ગુજરાતમાં કોરોના : હાઈકોર્ટની ટકોર છતાં હૉસ્પિટલો 108માં ન આવનાર દર્દીઓને દાખલ નથી કરતી?

મંગળવાર, 27 એપ્રિલ 2021 (16:29 IST)
કોરોના છે? કે બધાં સંભવિત લક્ષણો છે? અને તાત્કાલિક સારવારની જરૂર હોય એવું લાગે છે?
 
ગુજરાતમાં આ ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓ કોઈ વ્યક્તિને હૉસ્પિટલમાં સારવાર મેળવવા માટે લાયક બનાવતી નથી.
 
જો કોઈ દર્દી ગુજરાતમાં કોરોનાની સારવાર લેવા માગતી હોય તો ફરજિયાત 108 ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલે આવવાની ફરજ પાડવામાં આવે છે. આવી વ્યાપક ફરિયાદો ગુજરાતમાં પાછલા ઘણા દિવસોમાં જોવા મળી છે.
 
આ અંગે હાઈકોર્ટે પણ ટકોર કરી હોવા છતાં હજુ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી.
 
ધ સ્ક્રોલ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર એક અમદાવાદની એક સરકારી કોવિડ હૉસ્પિટલના અધિકારીએ તેમને જણાવ્યું હતું કે આ નિયમ મુખ્ય હૉસ્પિટલમાં નથી અનુસરાઈ રહ્યો પરંતુ AMCના ક્વૉટાવાળી પથારીઓ માટે જ આ નિયમ લાગુ પાડવામાં આવે છે, જોકે હાલ અમારી પાસે બંનેમાંથી કોઈ પણ બેડ ખાલી નથી.
 
 સિવાય અન્ય એક જુનિયર અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયામાં સંકલન સારી રીતે થઈ શકે તે હેતુથી આ નિયમ ઘડ્યો છે. તે બદલાવાનો પણ છે. પરંત હજુ સુધી તો આ નિયમ લાગુ છે.
 
નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં DRDO ધનવતંરી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું.
 
જેમાં અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે 900 પથારીની વ્યવસ્થા કરાઈ છે પરંતુ ત્યાં પણ હાલ 108 સિવાય ખાનગી વાહનોમાં આવેલા લોકોને દાખલ કરાતા નથી. જે કારણે કથિતપણે હૉસ્પિટલની સામે જ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
નોંધનીય છે કે તાજેતરમાં જ અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં કોરોનાનાં હળવાં લક્ષણો દેખાયાં બાદ દાખલ થનાર નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને તાત્કાલિક બેડ મળવા અંગે અને 108નો પ્રોટોકોલ ન અનુસરવો પડ્યો હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા પર ઊઠી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર