 
"આ ઉપરાંત મૃત્યુ પામનારાઓ ડાયાબિટીસ, બ્લડ-પ્રૅશર કે પછી કૅન્સરથી અગાઉથી જ પીડાતા હતા."
 
તેમણે એવું પણ કહ્યું કે "સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં ત્રણ કેસ રિકવરીના પણ નોંધાયા છે. જેની પર પણ ધ્યાન આપવાની જરૂર છે."
 
આ ઉપરાંત ગુજરાતના ફૂડ ઍન્ડ ડ્રગ કમિશનર ડૉ. એસ. જી. કોસિયાએે કહ્યું હતું, "કોરોનાના જે પૉઝિટિવ કેસો આવી રહ્યા છે, તેઓ જલદી રિકવર થાય એ માટે પ્રયાસો કરી રહ્યા છીએ."
 
"એ માટે અમે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા દવાના જે કૉમ્બિનેશનને માન્યતા આપવામાં આવી છે, એ અમે દર્દીઓને આપી રહ્યા છે. જેનો પહેલો પ્રયોગ ગુજરાતમાં કરાયો છે."
 
તેમણે એવું પણ જણાવ્યું હતું, "ફ્રાંસમાં વધતાં મૃત્યુદરને કાબૂમાં લેવા માટે આ જ કૉમ્બિનેશનનો ઉપયોગ થયો છે."
 
વિશ્વ આરોગ્ય સંગઠને શરૂઆતમાં કહ્યું હતું કે કોરોના વાઇરસના કારણે થતાં મૃત્યુનો દર માંડ એકથી બે ટકા જેટલો છે.
 
જોકે આરોગ્ય સંગઠને એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી સંક્રમિત લોકોની સંખ્યા વિશે ખ્યાલ ન આવે ત્યાં સધી ચોક્કસ દર કહેવો મુશ્કેલ છે.
 
જોકે અનેક દેશોમાં મૃત્યુદર આના કરતાં વધારે નોંધાયો છે.
 
અત્યાર સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે ભારતમાં મૃત્યુદર 2.68 ટકા છે.
 
વિવિધ દેશોના અહેવાલો પ્રમાણે કોરોના સંક્રમણથી મૃત્યુદર ચીનમાં 4 ટકા, ઇટાલીમાં 10 ટકા, સ્પેનમાં 7.4 ટકા, ફ્રાંસમાં 5.3 ટકા, યુકેમાં 4.9 ટકા અને જર્મનીમાં 0.6 ટકા જેટલો છે.
 
અલગ-અલગ દેશોમાં મૃત્યુદરનું પ્રમાણ અલગ-અલગ કેમ છે? આ પ્રશ્નનો જવાબ ઇમ્પિરિયલ કૉલેજ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં મળે છે.
 
બીબીસીના હેડ ઑફ સ્ટૅટિસ્ટિક્સ રૉબર્ટ કફ તેમના અહેવાલમાં ઇમ્પિરિયલ કૉલેજના સંશોધનને ટાંકીને લખે છે કે "અલગ-અલગ દેશોમાં નિદાન માટે અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવે છે."
 
"અલગ-અલગ દેશોમાં ટેસ્ટ કરી શકવાની ક્ષમતા પણ જુદી હોવાથી ફરક જોવા મળે છે."
 
"આ ઉપરાંત અલગ-અલગ દેશોમાં સારવાર કરવાની પદ્ધતિ પણ જુદી છે. જેના કારણે મૃત્યુદરમાં ફેરફાર જોવા મળે છે."
 
ઉલ્લેખનીય છે કે ભારતનાં જુદાં-જુદાં રાજ્યોમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય સુવિધાઓ, વૅન્ટિલેટરની સંખ્યા અને ટેસ્ટ કરી શકવાની ક્ષમતા અંગે પણ આ બાબતો લાગુ પડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર