Labh Pancham 2022 - આજે લાભ પાંચમ, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

શનિવાર, 29 ઑક્ટોબર 2022 (00:13 IST)
29  ઓક્ટોબર શનિવારે  લાભ પાંચમનો શુભ દિવસ છે. તેને લાભ પંચમ અને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
 
તમને જણાવી દઈએ કે, આ તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તેને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી પણ વિશેષ ફળદાયી છે. લાભ પાંચમના દિવસે ભગવાન શિવની પૂરા દિલથી પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે અને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ સાથે લાભ પાંચમનો દિવસ તમારા વ્યવસાયમાં પ્રગતિ માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.
 
લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે.
ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે. આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે.  આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.
 
લાભપાંચમના શુભ મુહૂર્ત
પંચમી તિથિ શરૂ થાય છે- 29 ઓક્ટોબર, શનિવારે સવારે 8.13 વાગ્યાથી
પંચમી તિથિ સમાપ્ત થાય છે - 30 ઓક્ટોબર, રવિવાર, સવારે 5:49 વાગ્યે
લાભ પંચમી પૂજન મુહૂર્ત- સવારે 8.13 થી 10.13
લાભ પંચમી તારીખ - 29 ઓક્ટોબર, શનિવાર
 
લાભ પાંચમ પૂજા વિધિ
લાભ પાંચમનું વ્રત કરવા માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. તે પછી સૂર્યદેવને જળ અર્પણ કરો. ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સામે બેસો. ભગવાન ગણપતિને ચંદન, સિંદૂર, અક્ષત, ધૂપ, દીવો અને દુર્વા વગેરે અર્પણ કરો. આ પછી મા પાર્વતી અને મા લક્ષ્મીને ફૂલ વગેરે ચઢાવો. દેવી લક્ષ્મીને લાલ વસ્ત્ર, અત્તર, હળદર વગેરે અર્પણ કરો. આ પછી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. ઉપરાંત, સફેદ રંગની મીઠાઈઓ અર્પણ કરો. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ આખો દિવસ ઉપવાસ રાખવાનું હોય છે. પછી બીજા દિવસે સૂર્યોદય પછી ઉપવાસ તોડવો. તમે તમારી ક્ષમતા અનુસાર દાન કરો અને પરણિત મહિલાઓએ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ જેથી સૌભાગ્ય પ્રાપ્ત થાય.
 
લાભ પાંચમ 2022નું મહત્વ
શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપારમાં ઇચ્છિત લાભ મળે છે. અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પરિવારમાં સૌભાગ્યની સાથે સુખ-શાંતિ રહે છે. લાભ પાંચમ પર દીપાવલી પર પૂજા કર્યા પછી, શુભકામનાઓ અને આશીર્વાદ સાથે ભગવાન ગણેશનું સ્મરણ કરીને હિસાબની ચોપડીઓ લખવાની શરૂઆત કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર