કોઇ કાર્યમાં અસફળતા જ મળતી હોય તો દાડમનાં વૃક્ષ નીચે બેસીને અનુષ્ઠાન કરવું જોઇએ

બુધવાર, 12 નવેમ્બર 2014 (15:57 IST)
એસ.જી.વી.પી.ગુરુકુળ, છારોડી ખાતે વિશ્વશાંતિ અને ભગવદ્ પ્રસન્નાર્થે આમળાના વનમાં શાસ્ત્રોનું અનુષ્ઠાન શરૂ થયું છે અને સંહિતાના પાઠ પણ થઇ રહ્યાં છે. ૧૫ નવેમ્બર સુધી આ અનુષ્ઠાન ચાલશે. ઉલ્લેખનીય છે કે ઇષ્ટ સિદ્ધિઓ માટે જુદા-જુદા વૃક્ષ નીચે બેસીને અનુષ્ઠાન કરવાનો ઉલ્લેખ જોવા મળે છે. જેમકે, કાર્યમાં વારંવાર અસફળતા મળતી હોય તો દાડમનાં વૃક્ષ નીચે બેસીને અનુષ્ઠાન કરવું જોઇએ.

આ અંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ વનમાં બેસીને તપાનુષ્ઠાન કરતાં હતાં. તેનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે મન-ચિત્ત શુદ્ધ અને સંકલ્પશક્તિથી શક્તિશાળી બને. જો મન શુદ્ધ હશે તો વ્યક્તિના મનની શક્તિ તો વધે છે સાથે જ ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા થાય છે. ભારતીય પરંપરામાં જપ-તપ અને અનુષ્ઠાન માત્ર ભૌતિક પ્રગતિ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક પ્રગતિ માટે પણ થતાં અને થાય છે. સાથે જ તેનાથી સામાજિક સમરસતા અને વાતાવરણ આનંદપૂર્ણ બને છે.

તેમણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે વેદ, વ્યાસસૂત્ર, શ્રીવિષ્ણુસહસ્રનામ સ્તોત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, શ્રીવાસુદેવ માહાત્મ્ય, વિદૂર નીતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ-નો સમાવેશ થાય છે. સાથે જ વચનામૃત, શિક્ષાપત્રી, જનમંગલ, સર્વમંગલ પુરશ્ચરણ કરવા. આ બધા જ પૂજન કે અનુષ્ઠાન ઇન્દ્રિયોને વશ રાખીને કરવામાં આવે તો મનોવાંછીત ફળ મળે છે.

જુદા-જુદા વૃક્ષો અને તેની નીચે બેસીને શું તપ કરી શકાય તેની મહત્તા સમજાવતા જૈન સાધુ, પંન્યાસ પૂજ્ય ઇન્દ્રજિતવિજયજી મ.સા.એ જણાવ્યું કે વૃક્ષની નીચે બેસીને જપ-તપ કરવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે અને આંતરિક ઊર્જા અને ચૈતન્યમાં પણ વૃદ્ધિ થતી જોવા મળતી હોય છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. આજે તો જલદી ઉગી જાય તેવા વૃક્ષોનો ઉછેર થઇ રહ્યો છે. વૃક્ષોને ઉગાડવા માટે તેની એક નિશ્ચિત પદ્ધતિ હોય છે.

દાડમનાં વૃક્ષ નીચે બેસીને જપ-તપાનુષ્ઠાન કરવાથી વારંવાર અસફળતા મળતી હોય તો તેમાંથી રાહત મળે છે. પીપળાનાં વૃક્ષ નીચે બેસીને જપ-તપ-અનુષ્ઠાન કરવાથી દૈવી સહાય મળી રહે છે. સાથે જ આમળાનાં વૃક્ષ નીચે બેસવાથી ઇચ્છિત ફળ પ્રાપ્તિની સાથે સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. જ્યારે શ્રીપર્ણી કે જેને સેવન તરીકે ઓળખવામાં આવે છે, તે વૃક્ષની નીચે બેસીને દુર્ભાગ્ય નિવારણ અથવા મહાલક્ષ્મીજીની કૃપા મેળવવા માટેનું અનુષ્ઠાન થઇ શકે છે. માનસિક શક્તિને મજબૂત બનાવવા માટે અશોક વૃક્ષ નીચે બેસીને જપાનુષ્ઠાન કરી શકાય છે.

વૃક્ષનો છોડ પણ ઘરમાં રાખી શકાય જૈન સાધુ, પંન્યાસ ઇન્દ્રજિતવિજયજીએ જણાવ્યું કે ઘરમાં વૃક્ષ ઉગાડી શકાય ન હોય તો તેનો છોડ પણ રાખી શકાય છે. ઉદાહરણ તરીકે પોતાનાં ઘરનાં, ફાર્મ હાઉસમાં અગ્નિ ખૂણામાં દાડમનો છોડ રાખે અથવા તો ઉછેરી શકાય છે. ઉપરાંત, શમી કે ખીજડાનાં વૃક્ષ નીચે બેસીને જાપ કરવાથી શનિને લગતી પ્રતિકૂળતા, પનોતીનું નિવારણ થાય છે.

વેબદુનિયા પર વાંચો