Paush Purnima 2024 - જાણો ક્યારે છે પોષી પૂર્ણિમા, જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ બહેન ભાઈ માટે કરે છે વ્રત

ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (08:23 IST)
Paush Purnima 2024 - હિન્દુ ધર્મમાં  દરેક મહિનામાં આવતી પૂનમની તિથિનું ખૂબ મહત્વ છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રને પ્રિય હોય છે અને આ દિવસે ચંદ્ર પૂર્ણ કદમાં હોય છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, પોષ પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાનને દાન, સ્નાન અને અર્ઘ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. પોષ પૂર્ણિમાના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ઘણું મહત્વ છે. આ વખતે પોષ પૂર્ણિમા વ્રત 25 જાન્યુઆરીએ છે.  

 જ્યોતિષ મુજબ  શ્રીવિષ્ણુ હરિની ઉપાસના, ઓમ વિષ્ણવે નમઃ!! નમો ભગવતે વાસુદેવાય!!, !!શ્રી કૃષ્ણ શરણમ મમ્ !! ના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે. આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્વ છે. પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્ત્વ છે. આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે. તો ચાલો જાણીએ આ દિવસના મહત્ત્વ વિશે.
 
આ દિવસે શાકંભરી નવરાત્રી સમાપ્ત થાય છે. અંબાજી પ્રાગટ્ય ઉત્સવ માઘ સ્નાનરંભ અને ગોચરમાં વેપાર-વ્યવસાય બુદ્ધિ લેખન વાચનના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં ભ્રમણ દરમિયાન જ્યારે વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે તેની અશુભ અસર ઓછી કરવા માટે બુધ ગ્રહ દેવતાના મંત્ર જાપ અને તેને લગતી વસ્તુઓનું દાન પણ ઉત્તમ રહેશે. શ્રી વિષ્ણુની ઉપાસના વિષ્ણુ સહસ્ત્ર નામાવલી સ્તોત્રના પાઠ બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, શ્રી સુક્ત, પુરુષ સૂક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઊપાસના કરવા માટે અને ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ રહેશે. લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થશે.
 
વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદભૂત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.
 
પોષી પોષી પૂનમડી
અગાસીએ રાંધ્યા અન્ન;
ભાઈની બેની જમે કે રમે ?
 
પોષી પૂનમનું વ્રત અને પૂજા વિધિઃ-
પોષી પૂનમમાં દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી, સૂર્ય દેવને અર્ઘ્ય ચઢાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરો. આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન, દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે.
 
પોષી પૂનમ ગુજરાત માં એક અદકેરું મહત્વ ધરાવે છે, અને એ દિવસે પરીવાર ની દિકરી તેનાં વાહલા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે, ભાઈ નાં જીવન ની સુખ, તંદુરસ્તી અને મંગલ જીવન ની પ્રાર્થના કરે છે. તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમાં સામે વચમાં કાણું પાડેલાં બાજરી ની નાની ચાનકી કે નાનાં રોટલા માં થી ચંદ્ર માં ને આરપાર જોઈ " ચાંદા તારી ચાનકી, અગાશી એ રાંધી ખીચડી... ભાઈ ની બેન રમે કે જમે ? " એવું બાજુમાં ઉભેલા ભાઈ ને ૩ વખત પૂછે અને ભાઈ તેમ બોલે કે "જમે" પછી જ બહેન ફરાળ કરવા બેસે . આવી આપણી ગુજરાતી સંસ્કૃતિ છે...
 
પોષ મહીનાની પૂનમડી અગાશીએ રાંધી ખીર વ્હાલા,
જમશે માની દીકરીને પીરશે બેનીનો વિર વ્હાલા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર