રથયાત્રામાં ઈઝરાયેલના હિલીયમ બલૂન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરાશે

શનિવાર, 7 જુલાઈ 2018 (17:42 IST)
અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા ૧૪મી જુલાઈના રોજ શહેરમાં નિકળનાર છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણ સજ્જ છે. આ માટે હાથ ધરાયેલી વ્યવસ્થાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ગાયકવાડ હવેલી સ્થિત ક્રાઇમ બ્રાંચ કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. 

આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, રથયાત્રા એ રાજ્ય ઉપરાંત સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વિશેષ કાળજી લીધી છે. જગન્નાથ મંદિર ઉપરાંત શહેરમાં અન્ય છ રથયાત્રાઓ પણ નિકળે છે તે પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. 

મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રથયાત્રાનો રૂટ ૨૬ ભાગમાં સુરક્ષાના હેતુસર વહેંચવામાં આવ્યો છે. રથયાત્રામાં સુરક્ષા અને સલામતી માટે ૨૬ પેરામીલિટરી ફોર્સ અને ૧ એનએસજી કમાંડોની ટૂકડી પણ તહેનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ વર્ષે રથયાત્રાના બંદોબસ્ત માટે કેન્દ્ર સરકારની ઇન્ડો તિબેટ પોલીસ ફોર્સ પણ બંદોબસ્ત માટે જોડાશે. આ રથયાત્રામાં ૩ રથ, ૧૮ હાથી, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીયો, બેન્ડ તથા ૭ મોટર કાર જોડાનાર છે. 


રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજન મંડળી માટે મુવિંગ બંદોબસ્ત રખાયો છે, જેનું સુપરવિઝન ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશ્નર કરશે. ૧ ખાસ પોલીસ કમિશ્નર, ૬ નાયબ પોલીસ કમિશ્નર, ૨૫ મદદનીશ પોલીસ કમિશ્નર, ૩૬ પોલીસ ઇન્સ્પેક્ટર, ૨૦૩ પોલીસ સબ ઈન્સપેક્ટર સહિત કુલ ૨,૦૧૭ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે. 

રેન્જ-૪ થી રેન્જ-૫ માટે સ્ટેટિક બંદોબસ્ત રહેશે. આ દરેક રેન્જના ઇન્ચાર્જ અધિકારી તરીકે એસપી કક્ષાના અધિકારી રહેશે. આ બંદોબસ્તમાં ૪ સંયુક્ત પોલીસ કમિશ્નર, ૩૬ નાયબ પોલીસ કમિશ્નર, ૭૬ મદદનીશ પોલીસ કમિશ્નર, ૨૦૯ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫૭૦૦ જેટલા હોમગાર્ડ જવાનો મળી કુલ ૨૫,૦૦૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ શહેરમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરા ઉપરાંત કુલ ૧૬૭ સ્થળોએ ૨૫૯ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ કરાશે

સમગ્ર રૂટ પર સફાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાશે. રથયાત્રા માટે કોર્પોરેશન દ્વારા એક કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરાશે.

ઈઝરાયેલ હિલીયમ બલૂન ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટનું હવાઈ એરિયલ સર્વેલન્સ કરાશે. આ ડ્રોનમાં હાઈડેન્સીટી સાથેના કેમેરા લગાવેલા છે. આ કેમેરા દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઓળખી લઈ તેને કાઉન્ટર કરી શકાશે. આ કેમેરા ઈન્ટીગ્રેટેડ સી.સી.ટી.વી. સાથે જોડાયેલા હોવાથી જે-તે સ્થળનું સંપૂર્ણ સર્વેલન્સ કરી શકાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.

બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રીએ શહેરના અતિ સંવેદનશીલ એવા પ્રેમ દરવાજાથી લીમડા ચોક થઈ તંબુ ચોકી સુધી ફુટ પેટ્રોલીંગ કર્યું હતું અને રથયાત્રાનાં સમગ્ર રૂટનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મંત્રી સાથે ફુટ પેટ્રોલીંગમાં અમદાવાદના મેયર મતી બિજલબેન પટેલ, રાજ્યનાં પોલીસ મહાનિદેશક  શિવાનંદ ઝા, ગૃહ વિભાગના વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર, અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સીંગ વગેરે પણ જોડાયા હતા. તંબુ ચોકી ખાતે બન્ને સમુદાયનાં આગેવાનો તથા અન્ય સામાજીક-રાજકીય આગેવાનોએ પણ મંત્રીની રૂબરૂ મુલાકાત કરીને રથયાત્રાને સંપૂર્ણ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. 

મંત્રીએ શાહપુર દરવાજા તથા રથયાત્રાના રૂટમાં આવતા મેટ્રો રૂટનું નિરીક્ષણ કરી મેટ્રો રૂટના સ્થળ પરથી રથયાત્રા સરળતાથી નીકળે અને ભાવિક ભક્તોને અડચણરૂપ ન બને તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા માટે પ્રત્યક્ષ મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સાનુકૂળતા કરવા માટે સૂચનાઓ આપી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર