અમદાવાદના 228 ડૉક્ટરોને તેમના ક્લિનિક ચાલુ કરવા નોટિસો ફટકારાઈ

શુક્રવાર, 8 મે 2020 (14:52 IST)
અમદાવાદના તમામે તમામ ડૉક્ટરોને તેમના ક્લિનિક, નર્સિંગ હૉમ, હૉસ્પિટલો, દવાખાના 48 કલાકમાં કાર્યરત કરી દેવા ગઈકાલે કડક સૂચના જારી કરવામાં આવી છે. આમ નહીં કરાય તો હૉસ્પિટલનું લાયસન્સ રદ કરી દેવાની સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપવામાં આવી છે. આ સંદર્ભમાં મ્યુનિ. હેલ્થ ખાતાએ શહેરના જુદા જુદા વિસ્તારોના 228 જેટલાં ડૉક્ટરોને તેમના ક્લિનિક દિવસ-1માં ચાલુ કરી દેવા નોટિસો ફટકારી છે. માત્ર દક્ષિણ ઝોનમાં જ 56 નોટિસો અપાઈ છે.
આ નોટિસમાં કહેવાયું છે કે, તમે તમારા દવાખાના ચાલુ કરી દો નહીં તો તમારું લાયસન્સ મ્યુનિ. દ્વારા રદ કરવામાં આવશે. ઉપરાંત જે તબીબો ખાનગી હોસ્પિટલો અને તેમના ક્લિનિક ચાલુ કરવા માંગતા નહી હોય તેઓએ કોવિડ કેર સેન્ટરોમાં કામગીરી બજાવવાની રહેશે અથવા એસીમ્ટોમેટીક દર્દીઓના ઘરે હોય તેમને સારવાર આપવાની જવાબદારી સ્વીકારવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હૉસ્પિટલો બંધ રાખવાની સૂચના પણ મ્યુનિ. અને સરકારે જ આપી હતી. પરંતુ હવે આ સ્થિતિ કેટલી લંબાવાની છે તેનો જવાબ કોઈની ય પાસે નથી અને કોરોના સિવાયની નાની મોટી શારીરિક તકલીફ થાય તો દર્દી સારવાર માટે જાય ક્યાં ? તે પ્રશ્ને ઉહાપોહ શરૂ થતા નિર્ણય બદલાયાનું જણાય છે.
બીજી તરફ ડૉક્ટરનું કહેવું છે કે, કોઈ શરદી- ખાંસીના દર્દી આવે અને તેમને પછી કોરોના પોઝિટિવ હોવાનું જણાય તો અને ડૉક્ટરને પણ ચેપ લાગે તો શું ? ડૉક્ટરના નર્સ, વોર્ડબોય, ઓપરેટર વગેરે સપોર્ટિંગ સ્ટાફ લૉકડાઉનમાં કઈ રીતે આવશે ? વગેરે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, ક્લિનિક અને નાના ફેમીલી ડૉક્ટરોના દવાખાના ચાલુ થઈ જાય તેનાથી દર્દીઓને રોજબરોજના હેલ્થના પ્રશ્નોમાં ચોક્કસ રાહત થશે એ બાબત પણ તેઓ કબૂલે છે.
બીજી તરફ અમદાવાદ હૉસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હૉમ્સ એસો.એ તેમના સ્ટાફને આપવાની સુવિધા સચવાય તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે. મ્યુનિ. અને ડૉક્ટરો વચ્ચે સંકલન સચવાય તે હેતુથી નોડલ ઓફિસર નીમવાની પણ રજૂઆત કરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર