તિબેટીયનોની લાગણી વ્યક્ત કરવા અનોખો અભિગમ

P.R
વ્યક્તિના હ્રદયને સ્પર્શવા માટે સંગીત સૌથી સરળ અને નક્કર માધ્યમ છે. સંગીતની મધુર ધૂન સાંભળતા જ કઠણ કાળજાનો માનવી પણ અત્યંત સૌમ્ય બની જાય છે. પ્રભુની પ્રાર્થનાથી માંડીને રાષ્ટ્રગીત સુધીના તમામ ગીતોની ધૂન સાંભળતા જ વ્યક્તિના મનમાં વિવિધ પ્રકારના ભાવ ઉતપન્ન થાય છે.

હાલના સમયમાં તિબેટના સળગતા પ્રશ્ને વિશ્વભરના લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. કોઈ આંદોલનના માધ્યમથી, તો કોઈ દેખાવોના સ્વરૂપે પોતાની વાત વિશ્વ સમક્ષ રજુ કરી રહ્યુ છે. તેવા સમયે વડોદરાના કલાકારે પોતાના તિબેટીયન મિત્રો માટે સહાનુભૂતિ વ્યક્ત કરતાં એક મધૂર અને હ્રદયસ્પર્શી ગીતની રચના કરી છે. સંગીતની પ્રચંડ શક્તિથી જગતભરના લોકોના અંતરમન સુધી તિબેટીયન મીત્રોની ભાવના પહોંચાડવા માટે તેણે આ ગીત બનાવ્યુ છે.

ગુજરાતના વડોદરા શહેરમાં આવેલી નૂતનભારત સોસાયટીમાં રહેતો મેગ્નસ રોબર્ટસ નામનો યુવાન એક અનોખો ગીતકાર તથા સંગીતકાર છે. સંગીતમાં રૂચી ધરાવતાં યુવાનોને તેના વિષે વિસ્તૃત જ્ઞાન આપીને તેઓને ઉમદા કલાકાર બનાવવાનો પ્રયાસ કરી રહેલા મેગ્નસે તિબેટના પ્રશ્ને એક અનોખુ ગીત બનાવ્યુ છે.
P.R

આ ગીત તેણે એક જાણીતી વેબસાઈટ 'ટેમ્પો સ્ટેન્ડ' ઉપર રજુ કર્યુ છે. વેબસાઈટના દેશ અને દુનિયા દર્શકો દ્વારા આ ગીતને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. ખાસ કરીને તિબેટીયનો દ્વારા આ ગીત ઉપર અનેક પ્રતિભાવો આપવામાં આવ્યા છે. જેના ફળસ્વરૂપે દર્શકોની ચાહના પામેલુ આ ગીત વેબસાઈટના પ્રથમ શ્રેણીમાં સ્થાન પામી ચુક્યુ છે. મેગ્નસ પોતાના ગીતની સફળતા પાછળ ભૂતકાળના તિબેટીયન મિત્રોની લાગણી કારણભૂત હોવાનુ માની રહ્યો છે.

સંગીતકાર મેગ્નસ રોબર્ટસે 'વેબદુનિયા' સાથેની ખાસ વાતચીતમાં પોતાનો ભૂતકાળ વાગોળતા જણાવ્યુ હતુ કે, કોલેજકાળમાં અનેક તિબેટીયનો તેના અંગત મિત્રો હતા. તેઓ પોતાના દેશ વિષે તેની સાથે ચર્ચા કરતાં હતા અને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં હતા. તેઓ તિબેટ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા અને તેમની લાગણીઓ તેમના ચહેરા ઉપર સાફ નજર આવતી હતી.
P.R

અંતે તેણે મિત્રોની વ્યથાને પંક્તિઓના માધ્યમથી વ્યક્ત કરવાનો નિર્ણય લીધો અને તે સમયે તેણે એક ગીતની રચના કરી હતી. આ ગીત એક તિબેટીયન બાળકની મહેચ્છા પર આધારિત હતુ. આજે જ્યારે વિશ્વભરમાં તિબેટ પ્રશ્ન ઉપર ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તેણે પોતાના મિત્રો માટે તે સમયે લખેલા ગીતને સૂર અને સંગીત આપ્યા છે અને તેને જાણીતી વેબસાઈટ ઉપર મુકીને તિબેટીયન મિત્રો માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના અહેવાલો વાંચવા માટે અહીં ક્લિક કરો...