મુંબઈ જવા નિકળેલા યુવકે આખી રાત સાબરમતિ નદીના પિલ્લર પર કાઢી

સોમવાર, 20 જાન્યુઆરી 2020 (11:34 IST)
અમદાવાદ શહેરના સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં નાનાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી નદીમાં પડેલા 18 વર્ષના યુવકે ઠંડીમાં આખી રાત સાબરમતી નદીની વચ્ચે પિલ્લર પર વિતાવી હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે નદીમાં વચ્ચે યુવકને જોતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે તાત્કાલિક નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ મુંબઈનો રહેવાસી અને હાલમાં સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં નાના ના ઘરે આવેલો 18 વર્ષનો અર્જુન આદિ નામનો યુવક ગઈકાલે રાતે 10 વાગ્યે ડી-કેબિનથી મુંબઈ જવા નીકળ્યો હતો. ચાલતો ચાલતો કાલુપુર રેલવે સ્ટેશન જતો હતો. મોડી રાતે 12.30ની આસપાસ કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ચાલતો જતો હતો, ત્યારે બાજુમાંથી ટ્રેન નીકળી હતી. ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી જતાં પગ લપસી ગયો હતો અને સાબરમતી નદીમાં પડ્યો હતો. નદીમાં પડતા જ તેણે જીવ બચાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. ધીરે ધીરે તે બ્રિજના પિલ્લર સુધી પહોંચી ગયો હતો. બ્રિજના પિલ્લર પર ચડી જઈ તેણે પોતાનો જીવ બચાવી લીધો હતો. વહેલી સવારે 6.46 વાગ્યે થોડુ અજવાળું થતાં રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે પિલલર પર યુવકને જોતાં બ્રિજ ઉપર જઇ તેને પૂછ્યું હતું. પોતે બ્રિજ પરથી પડી ગયો હોવાનું કહેતા સિક્યુરિટી ગાર્ડે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટના રમેશસિંહ રાજપુત અને ભરત મંગેલા તાત્કાલિક નદીમાં વચ્ચે પહોંચી યુવકને સહી સલામત બહાર લાવ્યા હતા અને રિવરફ્રન્ટ પોલીસને સોંપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર