કોરોના વૅક્સિન : ગુજરાતમાં રસીકરણની આડે છે આ પાંચ પડકારો

શુક્રવાર, 1 જાન્યુઆરી 2021 (13:48 IST)
ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોમાં કોરોના સંક્રમણને અટકાવવા વૅક્સિનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ અને આસામ એમ ચાર રાજ્યોમાં ડ્રાય રન પણ કરવામાં આવ્યું હતું અને હવે આખા દેશમાં ડ્રાય રન કરવાની જાહેરાત થઈ છે.
 
લૉજિસ્ટિક્સ અને વૅક્સિનેશનની પ્રક્રિયા દરમિયાન પડતી વિશેષ જરૂરિયાતો માટે આ ડ્રાય રન કરવામાં આવ્યું હતું.
 
જો કે સરકારી અધિકારીઓ, ડૉક્ટરો અને બીજા મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે વૅક્સિનેશન સારી રીતે થઈ શકે તે માટે સરકાર જ નહીં પરંતુ લોકો સામે પણ ઘણા પડકારો છે.
 
આ પડકારો વિશે બીબીસી ગુજરાતીએ કેટલાંક નિષ્ણાતો સાથે વાત કરી, જેમાં મુખ્ય પાંચ પડકારો સામે આવે છે.
 
બીબીસી ગુજરાતીએ ગુજરાતના હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરે સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમને મોકલેલા મેસેજનો પણ આ લખાય છે, ત્યાં સુધી જવાબ મળ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રી નીતિનભાઈ પટેલનો પણ સંપર્ક થઈ શક્યો ન હતો.
 
શું છે વૅક્સિનની સ્થિતિ?
 
હાલમાં દેશમાં સ્વદેશી બનાવટની ત્રણ વૅક્સિન તૈયાર થઈ રહી છે, અને દેશવાસીઓને મળી શકે છે. ગુજરાતમાં પણ આ ત્રણમાંથી જ કોઈ એક વૅક્સિન લોકોને મળે તેવી શક્યતાઓ છે.
 
આ ત્રણ વૅક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, ભારત બાયોટેક, અને ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિક્સાવવામાં આવી રહી છે. જો કે વિદેશમાં લગભગ 7 વૅક્સિન બની ચૂકી છે.
 
ભારત જેવા ગરમ પ્રદેશમાં આ વૅક્સિનને નિશ્ચિત તાપમાનમાં રાખવી મુશ્કેલ હોવાથી ફાઇઝર, કે ઑક્સફર્ડની વૅક્સિન અહીં આવી શકશે નહીં. ફાઇઝરની વૅક્સિનને -70 ડિગ્રી તાપમાનમાં જ રાખવાની હોય છે અને ભારતમાં આટલા નીચા તાપમાનમાં વૅક્સિન રાખવી મુશ્કેલ છે.
 
એ ખતરનાક લોન જેને ભરવામાં લોકો જિંદગી ગુમાવી રહ્યા છે
 
પડકાર 1 - કોલ્ડ સ્ટોરેજ
 
ભારતમાં વિકસી રહેલી વૅક્સિનને આશરે 2થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવી પડશે. આ તાપમાનમાં વેક્સિનને રાખવા માટે અલગ અને નવા સંસાધનોની જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાત એક કે બે જિલ્લાઓમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યનાં દરેક જિલ્લા કે મુખ્ય મથકોમાં રહેશે.
 
જો આ વૅક્સિનને એક ચોક્કસ તાપમાન પર ન રખાય તો તેની અસરકારતા ઓછી થઈ શકે છે અથવા તો તેની આડઅસર પણ થઈ શકે છે. એટલા માટે સરકાર એ બાબત પર સૌથી વધારે ધ્યાન આપી રહી છે કે વૅક્સિનને કેવી રીતે અને ક્યાં સાચવાશે.
 
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જયનારાયણભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, "વૅક્સિનેશનની પ્રક્રિયા માટે લૉજિસ્ટિક્સ પર સારી રીતે કામ કરવું જ પડશે, કારણ કે વિશ્વમાં સૌથી વધુ લોકોને રસી આપવાની પ્રક્રિયા હાથ ધરાશે તો તે માત્ર ભારતમાં."
 
પડકાર 2 - વૅક્સિનનું પરિવહન
 
વૅક્સિન એક વખત હવાઈ માર્ગે કે બીજા કોઈ પણ માર્ગે જ્યારે અમદાવાદ કે રાજકોટ જેવા મોટા શહેરના ઍરપોર્ટ પર કે કોઈ સેન્ટર સુધી પહોંચી જાય પછી તેને રાજ્યના નાના-નાના સેન્ટર સુધી, જ્યાં સરકારે વૅક્સિનને સાચવવાની તૈયારીઓ કરી હોય, તેવા સ્થળે કેવી રીતે પહોંચશે એ પણ અગત્યની બાબત બની રહે છે.
 
વૅક્સિનને જે તે કેન્દ્ર સુધી પહોંચાડવા માટેનુ જે વાહન હશે તેમાં તાપમાન એક સરખું રહેવું જરૂરી છે.
 
જ્યારે મા મરી ગઈ અને ભાઈ-બહેને દસ વર્ષ પોતાને એક રૂમમાં કેદ કરી લીધાં
 
પડકાર 3- વૅક્સિનની અસરકારકતા
 
જયનારાયણભાઈ વધુમાં જણાવે છે કે, "આજ સુધી સૌથી ઓછા સમયમાં તૈયાર થયેલી કોઈ વૅક્સિન હોય તો તે કોરોના વાઇરસની વૅક્સિન છે. આ પહેલાં MUMPS કે જેને આપણે ગાલપચોળિયું કહીએ છીએ તેની વૅક્સિન સૌથી ઓછા સમયમાં તૈયાર થઈ હતી."
 
કોરોના વાઇરસની વૅક્સિન એક વર્ષથી પણ ઓછા સમયગાળામાં તૈયાર થઈ હોવાથી અનેક નિષ્ણાત ડૉક્ટરો તેની અસરકારતા પર સંપૂર્ણ વિશ્વાસ નથી મૂકી રહ્યાં.
 
આ વિશે પ્રસિદ્ધ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે સૌથી ઓછા સમયમાં તૈયાર થઈ હોવાથી આ વૅક્સિન કેટલી અસરકારક રહેશે તે જોવાનું રહેશે અને આ જ સૌથી મોટો પડકાર છે.
 
પડકાર 4- વૅક્સિનેટર
 
એમ તો સરકારના સ્વાસ્થ્ય વિભાગે વૅક્સિન આપનાર નિષ્ણાત એટલે કે વૅક્સિનેટરને તાલીમ આપવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ એ માટે એક ચોક્કસ પ્રકારની લાયકાત અને સમજણ જોઈએ.
 
આ વિષે આરોગ્ય નિષ્ણાત અને સરકાર રચિત પેનલના સભ્ય ડૉ. તુષાર પટેલ કહે છે કે, "સરકારે એ પહેલેથી જ વિચારીને રાખ્યુ છે કે વૅક્સિનેટર કેવી રીતે કામ કરશે, તેમને કેવી ટ્રેનિંગ અપાશે, ઇમર્જનસી વખતે શું કરવાનું રહેશે વગેરે."
 
વૅક્સિનેટરની નિમણુક, યોગ્ય તાલીમ, યોગ્ય સ્થળે પોસ્ટિંગ અને યોગ્ય પેરા મેડિકલ સ્ટાફની નિમણૂક કરવી તે સરકાર સામે મોટો પડકાર છે.
 
કોરોનાની રસી બનાવીને દવાકંપનીઓ બમ્પર નફો રળી લેવાની ફિરાકમાં છે?
 
પડકાર 5 - કમ્યુનિકેશન
 
સરકારી અધિકારીઓનું કહેવું છે કે વૅક્સિન આપવાની હોય તેવા લોકોને એક SMS દ્વારા જાણ કરવામાં આવશે અને તેમને આપવામાં આવેલા સમયે પ્રમાણે નજીકના વૅક્સિનેશન સેન્ટર પર પહોંચીને વૅક્સિનનો ડોઝ લેવાનો રહેશે.
 
ડ્રાય રનમાં સામેલ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલનાં એડિશનલ મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડૉ. દિનકર ગોસ્વામીએ કહ્યું, "જે લોકોને મેસેજ મળી ગયો હોય છતાં પણ તેઓ ન આવવાના હોય તો તે જાણવાની અમારી પાસે કોઈ સિસ્ટમ નથી. એટલે કે જેટલા લોકો ગેરહાજર હોય, એટલા લોકોને ઓછી વૅક્સિન મળશે. આટલી મોટી માત્રામાં લોકો સુધી મૅસેજ પહોંચાડવું તો કદાચ સહેલું રહેશે, પરંતુ જો તેઓ ગેરહાજર રહે તો તેવી પરિસ્થિતિમાં શું કરવાનું રહેશે તે પણ એક પડકાર છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર